અમરેલી જિલ્લામાં કબ્જા વગરનાં બાનાખતોની ચકાસણી શરૂ

  • વ્યાજખોરો દ્વારા પરાણે કરી લેવાયેલા દસ્તાવેજોમાં અમુક લોકો એટલી હદે ડરેલા છે કે તે ફરિયાદ કરવા પણ નથી આવી શકતા હવે પોલીસ સીધી આવા લોકો પાસે પહોંચશે
  • જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી નોંધાયેેલા કબ્જા વગરના બાનાખતોની વિગતો એકત્ર કરવાનું શરૂ કરાવતા એસપીશ્રી નિર્લિપ્ત રાય : અનેક વ્યાજખોરો પોલીસનાં સકંજામાં આવશે

અમરેલી,
વ્યાજખોરો સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અવિરત ઝુંબેશના ભાગરૂપે અમરેલી જિલ્લામાં કબ્જા વગરનાં બાનાખતોની ચકાસણી શરૂ કરાઇ હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના અનેક વ્યાજખોરો ઉપર ફરિયાદો દાખલ થઇ છે અને કેટલાકને પાસામાં પણ કલેકટરશ્રી દ્વારા મોકલવામાં આવ્યા છે આમ છતા વ્યાજના ચક્રમાં ફસાયેલા ઘણા લોકો પોલીસ પાસે જઇ શકતા નથી તેવા લોકોની શોધ હવે પોલીસ ખુદ ચલાવશે અને શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ કરી પોલીસ જાતે પગલાઓ શરૂ કરાવશે.
જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા પરાણે કરી લેવાયેલા દસ્તાવેજોમાં અમુક સીધા સાદા લોકો એટલી હદે ડરેલા છે કે તે પોલીસ પાસે ફરિયાદ કરવા પણ નથી આવી શકતા અથવા તો વ્યાજખોરો તેની પાસે જઇને યેનકેન પ્રકારે દબાણ કરી ગયા હોય છે અથવા સેટીંગ કરી ગયા હોય છે પણ સુત્રોના જણાવ્યા અનુસાર હવે પોલીસ સીધી આવા લોકો પાસે પહોંચશે અને તેનો રસ્તો છે રજીસ્ટ્રાર કચેરીની અંદર નોંધાયેેલા દસ્તાવેજો.
પોલીસ તંત્રની એસઆઇટીની ટીમ દ્વારા અનેક લોકોની જમીનની દસ્તાવેજોની અને સોદાઓની તપાસ થતી હોય છે એસપીશ્રી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી નોંધાયેેલા કબ્જા વગરના બાનાખતોની વિગતો એકત્ર કરવાનું શરૂ થઇ ગયુ છે જેના કારણે આવનારા સમયમાં અનેક વ્યાજખોરો પોલીસનાં સકંજામાં આવશે.