અમરેલી,અમરેલી જિલ્લામાં સુરત અમદાવાદ સહિતના સેન્ટરોમાંથી લાવવામાં આવેલા બે લાખ લોકોમાંથી ધીમે ધીમે કોરોનાના કેસો સામે આવી રહયા છે અગાઉ સુરતથી બે કેસ આવ્યા બાદ આજે શનિવારે વધ્ાુ બે કેસ પોઝીટીવ આવતા અમરેલી જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા 4 એ પહોંચી છે.
શનિવારે પ્રથમ કેસ સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે 45 વર્ષીય મહિલાનો નોંધાયો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. પરન્તુ તા. 8 ના રોજ આ મહિલાનાં ઘરે સુરતથી એક પરિવાર આવેલો હતો. અને ત્યાર બાદ આ પરિવાર ગામમાં બીજી ત્રણ જગ્યાએ પણ રોકાયેલ હતો પરંતુ પોઝીટીવ આવેલ મહિલાને હવે 13માં દિવસે શરદી-ખાંસીના લક્ષણો જણાતાં સૌપ્રથમ ખાનગી દવાખાનામાં અને ત્યારબાદ સિવિલમાં તપાસ કરાવતા ગઈકાલે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને આજે તેમને કોરોના પોઝિટિવ આવતાં હાલ તેને સિવિલ ખાતે દાખલ કરાયા છે. તંત્ર દ્વારા સુરતથી આવેલ મહેમાનની બસના નાના મોટા જીંજુડા અને ગાધકડાના લોકો તથા આ મહિલાના સંપર્કમાં આવેલ નાના જીંજુડાના લોકો મળી કુલ 59 લોકોને સાવચેતી માટે કવોરન્ટાઇન કરાયા છે જેમાં તેની સાવ નજીક રહેલા 12 ને અમરેલીની એલડી હોસ્ટેલમાં ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે અને 47 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા છે.
બીજો કેસ અમરેલીના ચાડીયા ખાતે 42 વર્ષીય પુરુષનો નોંધાયો છે. આ વ્યક્તિ બાપુનગરથી 20 મે ના ખાનગી વાહનમાં અમરેલી આવેલા હતા. તેને તાવ, ખાંસી અને ન્યુમોનિયા જેવા લક્ષણો જણાતાં વાંકીયા પીએચસીમાંથી તા. 21 થી સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા. અને તેના સંપર્કની કામગીરીમાં 49 વ્યક્તિઓની વિગતો મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલ દ્વારા નજીકની હાઇ રીસ્ક 11 વ્યક્તિઓને અમરેલી કોવિડ કેર સેન્ટરમાં જ્યારે 38 લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા હતા.
આજે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નાના-મોટા જીંજુડા, ગાધકડા અને ચાડીયાની મુલાકાત લઈ સ્થાનિક સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.