અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહના આદેશથી જિલ્લાભરમાં દેશી દારૂની બદીઓ દુર કરવા સુચના અપાતા પોલીસે જિલ્લામાં 137 સ્થળોએ જુદા જુદા દરોડા પાડી દારૂ વેચાણની પ્રવૃતિ સાથે સંકળાયેલા 25 આરોપીઓને પકડી પાડયા છે અને 48 પ્રોહીબીશનના કેસો દાખલ કરી જિલ્લાભરમાં પોલીસે સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં પોલીસના આ પગલાથી દેશી દારૂની ધમધમતી અનેક ફેકટરીઓ બંધ થયાની સાથે અસામાજીક તત્વો પણ ભો ભીતર થઇ ગયાનું જાણવા મળ્યુ છે આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમારએ દારૂબંધીના કડક અમલ અને દારૂની ગેરકાયદે વેચાણ/સેવન/વહન અટકાવવા રેન્જના જિલ્લાઓની પોલીસને સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ અને આજરોજ તા.06/05/2022ના રોજ વહેલી સવારે સ્પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા શખ્સો ઉપર અલગ અલગ કુલ 137 જગ્યાઓએ વહેલી સવારે દરોડા પાડી, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ 48 કેસો શોધી કાઢવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર 124, કિં.રૂ.2,558/-તથા આથો લીટર 794, કિં.રૂ.1,588/- દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિં.રૂ.968/- મળી કુલ કિં.રૂ.5,114/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ 25 આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.