અમરેલી જિલ્લામાં રાજુ શેખવાનાં સામ્રાજ્ય ઉપર વધુ એક પ્રહાર

  • એસીબી અને અમરેલી પોલીસનું સંયુક્ત ઓપરેશન : અમરેલીનાં ઇતિહાસમાં પહેલી વખત એક દિવસમાં અપ્રમાણસર મિલ્કતનાં ત્રણ કેસ
  • જેની ઉપર અગાઉ અપ્રમાણસર સંપતિનો કેસ થયેલ છે તેવા રાજુ શેખવાના ભાઇ રોહીતભાઇ શેખવા અને કિશોરભાઇ શેખવા તથા ભાભલુભાઇ વરૂ ઉપર એસીબીમાં એફઆઇઆર
  • કાઠી સમાજના વધુ ત્રણ માથાઓ ઝપટે ચડતા ખળભળાટ : શેખવા બંધુઓની 3 કરોડ ઉપરાંતની અને શિક્ષક સંઘના ભાભલુભાઇ પાસે સવા કરોડની મિલ્કતો મળી આવી

અમરેલી,
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અસામાજિકો અને વાઇટ કોલર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આજે કાઠી સમાજના મોટા માથા ગણાતા રાજુ શેખવા પરિવારના વધુ બે ભાઇઓ તથા રાજુલાના કાઠી સમાજના જ ભાભલુ વરૂ નામના શિક્ષક પાસેથી અપ્રમાણસરની મિલ્કતો અમરેલી પોલીસ અને એસીબીના સંયુક્ત ઓપરેશનમાં મળી આવતા એસીબીમાં એક જ દિવસે શિક્ષક તથા સાવરકુંડલા પાલીકાના કર્મચારી એવા રોહીત અને કિશોર શેખવા ઉપર એફઆઇઆર દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે એફસીઆઇના કોન્ટ્રાકટર અને અગાઉ હત્યા, અપહરણ જેવા ગુનાઓમાં સંડોવાયેલ અને કાઠી સમાજનું મોટુ માથુ ગણાતા રાજુ શેખવાના સાવરકુંડલા નગરપાલીકામાં સેનેટરી ઇન્સપેકટર એવા ભાઇ રોહીત જીવકુભાઇ શેખવા તથા તેના કાકાના દિકરા ભાઇ કિશોર વલકુભાઇ શેખવા ક્લાર્ક સાવરકુંડલા નગરપાલીકા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઇ હતી કે ઉપરોક્ત બંને રાજ્ય સેવક અપ્રમાણીક રીતે કરોડો રૂપીયાની જમીનો મિલ્કતો પોતાના અને પરિવારજનોના નામે ખરીદ કરેલ હોવાની માહિતી અને દસ્તાવેજો અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય એસીબીને પુરી પાડવામાં આવતા અમરેલી પોલીસ અને એસીબીના મદદનીશ નિયામક શ્રી બી.એલ. દેસાઇ દ્વારા છેલ્લા 2 મહિનાથી તપાસ હાથ ધરાતા એસીબીના નાણાકીય સલાહકારના વિષ્લેષણ બાદ કિશોર વલકુભાઇ શેખવા મેં 2 કરોડ 68 લાખ 37 હજાર 198 ની આવક સામે 4 કરોડ 1 લાખ 83 હજાર 46 રૂપીયાના રોકાણ અને મિલ્કતો જણાતા તેની પાસે રૂા. 1 કરોડ 33 લાખ 45 હજાર 844 અપ્રમાણસરની મિલ્કત મળી હતી જ્યારે રોહીત જીવકુભાઇ શેખવા સેનેટરી ઇન્સપેકટર પાસે તેની કાયદેસરની આવકના 2 કરોડ 99 લાખ 84 હજાર 70 માં તેની પાસેથી 4 કરોડ 85 લાખ 24 હજાર 454 રૂપીયાની મિલ્કતો મળી આવતા તેમની પાસેથી એક કરોડ 85 લાખ 40 હજાર 384 ની અપ્રમાણસરની મિલ્કત મળી આવી હતી એસીબીના અધિકારીઓ શ્રી એન.ડી. ચૌહાણ, શ્રી એમ.એ.વાઘેલા, શ્રી આર.એન.દવેએ આ તપાસ કરી અને ગુના દાખલ કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કાઠી સમાજનું માથુ ગણાતા રાજુ શેખવા સામે પણ અપ્રમાણસરની મિલ્કતનો ગુનો દાખલ કરાયો છે જેની તપાસ ચાલી રહી છે તે દરમિયાન તેના જ પરિવારના વધ્ાુ બે સામે આ ફરિયાદ થતા ખળભળાટ મચ્યો છે.
આ ઉપરાંત હાલમાં સસ્પેન્ડ એવા રાજુલાના બાલાનીવાવ ગામના શિક્ષક ભાભલુભાઇ નાગભાઇ વરૂ સામે પણ ગુનો દાખલ થયો હતો ભાભલુ વરૂ ઉપર રાજુલામાં બે ગુનાઓ વ્યાજવટાવના દાખલ થયા છે અને રાજકોટમાં પણ તેની ઉપર એક ગુનો દાખલ થયો છે ભાભલુ વરૂ સામે ધાક, ધમકીના ગુનાઓ ઉપરાંત તે અને તેના પરિવારના સભ્યોના દસ્તાવેજી પુરાવાઓ બેંક ખાતાઓનું વિષ્લેષણ કરવામાં આવતા તેમને હોદાની રૂએ ફરજ દરમિયાન 89 લાખ 34 હજાર 101 ની આવક થઇ હતી જેની સામે તેનું કુલ ખર્ચ રોકાણ 2 કરોડ 15 લાખ 96 હજાર 384 હોય તેની પાસેથી 1 કરોડ 26 લાખ 62 હજાર 223 ની અપ્રમાણસરની મિલ્કત મળી આવતા ગુનો દાખલ કરી અને તપાસ ગીર સોમનાથ એસીબીના પીઆઇ શ્રી વી.આર. પટેલને સોંપાઇ છે એસીબી દ્વારા ઉપરોક્ત કેસો અંગે અન્ય કોઇ સરકારી અધિકારી કર્મચારીની મિલ્કતોની માહિતી મળે તો એસીબીને મોકલવા અનુરોધ કરાયો છે.

