અમરેલી,
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગીની આગાહીના પગલે ગત રાત્રીથી આજે બીજા દિવસે સાંજ સુધી અમરેલી જિલ્લામાં અડધા ઇંચથી લઇને સાત ઇંચ જેવો સુપડાધારે વરસાદ પડયો હતો ગીર પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને કારણે નદી નાળાઓ વહેતા થયા હતા. ચેક ડેમ અને ડેમોમાં નવા નીરની આવક હિંલોળા લઇ રહી છે. ખેડુતોએ ખેતરોમાં વાવેતર કરેલ પાક ઉપર કાચુ સોનુ વરસતા ખેડુતોએ લાપસીના આંધણ મુક્યા છે.
સાવરકુંડલાના વિજપડીમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નાળાઓ વહેતા થયા હતા અને ચેક ડેમમાં પણ નવા નીર આવ્યા હતા વિજપડી આસપાસનાં ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો તેમ પ્રવિણભાઇ વાઘેલાએ જણાવેલ લાઠીનાં અકાળામાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડયાનું રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવ્યુ છે. કુંકાવાવ તાલુકાના અનીડામાં ગત રાત્રીનાં ધોધમાર ચારથી પાંચ ઇંચ વરસાદ પડી જતા ખેતરો બહાર પાણી વહેતા થયા હતા અને વોકળાઓ પણ પાણીથી ભરપુર વહેતા થયાનું લલીતભાઇ પરવાડીયાએ જણાવ્યુ છે. સાવરકુંડલાનાં આંબરડીમાં આજે બપોરનાં ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ પડયાનું સુભાષભાઇ સોલંકીએ જણાવેલ. હસુભાઇ રાવળના જણાવ્યા અનુસાર અમરેલી તાલુકાના બાબાપુર મેડી તરવડા, સરંભડા, ગાવડકા, નવા ખીજડીયા સહિતના ગામોમાં દોઢ બે ઇંચ જેવો વરસાદ પડયાનું જણાવ્યુ છે. દામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડયાનું વિનુભાઇ જયપાલે જણાવેલ. ચલાલામાં ગત રાત્રીથી દિવસ દરમિયાન ધીમી ધારે દોઢ ઇંચ વરસાદ પડયાનું પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ. લીલીયાના હાથીગઢથી શ્રીકાંત દાદાના જણાવ્યા અનુસાર હાથીગઢ, બોડીયા, સાજણ ટીંબા, અંટાળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. ધારીથી ઉદયભાઇ ચોલેરાના જણાવ્યા અનુસાર ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે શેત્રુજી નદીમાં પુર આવ્યુ હતુ. ધારી નબાપરા જીવનમુક્તેશ્ર્વર મંદિર પાસે પુલ પર પાણી આવતા લોકોની અવર જવર બંધ થયેલ છે. ધારીમાં આજે બપોરથી સાંજ સુધીમાં ધોધમાર વરસાદ પડયો હતો. ધારી પંથકનાં ખીચા, દેવળા, જીરા, ડાભાળી, દુધાળા સરસીયામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. દલખાણીયાથી યોગેશ સોલંકીના જણાવ્યા અનુસાર દલખાણીયા, કોટડા, ચાંચઇ, પાણીયા, ધાંધાનેશ, સાપનેશ, ક્રાંગસા, સુખપુર, સમુહખેતી, ગીગાસણ, બોરડી સહિતના ગીર પંથકમાં ધોધમાર ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા શેત્રુજી નદી બે કાંઠે વહી હતી. ધારીનાં નક્કી મીઠાપુરના સરપંચ જયેશભાઇ પેથાણીના જણાવ્યા અનુસાર ગીર પંથકના ગામોમાં પાંચથી સાત ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયાનું જણાવેલ. મીઠાપુરના પુલ ઉપર