અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : પાંચના મોત

  • અમરેલી પંથકમાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ જુદી જુદી બે ઘટનાઓમાં
  • લીલીયાના પાંચ તલાવડા પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે ચડાવતા ત્રણના મોતથી અરેરાટી : ખોડીયાર ડેમના ઘુનામાં અમરેલીના બે મુસ્લીમ યુવાનોના ડુબી જતા મોત

અમરેલી,
અમરેલી પંથકમાં જાણે યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ જિલ્લામાં પાંચના મોતના બનાવો બનેલ છે. જેમાં ધારીમાં ખોડીયાર ડેમમાં નાહવા પડતા બે ના મોત થયા હતા અને લાઠીના શાખપુરમાં નજીક પાંચ તલાવડા રોડે અજાણ્યા વાહને બાઇકને હડફેટે ચડાવતા ત્રણના મોત થયા છે. જયારે એક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના ત્રણ મુસ્લીમ મિત્રો અબ્દુુલા સિકંદરભાઇ નાગાણી, અયાજ હનિફભાઇ અને બસીર અબ્દુલકરીમ કેરૂન બાઇક લઇને ધારી ફરવા ગયેલ. જ્યાં ત્રણેય મિત્રો ખોડીયાર ડેમના ઘુનામાં ન્હાવા પડેલ હતા. જેમાં અબ્દુલા સિકંદરભાઇ નાગાણી ઉ.વ.17નો પગ લપસતા તેને બચાવવા માટે અયાજ હનિફભાઇ ઉ.વ.17 પણ પાણીમાં ડુબવા લાગતા બન્ને મિત્રોના કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવની ધારી પોલીસ મથકમાં બસીરભાઇ અબ્દુલકરીમભાઇ કેરૂને જાહેર કરતા પોલીસે તરવૈયાઓની મદદથી ડુબેલા બે કિશોરોની લાશ શોધી કાઢીને પી.એમ. માટે ધારી દવાખાને ખસેડવામાં આવેલ. આ બનાવની અમરેલીના મુસ્લીમ આગેવાનોને જાણ થતા ધારી દવાખાને દોડી ગયા હતા. અને મુસ્લીમ સમાજમાં બે કિશોરના મોત નિપજતા ભારે ગમગીની છવાઇ હતી. આ બનાવમાં અબ્દુલા સિકંદરભાઇ નાગાણી ઉ.વ.17 તેના પિતાનો એકના એક પુત્રનું મોત નિપજતા પરિવારજનોમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.દામનગરના શાખપુર નજીક હનુમાનજી મઢી પાંચ તલાવડા રોડ પર રમેશભાઇ લાલજીભાઇ ગોટીની વાડીમાં કામ કરતા એમ.પી.ના શ્રમીક પરિવારના રેલસીંગ ચીડુભાઇ કીકરીયા ઉ.વ. આશરે 30, પુત્ર શિવમ ઉ.વ. 4, પુત્રી ભાગુબેન રેલસીંગ ઉ.વ. 2ના ગારીયાધારથી આવતા હતા. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને રાત્રીના હડફેટે ચડાવતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે પત્નિ ગુડીબેન રેલસીંગને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની ફરિયાદ સાળા રાજેશભાઇ માનસીંગભાઇ ડામોર મૂળ એમ.પી. હાલ જાળીયા વાળાએ દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. શ્રી પલાટ ચલાવી રહયા છે.