અમરેલી જિલ્લામાં બેંકો સજ્જડ બંધ રહી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં સરકારશ્રીનાં બેંકોનાં ખાનગીકરણ કરવાનાં નિર્ણયને વખોડી કાઢી વિરોધ પ્રદર્શિત કરી આજથી બે દિવસ અમરેલી જિલ્લામાં તમામ રાષ્ટ્રિયકૃત બેન્કોમાં હડતાલ રાખવામાં આવતા બેંકોનું કામકાજ બંધ રહ્યું હતું. અમરેલી જિલ્લામાં બે દિવસમાં લોકોનાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ઠપ થશે. સરકારનાં બે બેન્કો અને એક વિમા કંપની ઉપરાંત આઇડીબીઆઇ બેન્કને ખાનગીકરણ કરવાનાં નિર્ણય તરફ ઝડપભેર આગળ વધી રહેલ છે. સરકાર કઇ બેન્કોનું ખાનગીકરણ કરવા વિચારે છે તે સ્પષ્ટ નથી. એક તરફ ખોટ કરતી બેન્કને ખાનગી કરવાની વાત છે. તો સરકારનાં રાજ્ય કક્ષાનાં નાણાં પ્રધાનનું મંતવ્ય એવું છે કે, ખોટ કરતી બેન્કનો કોઇ લેવાલ નહીં હોય. આજે સરકારની યોજના જેવી કે, જનધન યોજના, ખેડુતોને સિધી રાહત, મનરેગાની રાહત આ જાહેર ક્ષેત્રની બેન્કો પુરી પાડે છે. સરકારની જુદી-જુદી હાઉસીંગ યોજનાને સરળ સસ્તા દરે ધીરાણ જાહેર ક્ષેત્રની બેન્કો આપે છે. ખેડુતોને પાક વિમાની રકમ ખાતામાં બેન્કો આપે છે. કિસાન ક્રેડીટ કાર્ડથી ધિરાણ બેન્કો આપે છે. નાના કારીગરો, નાના વ્યાપારીઓ અને નાના ઉદ્યોગોને જાહેર ક્ષેત્રની બેન્કો પુરી પાડેછે. શું આ સેવાઓ ખાનગી બેન્કો કે જેનો મુખ્ય હેતુ નફો રળવાનો છે. તે પુરી પાડશે. જાહેર ક્ષેત્રની બેન્ક પાસે 146 લાખ કરોડની થાપણ છે. તે ખાનગી ઉદ્યોગોને સોંપી શકાય? પ્રજાનો તેઓ વિશ્ર્વાસ સંપદાન કરશે. આજે જાહેર ક્ષેત્રની બેન્કો સરકાર હસ્તક છે. તેથી થાપણને સુરક્ષિત માની લોકો પોતાની મરણ મુડી બેન્કમાં મુકે છે. જાહેર ક્ષેત્રની બેન્કો અને ગ્રામીણ બેન્કો ગ્રામ્ય વિસ્તાર ખોટનો વેપલો કરી અને અસ્તિત્વ ધરાવે છે. એટલું જ નહીં સરળ વ્યાજે ધિરાણ આપે છે. આજે ખાનગી બેન્કોની 10 ટકા શાખાઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં નથી. બેન્કોનું ખાનગી કરણ કરવામાં આવશે તો બેન્કોનાં વહિવટ પર સરકારનો નહીં પણ આવા કથિત ઉદ્યોગગૃહોનાં હાથમાં જશે. બેન્કોની સેવાઓ સામાન્ય ગ્રાહક માટે મોંઘી થશે તે નિશ્ર્ચિત છે. અમરેલી એસબીઆઇ બેન્કનાં કર્મચારીઓ દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.