શેત્રુજી નદીનું પાણી ફરી વળ્યું હતુ અને નદીમાં ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત પુર આવ્યુ છે. ચિતલથી ધર્મેશભાઇના જણાવ્યા અનુસાર ગત રાત્રીનાં વરસાદના હળવા ઝાપટા પડયા હતા. લાઠીથી વિશાલ ડોડીયાના જણાવ્યા અનુસાર આજે બપોરનાં અડધો ઇંચ જેવો વરસાદ પડયો હતો. કુંકાવાવથી કિર્તીભાઇ જોષીએ જણાવ્યા અનુસાર કુંકાવાવ અને આસપાસના ઉજળા, ભાયાવદર, તાલાળી, સનાળી, વાવડી સહિતના ગામોમાં એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. લીલીયા શહેર અને પંથકમાં અડધાથી પોણા ઇંચ જેવો વરસાદ પડયાનું મહેશભાઇ દવેએ જણાવેલ. મોટા આંકડીયામાં આજે સવારથી સાંજ સુધીમાં પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો ખાંભાના મોટા સમઢીયાળામાં ઘનશ્યામભાઇ વરડાંગરના જણાવ્યા અનુસાર મોટા સમઢીયાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. ચલાલાના નાગધ્રામાં ઉપરવાસના વરસાદના કારણે શેલ નદી બે કાંઠે વહેતા બાયપાસ ઉપર પાણી ફરી વળ્યાનું રઘુભાઇ ભડીંગજીએ જણાવ્યુ હતુ. મોટા બારમણના રમેશભાઇ દાદા જોષીના જણાવ્યા અનુસાર મોટા બારમણ, ભુંડણી, ચોત્રા, નાના બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર સાડા ચાર ઇંચ વરસાદ પડતા રાયડી ડેમમાં નવા નીરની આવક થયેલ છે. અને ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વડીયામાં 5 ઇંચ જેવો તેમજ રાજુલામાં સવા ચાર ઇંચ જેવો અને ગીર પંથકમાં સૌથી વધ્ાુ 7 ઇંચ જેવો વરસાદ પડયો હતો. ડેડાણથી બહાદુરઅલી હીરાણીના જણાવ્યા અનુસાર ડેડાણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના 12 થી 6 સુધીમાં ધોધમાર ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી તાલુકાનાં ફતેપુર, ચાપાથળ, પીઠવાજાળ, વિઠલપુલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો. સાવરકુંડલા જતા સ્ટેટ હાઇવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં ચક્કરગઢના પાટીયેથી નવા માર્કેટયાર્ડ રોડ સુધી પાણી ફરી વળતા અમરેલીથી કુંડલા આવતા જતા વાહનચાલકોનેી ભારે હાલાકીનો સામનો કરવો પડયાનું સતીષભાઇ રાઠોડે જણાવેલ. સાવરકુંડલા શહેર અને તાલુકાના ગાધકડા, મેરીયાણા, ખડસલી, બાઢડા, વંડા, ફીફાદ, ઘોબા, પીપરડી, ભમોદરા, શેલણા, ઠવી, વિરડી, રબારીકા, જુના સાવર, જીરા, ચરખડીયા, ઓળીયા, નેસડી, કાના તળાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડયો હતો તેમ સૌરભ દોશીની યાદીમાં જણાવાયુ છે. વડીયાથી ભીખુભાઇ વોરાના જણાવ્યા અનુસાર વડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર ઇનીંગ જોવા મળી છે વડીયામાં મધ્ય રાત્રીના ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને અંદાજે 6 ઇંચ જેવો વરસાદ પડયો હતો. ઉપરવાસના ગામોમાં ભારે વરસાદના કારણે સુરવો નદી બે કાંઠે વહેતી થઇ હતી. અને સુરવો ડેમમાં 13.5 ફુટ નવા નીરની આવક થતા એક જ રાતમાં વડીયાની જીવાદોરી