અમરેલી જિલ્લામાં દુકાનો ખોલવાની સમયમર્યાદા વધી : સવારના 8 કલાકથી સાંજના 7 કલાક સુધી ચાલુ રહેશે : 8 મી તારીખથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટને પણ છૂટ : રાત્રીના 9 થી સવારના 5 દરમિયાન બિન-જરૂરી અવર-જવર પર પ્રતિબંધ : માસ્ક ફરજિયાત : થૂંકવા પર દંડ વસુલાશે

અમરેલી,
કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને ઝડપી કોવિડ-19ના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. લોકડાઉન – 5 ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓને તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પ્રતિબંધિત પ્રવૃત્તિઓ:-જે અંતર્ગત ગૃહવિભાગની પરવાનગી સિવાય તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી નિષેધ છે. મેટ્રો રેલવે સેવાઓ બંધ છે. તમામ શાળા, કોલેજો, તાલીમ સંસ્થાઓ, કોચિંગ ક્લાસીસ, અનુશિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જીમનેશિયમ, સ્નાનગરો, મનોરંજનના સ્થળો, જાહેર બગીચા, વોટર પાર્ક, પ્રાણીસંગ્રહાલય, નાટ્યગૃહો અને એવા તમામ જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા તમામ સ્થળો બંધ રહેશે. રાજકીય, ધાર્મિક, મનોરંજન, રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં. પુરાતન સ્થળો, દરિયા કિનારો અને અન્ય પ્રવાસન સ્થળો પૂર્ણત: બંધ રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સરકારની ગાઈડલાઈન મુજબ સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધી આવશ્યક ચીજવસ્તુઓ મળશે. એ સીવાયની દરેક પ્રવૃત્તિ પર પ્રતિબંધ રહેશે. જિલ્લામાં સામાન્ય નાગરિકો માટે આવશ્યક સેવા સિવાય વ્યક્તિગત અવરજવર રાત્રે 9 કલાકથી સવારે 5 કલાક સુધી સખ્તપણે પ્રતિબંધિત છે. દસ વર્ષથી નીચેના બાળકો, 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને શારીરિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓને અતિ આવશ્યક કામગીરી અને મેડિકલ સારવાર ના કારણો સિવાય ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

કંઈ-કંઈ પ્રવૃત્તિઓ શરૂ થશે:-
જિલ્લાના નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારના 8 કલાકથી સાંજે 7 કલાક સુધી વિવિધ પ્રવૃત્તિ ઓ શરૂ થઈ શકશે જેમકે, કરિયાણાની રિટેલ દુકાનો, ઉદ્યોગો, ચા સ્ટોલ, 20 લોકોની મર્યાદા સાથે અંતિમયાત્રા તેમજ 50 વ્યક્તિઓની મર્યાદા સાથે લગ્ન, પાન પાર્લર, હેરસૂલન, બ્યુટીપાર્લર, સિટિબસ, 60% કેપિસિટી સાથે લાઈબ્રેરી, પ્રાઇવેટ બસ સર્વિસ, બેંક, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ,ઓટો રીક્ષા, ગેરેજ, વર્કશોપ, ટેક્સી વગેરે.
આ ઉપરાંત ધાર્મિક સ્થળો, ફેરિયા, હોટેલ, કલબ, રેસ્ટોરન્ટ, મોલ વગેરે પ્રવૃત્તિઓ 8 જૂનથી શરૂ કરી શકાશે. આ પ્રવૃત્તિઓ અન્વયે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સાથે પરામર્શ કરી, સંચાલન પ્રક્રિયા અને સામાજિક અંતરના નિયમનું પાલન થાય તે અંગે સંબંધિત ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.