અમરેલી જિલ્લામાં ઝાપટાથી ચાર ઇંચ વરસાદ : ડેમોમાં ભરપુર આવક

  • ગઇ કાલે મેઘરાજાએ ધરાને તૃપ્ત કર્યા બાદ સતત બીજા દિવસે પણ મેઘરાજાનું બેટીંગ
  • રાજુલા અને કુંડલામાં મુશળધાર : વડીયામાં પોણો ઇંચ, લીલીયા અને બાબરા શહેરમાં વરસાદનાં ઝાપટા પડ્યાં
  • રાજુલાના ખેરા, સમઢીયાળા, ચાંચમાં 3 થી 4 ઇંચ વરસાદ જાફરાબાદમાં ચાર, લાઠીમાં અડધો : અમરેલીમાં બે ઇંચ
  • અકાળામાં અડધો, આંબરડીમાં ચાર ઇંચ : ધારીમાં પોણો ઇંચ, ચિતલમાં કડાકા ભડાકા સાથે બે ઇંચ વરસાદ
  • ખાંભામાં અડધો, ડેડાણમાં દોઢ ઇંચ : ધારી ગીર પંથકના ગામોમાં અડધો ઇંચ : અમરેલીના ગામડાઓમાં 2 ઇંચ : ઉપરવાસના ગામોમાં વરસાદને કારણે મોટાભાગના ડેમો નદી નાળા તળાવોમાં પાણીની ભરપુર આવક
    દરિયામાં મોટા લોઢ ઉછળ્યાં : રાજુલા અને જાફરાબાદ પંથકની ખેતીની જમીનોનું ધોવાણ થયું : રાયડી ડેમના ત્રણ દરવાજા ખોલાયા : શેલદેદુમલ, મુંજીયાસર, સુરજવડીમાં પાણીની ભરપુર આવક

અમરેલી,
અમરેલી શહેર જિલ્લામાં ગઇ કાલે સારો વરસાદ થયા બાદ આજે બીજા દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કર્યુ હતુ ઠેર ઠેર વરસાદના વાવળ મળ્યા છે. રાજુલાથી કનુભાઇ વરૂના અહેવાલ મુજબ રાજુલાના દરિયાકાંઠાના ગામોમાં જેવા કે ડુંગર, માંડણ, દેવકા, વિક્ટર, કથીવદર, ખેરા, ચાંચ બંદર સહિતના કોસ્ટલમાં ધોધમાર વરસાદ પડયો હતો. ચાંચ બંદરમાં સતત બે કલાક સુધી મેઘરાજાએ મહેર કરી હતી. સરપંચશ્રી કાનજીભાઇ ચૌહાણના જણાવ્યા મુજબ ખેરા સમઢીયાળા, ચાંચમાં 3 થી 4 ઇંચ વરસાદ પડતા ધોવાણ થઇ ગયુ હતુ અને દરિયામાં ભારે મોજા ઉછળ્યા હતા.
સાવરકુંડલાથી અમારા પ્રતિનીધી સૌરભ દોશીના અહેવાલ મુજબ સાવરકુંડલામાં આજે બપોરના 2 વાગ્યે વરસાદ શરૂ થયો હતો ઘડીભર જોરદાર વરસાદ પડયા બાદ થોડા સમય સુધી ધીમી ધારે વરસાદ પડયો હતો. ઉપરવાસના ગામોમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઇ હતી. સાવરકુંડલાથી 8 કિમી દુર હાથસણી ગામે આવેલ શેલદેદુમલ ડેમની સપાટી 85 ટકા ભરાઇ ગઇ હતી. તેથી નદીના પટ વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા હતા. નદી બજારના વેપારીઓ સાવધાની અને સતર્કતા સાથે પોતાના ધંધા રોજગાર શરૂ રાખ્યા હતા. વાતાવરણમાં મોડે સુધી ગરમીનું પ્રમાણ અનુભવાયુ હતુ.
અમરેલી શહેર અને જિલ્લામાં આજે બીજા દિવસે પણ અવિરત મેઘ સવારી શરૂ રહેતા ખેતી પાક ઉપર કાચુ સોનું વરસતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. અમારા પ્રતિનિધીઓના જણાવ્યા અનુસાર અકાળામાં આજે બપોર બાદ અડધો ઇંચ વરસાદ પડયો હતો સાવરકુંડલા તાલુકાના આંબરડીમાં મોસમના સૌથી પ્રથમ વરસાદ ગઇ કાલે ધોધમાર 4 ઇંચ જેવો બપોરના પડયો હતો. જ્યારે આજે બીજા દિવસે પોણો ઇંચ વરસાદ પડતા ખેતી પાકને મોટો ફાયદો થયેલ છે. જ્યારે આજે બપોરના 3 વાગ્યે ખોડીયાણા, બગોયા, કૃષ્ણગઢ, થોરડી, જાબાળ, અભરામપરામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. બાબરા શહેરમાં અમી છાટણા થયા હતા. જ્યારે બગસરા શહેરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. અમરેલી તાલુકાના બાબાપુર, ગાવડકા, ખીજડીયા, તરવડા, મેડી, સરંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ જેવો વરસાદ પડયો હતો ધારી શહેરમાં અડધાથી પોણો ઇંચ જ્યારે તાલુકાના ખીચા, દેવળા, વીરપુર, ગઢીયા ગીર પંથકના દુધાળા, જીરા, સરસીયા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના વાવળ મળી રહયા છે ચલાલા શહેરમાં પણ આજે સારો વરસાદ પડયો હતો. અમરેલી તાલુકાના ચિતલમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 2 ઇંચ જેવો વરસાદ પડયો હતો. જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બચપોરના 4 વાગ્યાથી ધોધમાર અઢીથી ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો હતો. રાજુલા તાલુકાના માંડણ, ડોળીયા, છાપરી, બાલાપર, મોરંગી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડયો હતો. લીલીયાના હાથીગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ વરસાદ, મોટી કુંકાવાવમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડયો હતો. લીલીયા શહેરમાં હળવુ ઝાપટુ પડયુ હતુ. વડીયામાં વિજળીના કડાકા ભડાકા સાથે પોણો ઇંચ વરસાદ પડયો હતો. સારા વરસાદના કારણે ચારેય કોર પાણીના દ્રષ્યો સર્જાયા હતા. સુરવો નદીમાં પણ નવા નીર જોવા મળ્યા હતા. સારા વરસાદથી ખેતીના પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે. સારા વરસાદથી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી તાલુકાના ખારા પાટ વિસ્તારના ફતેપુર, ચાપાથળ, વિઠલપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાથી ખેતરોના પાળા ધોવાયા હતા. જાફરાબાદ તાલુકાના લોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે બીજા દિવસે સારો વરસાદ પડયો હતો. જ્યારે ગીર કાંઠાના દલખાણીયા અને ગીર પંથકના ગામોમાં છેલ્લા 2 દિવસથી સારો વરસાદ પડી રહયો છે જેથી માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. મોટા આંકડીયા, ભંડારીયા, પીપળલગ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડયો હતો. ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ, લાઠી શહેરમાં અડધો ઇંચ અમરેલી શહેરમાં દોઢ ઇંચ ઉપરાંત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોણાથી એક ઇંચ વરસાદ, ખાંભા તાલુકાના ડેડાણમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડયો હતો.