અમરેલી જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ

  • ખેડુતોની ખમૈયા કરો મહારાજની પ્રાર્થના વચ્ચે અમરેલી શહેર-જિલ્લામાં ટુંકા વિરામ બાદ ફરી વરસાદ
  • ખોડીયાર ડેમના 2 દરવાજા એક એક ફુટ અને વડીયાના 3 દરવાજા ત્રણ ત્રણ ફુટ ખોલાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ શરૂ રહેતા હવે ખેતી પાકને નુકશાન થવાની ભીતી વચ્ચે ખેડુતોની ખમૈયા કરો મહારાજની પ્રાર્થના વચ્ચે પણ શહેર અને જિલ્લામાં ફરી વરસાદ શરૂ થતા ખેતી પાક ઉપર જોખમ ઉભુ થયેલ છે. અમરેલી શહેર અને જિલ્લામાં હળવા ભારે ઝાપટાઓ વચ્ચે દોઢ ઇંચ જેવો વરસાદ પડયો છે. અમરેલી શહેરમાં બપોર બાદ ધીમી ધારે અડધાથી પોણા ઇંચ જેવો વરસાદ પડી જતા માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયાના વાવડ મળી રહયા છે. લાઠી તાલુકાના અકાળામાં અડધો ઇંચ, અનીડામાં અડધાથી પોણો ઇંચ, જ્યારે બાબરા, ચલાલા, બગસરા, બાબાપુર, ગાવડકા, ખીજડીયામાં વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. જ્યારે ધારી શહેર અને પંથકમાં પણ વરસાદના હળવા ભારે ઝાપટાઓ શરૂ રહયા છે. લાઠી શહેરમાં અડધો ઇંચ જ્યારે દામનગરમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ પડયો હતો. ખાંભા તાલુકાના જુના નવા માલકનેશમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. જ્યારે ડેડાણમાં અમી છાંટણા થયા હતા. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. હાથીગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. સતત શરૂ રહેલા વરસાદના કારણે હવે કુવા બહાર આપો આપ પાણી વહી રહયા છે. ખેડુતો જણાવી રહયા છે કે હવે જો વરસાદ બંધ નહી થાય તો ખેતી પાકને વરસાદથી મોટુ નુકશાન થશે. કુંકાવાવ પંથકમાં અડધાથી એક ઇંચ અને ખાંભા પંથકમાં અડધો ઇંચ, લીલીયા શહેર અને પંથકમાં અડધાથી એક ઇંચ તેમજ વડીયા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો છે. ભીખુભાઇ વોરાના જણાવ્યા અનુસાર વડીયા વિસ્તારના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદના કારણે વડીયાના સુરવો ડેમમાં પાણીની આવક થતા ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફુટ ખોલવામાં આવ્યાનું જણાવેલ છે. અને વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવેલ છે. જ્યારે ખોડીયાર ડેમમાં પણ પાણીની આવક હોવાથી બે દરવાજા એક એક ફુટ ખોલવામાં આવેલ છે.