અમરેલી જિલ્લામાં 3 ની તિવ્રતાનો ભુકંપ : એપી સેન્ટર ખાંભા

અમરેલી,
અમરેલી જિલ્લામાં ભૂગર્ભમાં ભેદી હિલચાલો શરુ હોય અથવા તો કોઈ પ્લેટ સક્રિય થઈ હોય તેમ બે જ દિવસમાં સતત ત્રીજી વખત ભૂકંપનો આંચકો નોંધાયો છે. બુધવારે બપોરે 3.0 ની તીવ્રતા સાથે ફરીથી ધરા ધ્રુજી હતી.અમરેલીથી 41 કિમિ દૂર ખાંભા તાલુકાના ભાડ અને વાંકિયા, જીકયાળી, નાનુડી ગામ નજીક બુધવારે બપોરે બે વાગ્યાને 59 મિનિટ બે સેકન્ડે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેના કારણે લોકોમાં ગભરાહટની લાગણી ફેલાઈ હતી. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં કોઈપણ પ્રકારની નુકસાની કે જાનહાનિ થવા પામી નથી. મોટા ભાગના લોકોને ભૂકંપના આંચકાથી કોઈ અસર થવા પામી નથી. ભાડ, વાંકિયા , જીકયાળી, નાનુડી અને આસપાસના ગામમાં લોકો આંચકાના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા.અમરેલી જિલ્લામાં ખાસ કરીને ખાંભા તાલુકામાં અમરેલીથી 42કિમિના અંતરે તા.7 ને સોમવારના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં ઉપરા ઉપરી ભૂકંપના બે આંચકાઓ નોંધાયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી ફરીથી બે દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રુજી છે.