અમરેલી જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવા ધસારો

અમરેલી,
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આજે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપમાં અમરેલી પાલિકામાં ત્રણ વોર્ડ તથા જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની ચાર બેઠકની યાદી જાહેર નથી કરાઇ જ્યારે કોંગ્રેસમાં સતાવાર રીતે એક પણ નામ જાહેર નથી કરાયુ પરંતુ સીધી ઉમેદવારી કરાવાઇ રહી છે ત્યારે શુક્રવારે જિલ્લામાં પાલિકાઓ,. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારી પત્રો ભરવા માટે લડવૈયાઓની ભીડ જામી હતી.
અમરેલી જિલ્લાની અમરેલી, બાબરા, બગસરા, દામનગર અને સાવરકુંડલા એમ પાંચ પાલિકાઓની ચુંટણી યોજાનાર છે જેમાં 39 વોર્ડમાં 156 બેઠકો છે આ બેઠક ઉપર અત્યાર સુધીમાં 257 ઉમેદવારી પત્રો ભરાઇ ગયા છે અને બાકી રહેલા આજે ભરાશે બાબરામાં પાલિકાના પુર્વ પ્રમુખ રહી ચુકેલા શ્રી વનરાજ વાળા તથા અમરેલીમાં પુર્વ પ્રમુખ શ્રી કાળુભાઇ પાનસુરીયા, શ્રીમતિ અલ્કાબેન ગોંડલીયાએ ઉમેદવારી નોંધાવી છે.
અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 59 ઉમેદવારી પત્રો ભરાયા છે અહીંની વંડા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઉમેદવારો જાહેર નથી કર્યા કોંગ્રેસમાંથી શ્રી ધર્મેન્દ્ર પાનસુરીયા, શ્રી ટીકુભાઇ વરૂ અને મોટા ભાગના સ્ત્રી અનામત બેઠકો થતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોના ધર્મ પત્નીઓને રસોડામાંથી બહાર નીકળી ઉમેદવારી પત્ર ભરવાનો મોકો મળ્યો છે અને ડઝનબંધ આગેવાનોના ધર્મ પત્નીઓએ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે. જિલ્લાની અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 53, બાબરાની 18 બેઠકો માટે 15, બગસરાની 16 બેઠકો માટે 47, ધારીની 18 બેઠકો માટે 35, જાફરાબાદની 16 બેઠકો માટે 39, ખાંભાની 16 બેઠકો માટે 12, કુંકાવાવ વડીયાની 16 બેઠકો માટે 39, લાઠીની 16 બેઠકો માટે 43, લીલીયાની 16 બેઠકો માટે 42, રાજુલાની 20 બેઠકો માટે 27, કુંડલાની 22 બેઠકો માટે 45 ઉમેદવારી પત્રો રજુ થયા છે 11 તાલુકા પંચાયતોમાં 192 બેઠકો છે અને તેની સામે શુક્રવાર સુધીમાં 397 ઉમેદવારી પત્રો રજુ થઇ ગયા છે.