અમરેલી જિલ્લામાં 24 કલાકમાં વધુ 4 પોઝિટિવ દર્દીના મોત

  • શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 29 પોઝિટિવ કેસ આવ્યા : 5 અમરેલી શહેરનાં, બગસરાનાં 6, બાબરામાં 5 કેસ
  • કોરોના પોઝિટિવ નવા આગરીયા, અભરામપરા, સાવરકુંડલા, ઢસાનાં દર્દીનાં મૃત્યું અમરેલીમાં છેલ્લા બે સપ્તાહમાં કોવિડની ગાઇડલાઇન પ્રમાણે 16 દર્દીનાં અંતિમ સંસ્કાર
  • સમયસર નિદાન થાય તો કોરોનાથી બચી શકાય છે કલેકટરશ્રી દ્વારા થઇ રહેલા રેપીડ ટેસ્ટનો લોકો વધુ લાભ લે તે જરૂરી : શુક્રવારે અમરેલીમાં વધુ 17 શંકાસ્પદ દર્દી દાખલ 

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે સતાવાર રીતે આજ સુધીમાં 21 મૃત્યુ નોંધાયા છે અને ઘણા મૃત્યુના કિસ્સા મૃત્યુ કોવિડથી છે કે કોઇ બીજી બિમારીથી તે નક્કી કરવા માટે ભાવનગરની કમીટીમાં પેન્ડીંગ પડયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં વધુ 4 પોઝિટિવ દર્દીના મોત નીપજ્યા છે.
તા. 7 ઓગસ્ટથી તા. 21 સુધીમાં અમરેલીના એક જ સ્મશાનમાં કોરોનાની કીટ સાથે 16 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તા. 7 મી 2, 9મી ના 1, 11,13 અને 14 ના એક એક, 15મી એ 3, કાલે 20મી એ 1 અને આજે 21મી એ 3 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા છે 14 દિવસમાં આ 16 મૃત્યુમાંથી સતાવાર રીતે માત્ર બે જ મૃત્યુ કોવિડથી થયાનું જણાવાયુ છે પણ બાકીના મૃત્યુ પામેલા કોવિડના દર્દીઓ હતા અને તેમાં કોઇને બીજી બિમારીઓ હોય તે અલગ બાબત છે.
ગઇ કાલે તા.20 ના ઢસા ગામના 70 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયુ હતુ જેને તા.9 મી ના રાધીકા હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યારે આજે બપોર સુધીમાં બીજા ત્રણ મૃત્યુ થયા હતા આ ત્રણ મૃત્યુમાં સાવરકુંડલાના અભરામપરાના 70 વર્ષના પટેલ વૃધ્ધ, સાવરકુંડલા આઝાદ ચોકમાં 49 વર્ષના લોહાણા પ્રૌઢ અને મુળ નવા આગરીયાના અને હાલ ધારી જોષીબાગ ખાતે રહેતા 67 વર્ષના વૃધ્ધ કોરોના પોઝિટિવ હતા તેમનો સમાવેશ થાય છે.
બે સપ્તાહમાં મૃત્યુ પામનારા હતભાગીઓમાં તા.7 મી એ 87 અને 61 વર્ષના વૃધ્ધ, 9 મી એ 85 વર્ષના વૃધ્ધ, 11 મી એ રાજુલાના 85 વર્ષના વૃધ્ધ, 13મી એ 87 વર્ષના વૃધ્ધ, 14 મી એ 65 વર્ષના વૃધ્ધા, 15મી એ અમરેલીના ગુજકો પાસે રહેતા મહિલા (આ મૃત્યુ સતાવાર છે) અમરેલીના ગંગાનગરના 54 વર્ષના પ્રૌઢ, બાબરાના લુણકી ગામના 50 વર્ષના પ્રૌઢનો સમાવેશ થાય છે.
મૃત્યુ પામનાર મોટાભાગના મોટી ઉમરના છે અને સારવારમાં વિલંબથી આવવાને કારણે તેમનું મૃત્યુ થાય છે જો સમયસર નિદાન થાય તો કોરોનાથી બચી શકાય છે અને હવે તો અમરેલીમાં જાહેર સ્થળે રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહયો છે લોકો ડર રાખ્યા વગર કલેકટરશ્રી દ્વારા થઇ રહેલા રેપીડ ટેસ્ટનો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે તો જ કોરોના સામેના મૃત્યુદરને ઓછો કરી શકાશે.
આજે શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 29 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં 5 અમરેલી શહેરનાં, બગસરાનાં 6, બાબરામાં 5 કેસ છે જેમાં અમરેલી શહેરમાં તપોવન મંદિર પાસે 32 વર્ષની યુવતી, હનુમાનપરામાં 70 વર્ષના વૃધ્ધ, બહારપરામાં 43 વર્ષના પુરૂષ, માણેકપરામાં 11 વર્ષની બાળકી, સુખનાથપરામાં 50 વર્ષના પ્રૌઢ, બગસરામાં 6 યુવાન, બાબરામાં એક 62 વર્ષના અને 50 વર્ષના પ્રૌઢ ઉપરાંત 3 યુવાનોને રાજુલામાં 27 વર્ષના યુવાનને, ક્રાંકચમાં 29 વર્ષના યુવાનને, બાબરાના ચરખામાં 50 વર્ષના મહિલા, ધારીના ડાંગાવદરમાં 39 વર્ષનો પુરૂષ, કુંકાવાવના અનીડામાં 60 વર્ષના વૃધ્ધા, વડીયામાં 44 અને 60 વર્ષના પુરૂષ, ધારીના કુબડામાં 44 વર્ષના મહિલા, અભરામપરામાં 65 વર્ષના વૃધ્ધ, રાજુલાના વીકટરમાં 38 વર્ષની મહિલા, રાજુલામાં 32 વર્ષનો યુવાન અને 40 વર્ષની મહિલા અને સાવરકુંડલામાં 45 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત અમરેલીમાં વધુ 17 શંકાસ્પદ દર્દી દાખલ કરાયા છે જેમાં અમરેલી, પાણીયાદેવ, ધારી, હનુમાનપરા, ગાવડકા, ગોવિંદપુર, બાબરા, દોલતી, જેશીંગપરા, શિવમ હિલ્સ, ગીરીરાજ નગર, વડીયા, રોકડીયાપરા, કોવાયા, ટોડા અને રાજુલાના શંકાસ્પદ દર્દીઓનો સમાવેશ થાય છે.