અમરેલી,
રાજ્ય શિક્ષક સંઘના એલાન મુજબ અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જિલ્લા અને તાલુકા કક્ષાએ ઠેર ઠેર આવેદન પત્રો આપી રજુઆત કરી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોને બીએલઓની કામગીરી ગારૂડા એપ ઉપર કરવા ફરજ પડાતા પ્રાથમિક શિક્ષકો ટેકનીકલ બાબતને કારણે મુશ્કેલીમાં મુકાતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા એલાન મુજબ આજે અમરેલી જિલ્લાનાં શિક્ષકોએ રસીકરણની કોમ્પ્યુટર કામગીરીનો બહિષ્કાર કરી અમરેલીમાં કલેક્ટરને તેમજ દરેક તાલુકા કક્ષાએ મામલતદારોને આવેદન પત્રો પાઠવી શિક્ષકોએ રજુઆત કરી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દરેક શાળામાં કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા નથી ઉપરાંત શિક્ષકો પાસે ટેકનોલોજીનાં મર્યાદીત ઉપયોગ હોવાથી અને બાળકોનાં શિક્ષણને પણ અસર થતી હોવાથી ભારણ વધતા રાજ્ય સંઘે રજુઆત પણ કરી હતી. તેથી ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગણી છતા મુક્તિ અપાતી નથી. તેથી રાજ્યભરમાં શિક્ષકોએ આવેદન પત્ર આપવા નિયત થયા મુજબ અમરેલીમાં પણ આવેદન પત્ર અપાયાનું અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મહેન્દ્રભાઇ વિછીયા અને મહામંત્રી હિંમતભાઇ સોરઠીયાએ જણાવ્યું છે.