અમરેલી જિલ્લામાં આ વખતે મગફળીનો ઉતારો સાવ ઓછો આવશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં ખેતી મુખ્ય વ્યવસાય છે અને 90 ટકા ખેતી વરસાદ આધારીત છે ત્યારે આ વખતે પડેલા છુટક છુટક વરસાદ અને ઓછા વરસાદને કારણે મગફળીનો ઉતારો માંડ ત્રીસ ટકા જ આવે તેવી શકયતા છે.
શ્રી મનજીબાપા તળાવિયાના જણાવ્યા અનુસાર હવામાન ખાતાના નિર્દેશ અનુસાર હજુ એક અઠવાડીયા સુધી વરસાદ આવે તેવી સ્થિતિ નથી અને આશ્ર્લેષા અને મઘા નક્ષત્રમાં મગફળીના મુળમાં શુયા બેસી જમીનમાં ઉતરતા હોય છે આશ્ર્લેષા તો ગયુ અને હવે સોમવારે મઘા નક્ષત્ર પણ પુરુ થવાની તૈયારીમાં છે અને આ વખતના અપુરતા વરસાદથી મગફળી સાવ નબળી છે સોમવારથી શરૂ થનાર પુર્વા નક્ષત્રમાં રોપમાં ઉગેલા મગફળી સહિતના બીયારણો પાકવાનો સમય હોય છે ત્યાર પછી વરસાદ આવે તો પણ ફાયદો નથી જેના કારણે આ વખતે માંડવીનો ઉતારો માત્ર 30 ટકા જ આવે તેવી સ્થિતિ છે.
બીજી તરફ ઓછા વરસાદથી જીવનજરુરી વસ્તુમાં આવતા શીંગતેલના ભાવ ભડકે બળ્યા છે જેણે ગૃહીણીઓના બજેટને વેરવિખેર કરી નાખ્યું છે.
2021ની સાલમાં સાવ ઓછા વરસાદને કારણે શીંગ અને કપાસ બન્નેને અસર થવાની હોય આ વખતે બજારમાં શીંગ કરતા ચારસો પાંચસો રૂપિયા ઓછા ભાવે મળતા કપાસિયાના તેલના ભાવ પણ શીંગતેલની સાથે હરીફાઇ કરી રહયા છે તેનુ કારણ પણ કપાસીયામાં આવેલ ગુલાબી ઇયળ અને તેના કારણે તેનું ઓછુ થયેલુ વાવોતર જવાબદાર દેખાઇ રહયું છે.