અમરેલી જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી અઢી ઇંચ વરસાદ

  • ડેડાણની અચુક નદી અને મુંજીયાસર નદીમાં સારા વરસાદથી પુર આવતા લોકો જોવા ઉમટી પડયાં

અમરેલી,
અમરેલી શહેર જિલ્લામાં આજે અચાનક વાતવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાયા હતા. વિજળીના કડાકા ભડાકા અને મેઘ ગર્જના સાથે અમરેલી શહેર અને જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા સમયસરના જરૂરીયાત પ્રમાણે વરસાદ પડતા ખેતીપાકને મોટો ફાયદો થશે. સારા વરસાદથી જગતનો તાત ખુશ ખુશાલ બન્યો છે.
અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ ચિતલ એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઇ પડયુ હતુ અને જશવંતગઢ, મોણપુર, રાંઢીયા, રીકડીયા, બળેલ પીપરીયા, વાવડી, ધરાઇ, ભીલા, ભીલડી સહિતના ગામોમાં પણ સારો વરસાદ પડયો હતો. અને બજારોમાં પાણી વહેતા થયા હતા. કુંકાવાવ શહેર અને પંથકમાં આજે બપોર બાદ વિજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે ધોધમાર બે થી અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતીપાક ઉપર કાચુ સોનું વરસ્યુ હતુ. અમરેલીનાં બાબાપુર, ગાવડકા સહિતનાં ગામોમાં આજે બપોર બાદ એકાએક ઘનઘોર વાદળો છવાયા હતાં અને સાંજનાં સમયે જોરદાર અર્ધો ઇંચ ઉપરાંતનો વરસાદ પડ્યો હતો. આજુબાજુનાં ગામોમાં પણ વરસાદ પડ્યાંનાં વાવડ મળ્યા છે. મોટા આંકડીયામાં બપોરના 4 વાગ્યે ધીમી ધારે એક ઇંચ વરસાદ પડયો હતો. ડેડાણમાં આજે બપોરના દોથી ત્રણ વાગ્યા સુધીમાં વિજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. જ્યારે આસપાસના રાયડી, પાટી, મુંજીયાસર, ત્રાકુડા, વાંગદ્રા, નીંગાળા, માલકનેશમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેતીપાકને મોટો ફાયદો થશે. સારા વરસાદને કારણે ડેડાણની અચુક નદીમાં પુર આવ્યુ હતુ. જ્યારે મુંજીયાસર નદીમાં પણ પુર આવતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા. લાઠીમાં પણ બપોર બાદ ધોધમાર એક ઇંચ જેવો વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. વડીયામાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં આજે બપોર બાદ એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. સારા વરસાદને કારણે ચારે તરફ પાણી જોવા મળ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ પડતા સુરવો નદીમાં પાણીનું વહેણ ચાલુ થયુ હતુ અને સુરવો ડેમ-2 માં પણ પાણીની આવક ચાલુ થતી જોવા મળી હતી. સમયસર વરસાદ પડતા ખેડુતોને મુરઝાતી મોલાતને પીયત રૂપી મોટો ડોઝ મળતા ખેડુતોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી છે. સારા વરસાદને કારણે બાળકો પણ શેરી ગલીઓમાં ન્હાવા નજરે પડયા હતા. કેરીયાનાગસમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ફતેપુર, ચાંદગઢ, ખીજડીયા, ગાવડકા, અમરેલી, બગસરા, ધારીમાં વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. લાઠીના અકાળામાં પણ વરસાદનું જોરદાર ઝાપટુ પડયુ હતુ. જ્યારે લીલીયામાં અમી છાંટણા થયા હતા. ધારી તાલુકાના ખીચા, દેવળા, વીરપુર, સરસીયા, દુધાળા, ફાચરીયા, ચાંચઇ, પાણીયા, દલખાણીયામાં તેમજ ચલાલા શહેરમાં હળવા ભારે વરસાદના ઝાપટાઓ પડયા હતા. અમરેલી જિલ્લામાં ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેેલા વરસાદના આંકડાઓમાં અમરેલી 9 મી.મી, ખાંભા 20 મી.મી, જાફરાબાદ 14 મી.મી, ધારી 3 મી.મી, બગસરા 6 મી.મી, બાબરા 20 મી.મી, રાજુલા 23 મી.મી, લાઠી 25 મી.મી, વડીયા 31 મી.મી વરસાદ નોંધાયો હતો.