અમરેલી જિલ્લામાં તા.9 થી તા.30 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો

અમરેલી,
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગત વર્ષે ’હર ઘર તિરંગા’ અભિયાન યોજાયું હતું. આ વર્ષે સ્વાતંત્ર પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ’ મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.09 થી તા.30 ઓગસ્ટ સુધી પંચાયત સ્તરમાં, બ્લોક સ્તરમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ સમગ્ર કાર્યક્રમની રુપરેખા સમજાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. ગાંધીનગરથી મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રી દ્વારા આ કાર્યક્રમના આયોજન અંગે જરુરી માર્ગદર્શન સૂચન કરવામાં આવ્યા આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ’મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન અમરેલી જિલ્લા સહિત દેશની તમામ પંચાયતમાં થશે.  દરેક પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં અમૃત સરોવર/જળાશયોની આસપાસ આ તકતી મૂકવામાં આવશે. જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય ત્યાં પંચાયત કચેરી, શાળા પાસે તકતી મૂકવામાં આવશે, જેમાં સ્થાનિક વીરોના નામ અંકિત કરવામાં આવશે.આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ)  રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એવા લોકો જે પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા છે, તેમને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. સહભાગીઓ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. આ ઉપરાંત દરેક પંચાયતોમાં 75 સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ’વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન થશે. આ ઉપરાંત માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. બ્લોક ખાતેથી યુવાનો  પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત શહેરી ટાઉન વિસ્તારમાં પણ યોજાશે. કાર્યક્રમ રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ તા.9 ઓગષ્ટથી તા.30સુધી યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો પણ વિવિધ રુપે આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા દ્વારા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જરુરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સ્થળ તપાસ કરી અને આયોજન કરવા માટે જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.  આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, અધિક જિલ્લા નિવાસી કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.