અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ ફટાકડા અને મીઠાઇ પડયા રહયા, માનતાઓ ન ફળી

અમરેલી,રાજ્યભરના આઇપીએસ અધિકારીઓની શનિવારે બદલીની બહાર પડેલી યાદીમાં છેક નીચે સુધી જોઇ જવાયા છતા તેમાં અમરેલીના એસપીનું નામ ન નીકળતા અમરેલી જિલ્લામાં ગુનેગારોને જમીનદોસ્ત કરી ચમરબંધીઓને કાયદાનું ભાન કરાવનાર એસપીશ્રી નિર્લિપ્ત રાયની બદલીની આશાએ ઉત્સવ મનાવવા માટે મંગાવાયેલ ફટાકડા અને મીઠાઇ પડયા રહયા હતા.અપરાધીઓ માટે કાળ જેવા અને બેનંબરી ધંધા કરનારા લોકો તથા ભલામણો કરાવનારા માટે કડવા અને આમ જનતા માટે મીઠા શ્રી નિર્લિપ્ત રાયની બદલી માટે આમ તો દર ચાર મહિને અફવાઓ ઉડે છે અને અસામાજિકોને આશા બંધાય છે કે હવે આપણે છુટા.એસપીશ્રી નિર્લિપ્ત રાયને અમરેલી રહે અને અમરેલી જિલ્લાને સુધારે તેવી લાગણી ઉપર સુધી વ્યક્ત કરાઇ હોય તેની નોંધ લેવાઇ છે અને એસપીશ્રીની બદલી નથી થતી આ વખતે પણ બદલીમાં અમરેલીના એસપીનું નામ હશે તેમ માની અનેક લોકોએ મીઠાઇ અને ફટાકડા મંગાવી રાખ્યા હતા અને અમુક જગ્યાએ તો માનતા પણ મનાઇ હતી કે આ એસપી જાય તો બકરા, કુકડા એવા કંઇક ભોગ દેવાનું નક્કી હતુ અને શનિવારે રાત્રે મોડેથી ગણતરી પ્રમાણે બદલીઓના ઓર્ડરો થયા ત્યારે આવા લોકો છેક સુધી લીસ્ટ જોઇ તેમાં શ્રી નિર્લિપ્ત રાયનું નામ ન નીકળતા નીરાશ થયા હતા.