અમરેલી જિલ્લામાં રવિ-સોમ માવઠાનો માહોલ : કેરીના પાક ઉપર જોખમ

અમરેલી, અમરેલી જીલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી સવાર થી બપોર સુધી આકરો તાપ અને બપોર બાદ આકાશમાં છવાતા વાદળોના કારણે રવિવારે બપોર બાદ સાવરકુંડલા, ખાંભા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડયો હતો. સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામડાઓમાં કમૌસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી હતી. તેમ સૌરભ દોશી ની યાદીમાં જણાવ્યુ છે. ખાંભા, બોરાળા, ચકરાવાપરા, ખડાધાર, નાનુડી, ભાણીયા, ગીદરડી, પીપળવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી વરસાદ થતા કેરીના પાકને અને ઉનાળુ ખેતી પાકને નુકસાન થયેલ છે. તેમ રૂચિત મહેતાની યાદીમાં જણાવ્યુ છે. ધારી તાલુકાના ગીર પંથકના પાતળા, દુધાળા, નાની ધારી અને તુલસીશ્યામમાં સારો એવો વરસાદ પડવાના કારણે ભીમચાસ નદીમાં નવા નીર આવ્યા હતા. આ ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી વરસાદના કારણે બાજરી, તલ, કેરીના પાકને નુકસાન થયેલ છે. તેમ ડાભાળીના રણજીત વાળાની યાદીમાં જણાવાયુ છે. અમરેલી શહેરમાં રવિવારે સાંજના ગાજવીજ સાથે કોકકોક છાટા પડયા હતા. અને કમૌસમી વરસાદ પડવાના કારણે લોકોએ ગરમી માંથી રાહત મેળવી હતી.