સમાન સુરવો ડેમ 75 ટકા ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બગસરાથી રૂપેશ રૂપારેલીયાના જણાવ્યા અનુસાર બગસરા શહેર અને પંથકમાં ધોધમાર ચાર ઇંચ જેવો વરસાદ પડી જતા ઉપરવાસના સારા વરસાદના કારણે બગસરાની સાતલડી નદીમાં નવા નીર આવ્યા હતા. બગસરા નદીમાં ભળતા જાજંજરીયા હામાપુર અને સુડાવડના વોકળામાં પાણી આવતા સાતલડી નદી વહેતી થઇ હતી. મોટા મુંજીયાસર ડેમમાં ઉપરવાસના સારા વરસાદના કારણે સાડા પાંચ ફુટ નવા નીરની આવક થયેલ છે અને હાલની સપાટી 10.50 ફુટે પહોંચી છે. જુના વાઘણીયાના મગનભાઇ સરવૈયાના જણાવ્યા અનુસાર બે દિવસથી ધીમી ધારે વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા છે. અને અંદાજે જુના વાઘણીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી પાંચ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો છે. વડીયાની ભાગોળે સાકરોડી ડેમમાં પણ 21 ફુટ જેટલા નવા નીરની આવકથી ડેમની સપાટી 22 ફુટ આસપાસ પહોંચી છે. ગૌરાંગ વાળાના જણાવ્યા અનુસાર ધારગણી, લાખાપાદર, વાવડી, ઇંગોરાળા, કરેણ, વાઘવડી, વાવડી, ખંભાળીયા, દિતલા તેમજ ગીર વિસ્તારના ગામોમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડતા નદીઓમાં નવા નીર વહેતા થયા હતા. સતત બે દિવસથી વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં આજે 12 વાગ્યાથી 4 કલાકમાં ધોધમાર ચાર ઇંચ જેવો વરસાદ પડતા નદીઓમાં પુર આવેલ. તેમજ ભાવનગર વેરાવળ નેશનલ હાઇવે ઉપર એક કલાક ટ્રાફીક જામ થતા બંધ રહયો હતો. તમામ ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં રાહની લાગણી વ્યાપી છે. રાજુલાનાં નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયુ હતુ. અમુક વિસ્તારોમાં ગટર અને વરસાદનું પાણી એકમેક થઇ ગયુ હતુ. રાજુલા દરિયા કાંઠાના ચાંચ બંદર સમઢીયાળા, આગરીયા, કોટડી, કાતર, કોવાયા, વડ, છતડીયા, ભચાદર, વિક્ટર જેવા ગામોમાં વરસાદ પડતા દાતરડી બે નંબર અને બે નંબર વિસ્તારમાં ભારે પાણી આવ્યુ હતુ. બપોર બાદ વરસાદના કારણે મોટા ભાગના વેપારીઓએ દુકાનો ખોલી ન હતી. જાફરાબાદ તાલુકાના વઢેરા, બલાણા, સાકરીયા, ભાડા, હેમાળ, માણસા, લોર, શિયાળબેટમાં ભારે વરસાદ પડયો હતો જ્યારે ટીંબીમાં રૂપેણ નદી તેમજ નાગેશ્રીમાં રાય ડી નદીમાં બે કાંઠે પુર આવ્યુ હતુ. સમઢીયાળાના બંધારામાં પણ નવુ પાણી આવ્યુ
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગઇ કાલે સાંજે 6 થી આજે સવારના 6 સુધીમાં અમરેલી 15 મીમી, ખાંભા 3 મીમી, જાફરાબાદ 12 મીમી, ધારી 13 મીમી, બગસરા 56 મીમી, બાબરા 14 મીમી, લાઠી 12 મીમી, લીલીયા 1 મીમી, વડીયા 133 મીમી તેમજ આજે સવારના 6 થી સાંજના 6 સુધીમાં અમરેલી 45 મીમી, કુંકાવાવ વડીયા 24 મીમી, લાઠી 17 મીમી, લીલીયા 59 મીમી, બગસરા 44 મીમી, ધારી 66 મીમી, સાવરકુંડલા 61 મીમી, ખાંભા 87 મીમી, જાફરાબાદ 46 મીમી, રાજુલા 115 મીમી વરસાદ નોંધાયો હતો.