અમરેલી જિલ્લામાં કોરોના ઇફેકટ : ત્રણ હજાર ખાનગી શિક્ષકો બેકાર

  • કોરોના વાયરસ પોઝિટીવ થયેલા દર્દી કરતા પણ શિક્ષણ ક્ષેત્રને સૌથી વધારે નડયો
  • અમરેલી જિલ્લાની 276 ખાનગી શાળાઓ કોરોનાને કારણે મુશ્કેલીમાં : ઓનલાઇન શિક્ષણ અપાતા જિલ્લામાં માત્ર 30 ટકા વાલીઓએ ફી ભરી
  • શરૂઆતમાં શિક્ષકોને અર્ધા પગારે રાખ્યા બાદ મોટાભાગની શાળામાંથી શિક્ષકો છુટા થઇ ગયા : ત્રણ હજાર ખાનગી શિક્ષકો નોકરીની શોધમાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં લોકડાઉન હળવુ થયા બાદ સૌના કામધંધા શરૂ થઇ રહયા છે પણ સૌથી મોટી અસર શૈક્ષણિક જગતને થઇ છે અને તેમાય ખાનગી શાળાઓના શિક્ષકોની હાલત ખુબ જ કફોડી થઇ છે.
અમરેલી જિલ્લામાં આવેલી ખાનગી શાળાઓની સંખ્યા 276 છે અને તેમા ચારથી પાંચ હજાર જેટલા શિક્ષકો હતા લોકડાઉન આવ્યું ત્યારે તમામે 50 ટકા પગારથી શિક્ષકોને વેતન ચુકવ્યું હતુ તે એક મહીનો બે મહીના ચાલ્યુ અને પછી ધીમે ધીમે શાળાઓ આવક વગર ડુબતી ચાલી હતી એનો એક જ દાખલો જોઇએ તો લોકડાઉનને આજે આ નવમો માસ શરૂ થયો છે અને જિલ્લાની સૌથી મોટા ખાનગી સંસ્થા વીજબી ન ભરી શકતા તેનું કનેકશન કાપી નાખવામાં આવ્યું છે.
શાળાઓમાં ચાલતા ઓનલાઇન શિક્ષણમાં વાલીઓ ફી નથી ભરતા માંડ 30 ટકા વાલી જ ફી ભરે છે જેને કારણે શાળાઓ ભારે ખેંચમાં આવી ગઇ છે અને બીજી તરફ સામાન્ય વેતનથી કામ કરતા શિક્ષકો ધરાર છુટા થયા હતા અને થઇ રહયા છે ઓનલાઇન શિક્ષણને કારણે આવા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.ખાનગી શાળા સંચાલક મંડળના શ્રી હસમુખ પટેલના જણાવ્યા અનુસાર સૌથી મોટી વિદ્યાસભામાં પણ 70 ટકા જેટલા વાલઓએ સમયસર ફી ન ભરતા આર્થીક ખેંચ અનુભવાઇ છે આ રીતે જિલ્લાની અનેક શાળાઓમાં મુશ્કેલી આવી છે એક અંદાજ પ્રમાણે ત્રણથી સાડાત્રણ હજાર જેટલા ખાનગી શિક્ષકોની જોબ ઉપર અસર થઇ હોવાનું શ્રી પરેશભાઇ ઝાલાવાડીયાએ જણાવ્યું હતુ.હાલમાં ખાનગી શક્ષિકો મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે.