અમરેલી જીલ્લામાં કાઠીયાવાડનું અસલી ખમીર બતાવતા ક્ષત્રીય સમાજના ડો. દેવકુભાઇ વાળા

ગોપાલગ્રામ, અમરેલી જીલ્લામાં સેવા તપ અને સુમીરનનો ત્રિવેણી સંગમ સર્જી દઇ માનવતાના મહાયજ્ઞમાં સેવાભાવીઓએ પાછી પાની કરી નથી. સતત સેવાને જીવન મંત્ર બનાવી લોકોને મદદરૂપ બનવામાં તબીબો પણ અગ્રેસર રહયા છે. આવો જ એક પ્રેરણાદાયક પ્રભાવ નજર સમક્ષ આવ્યો છે. મુળ દેવળા ગામના વતની અને સમગ્ર ચલાલા પંથકમાં સેવાયજ્ઞ ચલાવતા ડો. દેવકુભાઇ વાળાએ નાની ઉમરે વિવેકનો સાગર છલકાવી લોકોમાં પ્રેરણા સ્ત્રોત બન્યા છે. એટલુ જ નહી, સેવા માટે સતત ખડેપગે રહેતા ડો. વાળાએ આ પંથકના લોકોના હદયમાં સ્થાન મેળવ્યુ છે. તેમને ત્યાં આવતા દર્દીઓમાં ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે દવા સહિતની સેવાઓ આપે છે. અને સાવ નજીવા પરવડે તેવા દરથી લોકોના આરોગ્યની સતત ખેવના કરી છે. તેવા ડો. વાળાની તબીબી સેવા ઉપરાંત વિનામુલ્યે તબીબી સલાહ સાથે સાથે ચલાલા પંથકમાં 200 જેટલા લોકોને લોકડાઉનની સ્થિતિમાં પ્રેમથી જમાડી અને જઠરાગ્ની શાંત કરે છે અને લોકો પણ ધરાયાના ઓડકાર સાથે ડો. વાળાને આશીર્વાદ આપે છે. ડો. દેવકુભાઇ વાળાની આ પંથકમાં સેવાની અનેક ગાથાઓ સાંભળવા મળે છે. જેમ કે તાજેતરમાં લોકડાઉન દરમિયાન ગોપાલગ્રામના રહીશ આર્થિક ગરીબ વ્યક્તિને હાર્ટની તકલીફ થતા ડો. વાળાએ આગેવાનોને સાથે રાખી રૂા. 8000 જેવી મદદ કરી હતી. વધ્ાુ જરૂર પડયે મદદ કરવા ખાતરી આપી હતી અને તેના પરિવારને આશ્ર્વાસન આપ્યુ હતુ. બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્થા (બીએપીએસ) માં પણ ડો. દેવકુભાઇ વાળાની અનેરી સેવાઓ છે. લોકોની સેવા માટે પાંચ વ્યક્તિની કમીટી બનાવી લોકોને મદદરૂપ બનવા પુરતા પ્રયત્ન કરવામાં આવે છે. તે પણ ડો. વાળાની આગવી સિધ્ધી છે. બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ચલાલા દ્વારા આ કોરોના રૂપી મહામારીમાં 250 લોકોને ગરમા ગરમ ભોજન લોકોના ઘરે જઇને વિતરણ કરવામાં આવે છે. મંદિર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઇઝર સાથે રાખીને લોકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે. પુ. દિનબંધુદાસ સ્વામી, કોઠારીશ્રી ધારી મંદિરના માર્ગદર્શન હેઠળ કાર્યકરો દ્વારા આ સેવાયજ્ઞ 20 દિવસથી ચલાવવામાં આવે છે. ડો. દેવકુભાઇ વાળા, ભાર્ગવભાઇ કાકડીયા, ભયલુભાઇ વાળા, સંજયભાઇ, દેવાંગભાઇ, હિતેષભાઇ, અમરૂભાઇ માંજરીયા, મહેશભાઇ, કુમારભાઇ અને મિત્રોની સેવા પણ મળતી રહે છે. પરંતુ તમામ કાર્યકરોને પ્રોત્સાહન મદદ સાથે આર્થિક જરૂરીયાત ઉભી થાય ત્યારે ડો. દેવકુભાઇ વાળા જ હંમેશા અગ્રેસર રહે છે. પરદુખ ભંજક સેવા ભાવી અને આરોગ્ય ક્ષેત્રે લોકોની સતત ખેવના કરનાર ડો. દેવકુભાઇ વાળાએ લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે જરૂરી સુચનો કરવા જાહેર પત્રિકાઓ બહાર પાડીને લોક જાગૃતી માટે મહત્વની ભુમિકા નિભાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લોકડાઉનના પગલાને બિરદાવી અમરેલીના કલેકટર શ્રી આયુષ ઓક તથા જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી છે. સેવા એજ ધર્મને જીવન મંત્ર બનાવી સેવા આપનાર ડો. દેવકુભાઇ વાળાને અભિનંદન આપીએ તેટલા ઓછા છે ત્યારે આજની સલામ ડો. દેવકુભાઇ વાળાને…!