- આજ સુધીમાં જિલ્લામાં પ હજાર કરતા પણ વધારે ખેડૂતો દ્વારા પોતાના નામની નોંધણી કરાવી
અમરેલી,
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની જાહેરાત કરાયા બાદ 1 ઓક્ટોબરથી નોંધણીની કામગીરી શરુ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5 હજાર કરતા પણ વધારે ખેડૂતો દ્વારા પોતાના નામની નોંધણી કરાવી દેવામાં આવી છે.આ અંગે પૂરવઠા નિગમના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરાયા બાદ અમરેલી જિલ્લામાં મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. અમરેલી જિલ્લામાં કપાસ બાદ સૌથી વધારે મગફળીનું વાવેતર અને ઉત્પાદન થાય છે જેના કારણે આ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન કરતા અને વેચનારા ખેડૂતોની સંખ્યા ઘણી જ મોટી છે. 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણીની કામગીરી શરુ થયા બાદ તા. 5 સાંજ સુધીમાં 5669 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવામાં આવી છે અને હજુ પણ આ કામગીરી શરુ જ છે જેથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતોના નામની નોંધણી થાય તેવી શક્યતા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ બાબરા તાલુકામાં 2436 ખેડૂતોના નામની નોંધણી થઈ ગઈ છે જે અન્ય તાલુકાઓની તુલનામાં ઘણી જ વધારે છે. જ્યારે લીલીયા ગામ કે તાલુકામાં હજુ સુધી એક પણ ખેડૂત દ્વારા પોતાના નામની નોંધણી કરાવવામાં આવી નથી. આ જ રીતે લાઠી તાલુકામાં પણ માત્ર 8 ખેડૂતોના નામની જ નોંધણી થઈ છે અને અન્ય તાલુકામાં નોંધણીનું પ્રમાણ ઘણું સારું છે.
અમરેલી રુરલમાં 120, અમરેલી સીટી 43, કુંકાવાવ 33, ખાંભા 729 જાફરાબાદ 417, ધારી 33, બગસરા 178, બાબરા 2436, રાજુલા 430, લાઠી 8, લીલીયા 0, સાવરકુંડલા 1443 અને જિલ્લામાં કુલ 5659ની નોંધણી થઈ છે.