નાગેશ્રીના હિતેષભાઇ વાણીયાએ સ્યુસાઇડ નોટમાં શ્રી નિર્લિપ્ત રાયને રજુઆત કરી હતી

રાજકોટમાં આપઘાત કરી લેનાર નાગેશ્રીના વણીક હિતેષભાઇ ગોરડીયાએ પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાને વ્યાજના ચક્કરમાં નાખનાર ભાભલુ વરૂ સામેની રજુઆત અને ફરિયાદ એસપીશ્રી નિર્લિપ્ત રાયને કરી હોવાનું અને વ્યાજવટાવના ધંધામાં ભાભલુ વરૂ અને તે બંને ધંધો કરતા હોવાનું ખુલ્યુ હતુ અને તેમના ઘરમાંથી પણ દોઢ કરોડના સોનાના દાગીનાઓ મળ્યા હતા જેની વર્તમાન કિંમત અઢી કરોડ થાય છે આ બનાવની તપાસ એસીબી અને આઇટી બંને દ્વારા તથા અમરેલી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ચાલી રહી છે.

એસીબીના કેસમાં હાલમાં મળેલી મિલ્કત માત્ર સ્થાવર મિલ્કત છે

એસપીશ્રી નિર્લિપ્ત રાયએ પત્રકારોને વિગતો આપતા જણાવેલ કે અમરેલીના એક જ દિવસમાં દાખલ થયેલા ત્રણેય એસીબીના કેસમાં માત્ર સ્થાવર મિલ્કતો ગણતરીમાં લેવાઇ છે જવેલરી, ફર્નિચર અને રાચરચીલુ હવે જાહેર કરાશે અને રાજુ શેખવા પરિવારના બીજા બે સભ્યો પણ અપ્રમાણસર મિલ્કતો ધરાવતા હોય એક જ પરિવારમાંથી અપ્રમાણસર મિલ્કતના ત્રણ કેસ થયા છે.

ભાભલુ વરૂએ થાઇલેન્ડની ટ્રીપ મારી હોવાનું પણ તપાસમાં ખુલ્યું

રાજ્ય શિક્ષક સંઘના હોદેદાર અને શિક્ષક એવા ભાભલુ વરૂ સામે રાજુલામાં બે અને રાજકોટમાં એક એમ ત્રણ ગુનાઓ દાખલ થયા છે અને તેની અપ્રમાણસરની મિલ્કતની તપાસ દરમિયાન તેણે થાઇલેન્ડની પણ ટ્રીપ મારી હોવાનું ખુલવા પામ્યું હતુ.

પોલીસ અને એસીબીની લાંબી કસરત પછી સીલસીલાબધ માહિતી એકત્ર થઇ

પોલીસ અને એસીબી દ્વારા અપ્રમાણસરની મિલ્કતના કેસમાં જેની ઉપર આરોપ હોય તેની આવકનો સરવાળો, તેની વસાવેલી મિલ્કતોની આકારણી, તેના અને તેના સબંધીના બેંક એકાઉન્ટની ડીટેલ્સ, તેની ઉપર નોંધાયેેલા ગુનાઓ તથા તેના પાસપોર્ટ, તેના દસ્તાવેજો સહિતની અનેક જીણવટભરી વસ્તુઓની ચકાસણી કરવામાં આવે છે અને ગઇ કાલે મોડી રાત્રી સુધી થયેલ સર્ચ ઓપરેશન બાદ ઉપરોક્ત વિગતો બહાર આવી છે.

રાજુ શેખવા સામેના અપ્રમાણસર મિલ્કતના કેસની પણ તપાસ હજુ શરૂ

એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવ્યુ હતુ કે રાજુ શેખવાની ઉપર દાખલ થયેલા એસીબીના અપ્રમાણસરની મિલ્કતના કેસમાં તપાસ હજુ ચાલુ છે અને તેમના આંતર રાજ્ય વહીવટોની પણ તપાસ ચાલી રહી છે.