અમરેલી જિલ્લામાં આજથી એસટી ડેપોથી ડેપો દોડશે : શ્રી ચારોલા

અમરેલી,નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જાહેરાત કર્યા મુજબ બહારના જિલ્લામાં આવવા જવા માટે હવે મંજુરીની જરૂર નહી રહે અને કોરોના મહામારીના કારણે લોકડાઉન હોવાથી લાંબો સમય એસટી બસો બંધ રહયા બાદ આજે સવારના 8 વાગ્યાથી ફરી રસ્તાઓ ઉપર એસટી બસો ચાલતી જોવા મળશે.હાલના તબક્કે ઉપરથી મળેલી સુચના મુજબ અમરેલી ડેપોથી જિલ્લાના બીજા ડેપોમાં બસો જશે ગામડાઓમાં નહી જાય જિલ્લાના 7 ડેપોમાંથી ડેપો પુરતી જ બસ સવારના 8 થી સાંજના 6 સુધી દોડશે.બહારના જિલ્લામાં બોટાદથી અમરેલી અને અમરેલીથી વેરાવળ વાયા ઉના, કોડીનારનો સમાવેશ કરવામાં આવેલ છે. બસમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે બસની કેપેસીટી કરતા 60 ટકા પેસેન્જરોનો સમાવેશ કરવામાં આવશે ડેપો પરથી બેસતા પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે તેમજ બસમાં મુસાફરી કરનાર દરેક મુસાફરોને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને પ્રારંભીક તબક્કે 48 શેડયુલ બનાવવામાં આવ્યા છે અને અંદાજિત 180 જેટલી ટ્રીપ દોડશે તેમ અમરેલી વિભાગીય નિયામકશ્રી ચારોલાએ જણાવ્યું હતુ. દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ગામડાઓના દોઢ સો જેટલા પોઇન્ટો ઉપરની આડસો હટાવી લેવાશે અને ચેકપોસ્ટ ઉપર સુરત અમદાવાદથી આવનારનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.