અમરેલી જિલ્લામાં કડાકા ભડાકા સાથે મેઘસવારી : ત્રણ ઇંચ

  • હવામાન વિભાગની વરસાદની આગાહી વરસાદ શરૂ થયો પછી થઇ પણ સાચી પડી : 6 વાગ્યે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
  • અમરેલી શહેર અને જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી ત્રણ ઇંચ જેવો વરસાદ : નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા : બગસરામાં ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘુસ્યાં 
  • જિલ્લામાં ફરી વરસાદથી રહયો સહયો ખેતીપાક પણ બગડે તેવી શક્યતાઓ : જિલ્લાના જળાશયોમાં નવા નીર આવતા દરવાજાઓ ખોલાયા : રાયડી ડેમ 9મી વખત છલકાયો 

અમરેલી,
હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે અમરેલી શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હળવા ભારે વરસાદ પડયો હતો. અને ક્યાંક ભારે વરસાદ પડવાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ પડવાથી રહયો સહયો ખેતીપાક પણ ફરી જોખમમાં મુકાયો છે. જિલ્લામાં કેટલાય સ્થળોએ તલ, મગફળી, કપાસ અને કઠોળનો પાક નિષ્ફળ જવાથી ખેડુતો ખેતરોમાંથી બગડેલો પાક કાઢી રહયા છે.
અમરેલી શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદ પડવાના કારણે શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. અને બજારો પણ વરસાદના કારણે બંધ થવાથી સુમસામ ભાસી રહી હતી. લીલીયા શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદ પડવાથી નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને નાવલી નદી પણ વહેતી થઇ હતી. અમરેલી તાલુકાના સરંભડામાં એક કલાકમાં ધોધમાર વરસાદ પડયો હતો.
ખારાપાટ વિસ્તારના ફતેપુર, ચાંપાથડ, વિઠલપુર, તરક તળાવ, પીઠવાજાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. બાબાપુર, ગાવડકા, ખીજડીયા, મેડી, તરવડા, વાંકીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આજે સુપડાધારે ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડવાથી ખેતરો બહાર પાણી વહેતા થયા હતા. લાઠી શહેરમાં ધોધમાર એક ઇંચ જેવો વરસાદ પડી જવાથી રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. દામનગર શહેરમા આજે શુક્રવારે સમીસાંજે છ વાગે ઘનઘોર અંધારું છવાઈ ગયા બાદ વાદળોમા ગડગડાટી સાથે વિજળીનાં ચમકારાઓ સાથે સાડા છ વાગે ધોધમાર વરસાદ શરુ થયો હતો.જે પોણી કલાકમાં એક ઈંચ વરસી જતા શહેર જળબમ્બાકાર થયું હતુ. બગસરામાં સાંજના સુમારે કડાકા ભડાકા તેમજ વિજલીઓના ઝબકારા વચ્ચે અનરાધાર વરસાદ શરૂ યહયો હતો જે એક કલાકમાં 2ઈંચ થી વધુ વરસ્યો હતો જેના કારણે બગસરા માં ચાલી રહેલ રોડ તેમજ ભૂગર્ભ ગટર ના કામો માં થયેલ ખોદન માં પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તાર જેવાકે કુંકાવાવ નાકા પાસે પાણી ભરાયા હતા તેમજ ત્યાં આવેલ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
સાવરકુંડલા તાલુકાના વંડા, ફીફાદ, નાળ, શેલણા, ભમોદરા, કેદારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ડેડાણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર 2 ઇંચ જેવો વરસાદ પડયો હતો. આસપાસના માલકનેશ, નિંગાળા, વાંગધ્રા, ભુંડણી, ત્રાકુડા, બારમણ, જેવા ગામોમાં પણ સારો વરસાદ પડયો હતો. રાજુલા શહેરમાં પણ વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. ડુંગરમાં ધોધમાર વરસાદ પડયો હતો. મોટા આંકડીયામાં એક ઇંચ જેવો વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ચલાલા શહેરમાં સાંજના ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડી જતા બજારોમાં પાણી વહેતા થયા હતા. અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચિતલમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ધારીમાં હળવુ ઝાપટુ પડયુ હતુ.
હાથીગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે એક ઇંચ વરસાદ પડયો હતો. બાબરા અને કુંકાવાવમાં તેમજ વડીયામાં હળવા ઝાપટા પડયા હતા. ખાંભા શહેર અને તાલુકામાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ અમરેલી 38 મી.મી, ધારી 5 મી.મી, બગસરા 56 મી.મી, લાઠી 25 મી.મી, લીલીયા 80 મી.મી વરસાદ નોંધાયો હતો અમરેલી જળ સિંચન કચેરી દ્વારા જિલ્લામાં આવેલા જળાશયો છલોછલ થતા દરવાજા ખોલાયા હતા. જેમાં ધાતરવડી-1 0.38 મી. ઓવરફલો, ધાતરવડી-2 4 દરવાજા એક ફુટ ખોલાયા, રાયડી ડેમ 4 દરવાજા એક ફુટ ખોલાયા, સુરજવડી ડેમ 0.10 મી. ઓવરફલો, અમરેલીનો ઠેબી ડેમ 3 દરવાજા એક ફુટ ખોલાયા, ધારીના ખોડીયાર ડેમના 2 દરવાજા 0.22 મી. ખોલાયા, મુંજીયાસર ડેમ 0.03 મી. ઓવરફલો, વડીયા એક દરવાજો 0.025 મી. ખોલાયો, શેલદેદુમલ 1 દરવાજો 0.05 મી. ખોલાયો.