અમરેલી જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ વધ્યો

  • બીટી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલા લેવા અનુરોધ કરાયો
  • એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ હવે ગુલાબી ઇયળોએ દેખા દીધી

બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ કપાસ પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતો પિયત આપીને આગોતરુ અને વરસાદ આધારિત વાવેતર પણ કરે છે, આગોતરા આયોજનના ભાગ રૂપે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરૂ થાય તો તેનું સંકલિત નિયંત્રણ માટે નીચે મુજબના પગલા ભરવા ખેડૂત મિત્રોને અમલ કરવા જણાવવામાં આવે છે.ગુલાબી ઇયળનો ઉપદ્રવ ટાળવા ઊંડી ખેડ કરવી, તેમજ શેઢા પાળા સફાઇ કરવી. કપાસની કરાઠીઓને બાળીને નાશ કરવો. કપાસના ખેતરમાં અગાઉના ખરી પડેલા ફુલ, કળીઓ અને જીંડવાનો બાળીને નાશ કરવો. કપાસના પાકના અવશેષો યાંત્રિક ઉપકરણથી ટુકડા કરી સેંદ્રીય ખાતર બનાવવું. કરાઠીઓનો વેલાવાળા શાકભાજી કે અન્ય હેતુ માટે આધાર તરીકે ઉપયોગ ન કરવો. કપાસની છેલ્લી વિણી પછી ખેતરમાં ઘેટા બકરા તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપક્વ ફુલ ચરી જતા હોય છે, જેથી ગુલાબી ઇયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય.કપાસના જીનર્સ વેપારીઓ વિશેષ કાળજી લેવા અનુરોધ છે. જીનીંગ દરમ્યાન નીકળેલ વધારાના કપાસિયા તથા કચરામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે. અને નવા વાવેતરમાં ફુલ ભમરી અને જીંડવા શરૂ થતા તે ઉપદ્રવ શરુ થતો હોય જીનીંગની કામગીરી પુર્ણ થયે સંપુર્ણ કમ્પાઉંડને સાફ કરવું, તેમજ નકામા કચરાનો નિકાલ કરવો, સળગાવીને નાશ કરવો, જંતુનાશક દવાનો છંટકાવ કરી કોશેટાનો નાશ કરવો, જે જગ્યાએ નાશ કરવામાં આવ્યો હોય ત્યાં રાસાયણિક દવાનો છંટકાવ કરવો. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પોતાની જીનમાં આવતા કપાસનો ચકાસવો તથા જો ગુલાબી ઇયળથી પ્રભાવિત જણાય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરી નાશ કરવો અને આવા કપાસને અલગ રાખવો. જીનીંગ માટે વપરાતા વિવિધ સાધનો, કોથળા, ગાંસડીના ગોડાઉન વગેરેનો રાસાયણિક દવાથી સારી રીતે સાફ કરવા.