અમરેલી જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી બે ઇંચ વરસાદ

અમરેલી,અમરેલી શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન સખત ઉકળાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળો છવાયા હતાં. સાવરકુંડલા પંથકમાં મેઘો ઓળઘોળ બન્યો હોય તેમ આજે ફરી કડાકા ભડાકા સાથે બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં અત્યાર સુધીમાં 160 મીમી એટલે કે સવા છ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. તાલુકાનાં પીઠવડી, બાઢડા, વંડા, ગાધકડા, કાનાતળાવ, પીયાવા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા નાવલી નદીમાં નવા નીર વહેતા થયા  અને ખેડુતો પણ સારા વરસાદથી વાવણી કાર્યમાં જોડાયા હતાં. સારા વરસાદનાં કારણે લોકોએ ઉકળાટ અને ગરમીમાંથી રાહત અનુભવી હતી.  અમરેલી તાલુકાનાં લાપાળીયા ગામે  બપોરનાં 3:30 થી ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ વાવણી જોગો પડી જતા ખેડુતોમાં ખુશી વ્યાપી હતી. બગસરા શહેરમાં 45 મીનીટમાં સવા ઇંચ જેવો વરસાદ પડી જતા શહેરમાં પાણી વહેતા થયા હતાં. અને નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. બાબરા તાલુકાનાં દરેડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.  નવા ખીજડીયા, ગાવડકા, બાબાપુર, ભંડારીયામાં વરસાદ નથી પણ તરવડા, મેડી, નાના માંડવડા સરંભડામાં આજે એકાદ ઇંચ ઉપરાંતનો વરસાદ પડયો હતો. સુરજવડી નદી પર આવેલ ત્રિવેણી ડેમમાં ગાબડાના કારણે વહી જતા ખેતી અને પાણીની પણ સમસ્યા સર્જાશે હાલ ઓગન પરથી પાણી વહી રહયુ છે. તેમ હસુભાઇ રાવળે જણાવ્યું છે. મૌસમનો પ્રથમ સારો વરસાદ આકાશી વાદળો થી અંધારપટ છવાયા બાદ વીજળીના કડાકા સાથે અભરામપરા, કૃષ્ણગઢ માં એકાએક તૂટી પડેલા વરસાદથી નદીઓ વહેવા લાગી હતી અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં બપોરનાં 2 થી 4 માં બગસરા 3 મીમી, લીલીયા 7 મીમી, વડીયા 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 4 થી 6માં ધારી 33 મીમી, બગસરા 31 મીમી, બાબરા 7 મીમી, લીલીયા 4 મીમી, વડીયા 11 મીમી, સાવરકુંડલા 26 મીમી વરસાદ નોંધાયો હતો.