અમરેલી જિલ્લામાં આ વખતે શીંગનું વાવેતર વધવાના સંકેત

અમરેલી,

આ વખતે ઓછા ભાવ અને ગુલાબી ઇયળના ઉપદ્રવથી નબળી ગુણવતાને કારણે મોટાભાગના ખેડુતના ઘેર કપાસ વેંચાયા વગરનો પડયો રહયો છે તેવા સમયે ઓણ સાલ અમરેલી જિલ્લામાં શીંગનું વાવેતર વધવાના સંકેત મળી રહયા છે.
હાલમાં અમરેલી જિલ્લામાં સીસીઆઇની ખરીદીથી ખેડુત પુરો સંતૃષ્ઠ નથી એક તો પુરો કપાસ ખરીદાતો નથી અને અઠવાડીયામાં માત્ર બે જ દિવસ ખરીદી થાય છે જયારે ખુલ્લ બજારમાં પુરા ભાવ મળતા નથી માત્ર સાડા પાંચસો થી છસો ભાવ આવે છે. ગયા વખતે આવેલી ગુલાબી ઇયળે પાક બગાડયો હતો અને ઇયળને મારી શકે તેવી કોઇ દવા ન હોવાને કારણે મોંઘા બીયારણ અને કીંમતી દવાઓનો બગાડ થાય છે વળી શરૂઆતમાં જે જમીનમાં 40 મણ બીટી કપાસ થતો હતો તે જમીનમાં આજે 15 મણ ઉતારો જ આવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, 1998માં તો ગુજરાતમાં બીટી કપાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ ખેડુતોને બે પાંદડે કરનારા બીટી કપાસને કોઇ કારણે છુટ અપાઇ હતી જેનું પરિણામ આજે સામે છે. ગયા વર્ષે અમરેલી જિલ્લામાં 5,56,420 હેકટર જમીનમાં સૌથી વધ્ાુ 4,02,022 હેકટરમાં કપાસ, 112910 હેકટરમાં મગફળીની વાવણી થઇ હતી બાકીના 41488 હેકટરમાં અન્ય પાક હતા એમા પણ 23740 હેકટરમાં ઘાસચારો હતો આનો મતલબકે પાકની વિવિધતા પણ જિલ્લાની ધરતતીએ ગુમાવી હતી.પણ આ વખતે ખેડુતો માંડવીના બીયારણ તરફ વળશે જિલ્લાના સૌથી મોટા મહત્વના બીયારણના વેપારી ચલાલાના જેકે વાળા શ્રી જયેશ વાળાએ જણાવેલ કે આ વખતે અમારા ધારી તાલુકા સહિત જિલ્લાભરમાં બીયારણની ખરીદીનો ટ્રેન્ડ જોતા મગફળીનું વાવેતર વધવાનું છે.
જયારે અમર ડેરીના ડાયરેકટર શ્રી રાજુભાઇ માંગરોળીયાએ જણાવેલ કે, એકલા અમરેલી જિલ્લામાં જ કપાસનું એક અબજનું બીયારણ વેંચાય છે. અને આ વખતે કપાસનું વાવેતર ઘટવા પાછળ એક કારણ એવુ પણ શ્રી માંગરોળીયાએ જણાવેલ કે, હાલમાં ભાગીયાઓ ચાલ્યા ગયા છે કપાસની વીણી વખતો વખત લેવાની હોય તે લઇ શકાય તેમ નથી તેના કારણે શીંગનું વાવેતર વધશે જ કારણ કે કપાસની ખરીદી થવી જોઇએ તેટલી થઇ નથી.અને અમુક લોકો ખોડુ બોલીને ગુલાબી ઇયળની દવા હોવાનુ કહી દવા વેંચે છે કોઇએ એ જુઠમાં આવવું નહી આની કોઇ દવા છ ેજ નહી.