અમરેલી જિલ્લામાં નવા મતદારોના નામ નોંધાવવા કલેકટરની અપીલ

  • ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે : મતદારોને સહયોગ આપવા અનુરોધ

અમરેલી,
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01-01-2021ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 09 નવેમ્બરથી પ્રારંભ થયો હતો. મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી. મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી, મતદારના કલર ફોટોગ્રાફ્સ મુકવા, ઇમેજ સુધારવી સહિત મતદાર યાદી શુધ્ધતા બાબતે સુધારો કરવા અંગેની ઝુંબેશ ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ થયો છે.
અમરેલી જિલ્લામાં 01 જાન્યુઆરી 2021ના રોજ મતદાનની લાયકાત ધરાવતા નવા યુવા મતદારો તેઓના નામની નોંધણી કરી શકશે. આગામી 13 ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સવારે 10 કલાકથી સાંજે 05 કલાક સુધી મતદારો સુધારા વધારા કરી શકશે. નવીન મતદારોએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નંબર 06, નામ સામે વાંધો લેવા અને રદ કરવા ફોર્મ નંબર 07 તેમજ વિગતમાં સુધારો કરવા ફોર્મ નંબર 08 અને નામ તબદીલ કરવા 08-0કમાં અરજી કરવાની રહેશે. નવી એપીક કાર્ડ ઇચ્છતા મતદારો જિલ્લા અને તાલુકા સહાયતા કેન્દ્રમાં રૂ. 30 ભરી નવી ઓળખકાર્ડ મેળવી શકશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં NVSP પોર્ટલ) મતદાર હેલ્પ લાઇન, વોટર હેલ્પ લાઇન મોબાઇલ એલ્પીકેશન, મતદાર અધિકારીની કચેરી તેમજ એસ.એમ.એસ ECI (SPACE) મતદાર ઓળખકાર્ડ નંબર લખી 1950 નંબર પર મેસેજ કરી તેમજ 1950 નંબર પર સંપર્ક કરી ચકાસણી કરી શકાશે. તેમજ જરૂરી પુરાવા સાથે www.nvsp.in અને www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકાશે.
મતદાર યાદી સુધારણામાં આગામી 01-01-2021ના રોજ 18 વર્ષ પૂર્ણ કરી લાયકાત ધરાવતા મતદારો આ મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકશે, જે તે ભાગમાંથી નામ કમી કરી નવી જગ્યાએ ઉમેરવાનું થતુ હશે તો તે નિયત ફોર્મ ભરી કાર્યવાહી કરી શકાશે ફોર્મ નંબર-6,7,8 મેળવી ચૂંટણી મતદાર યાદી સંદર્ભે કામગીરી હાથ ધરી શકાશે.સ્થળાંતરીત નવા મતદારો પોતાનું નામાંકન કરાવી શકશે આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ અપીલ કરી હતી.