અમરેલી જીલ્લામાં ખેતીના પાકમાં ભારે નુકશાન થતા ખેડૂતોએ સર્વે પર ઉઠાવ્યા સવાલો

અમરેલી જીલ્લામાં વરસાદ ખેડૂતોની પાછળ હાથ ધોઇને પડ્યો છે. ખેડૂતોના કપાસ, મગ, તલ સાહિતના પાકોને મોટું નુકશાન પહોંચ્યું છે. જેમાં સરકાર સર્વે કરાવી રહી છે જો કે ખેડુતો માટે આ સર્વ નકામો હોવાની વાત બગસરાના નવી હળીયાદ ગામના ખેડૂતો કરીને વિવિધ આક્ષેપો કરી રહૃાા છે. બગસરા તાલુકાના નવી હળીયાદ ગામમાં અતિશય વરસાદે ખેડૂતોના ઉભા પાકને મોટું નુક્શાન પહોંચાડ્યું છે. ખેડૂતોને મગફળી, તલ અને કપાસ સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે. હળીયાદ સહિત આસપાસના ગામોના ખેડૂતોના કેટલાક ખેતરોમાં હજુ પણ પાણી સુકાયા નથી. કપાસનો ઉભો પાક બરબાદ થઈ રહૃાો છે.

તો બીજી તરફ મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું છે. વરસાદને કારણે નુકશાન પામેલી મગફળીથી ખેડૂતોને થોડી આશા હતી જેથી ખેડૂતોએ મગફળી કાઢીને પાથરાઓ બનાવ્યા. જો કે તેના પર પણ વરસાદ ખાબકતા આ પાથરાઓ પણ પલળી ગયા. જેથી ચિંતામાં સરી પડેલા ખેડૂતો તાત્કાલિક સહાયની માંગ કરી રહૃાા છે. સરકારે સર્વે શરૂ કર્યો છે. જો કે આ સર્વેને લઈને હવે ખેડૂતો સવાલો ઉઠાવી રહૃાા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી, કપાસ સહિતના પાકોને નુકશાન છે. પરંતુ ખેતીવાડી વિભાગના અધિકારીઓ માત્ર કાળા ખેતરો હોય તેવા ખેતરો જ જોઇ રહૃાા છે. હકીકતમાં લીલા છોડમાં પણ ઉપજ થાય તેવી સ્થિતી નથી.

આ સ્થિતીમાં આખા ગામની ૪૦૦૦ વિઘા જેટલી જમીનમાંથી માત્ર ૫ ખેડૂતોને જ આ સહાયનો લાભ મળી શકશે બાકી કોઈ પણ ખેડૂતોને આ સહાય મળવાને પાત્ર રહેશે નહીં તેવી રીતે સર્વે કરાઇ રહૃાો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહૃાા છે.ખેડૂતોની માંગ છે કે આ વર્ષે અતિવૃષ્ટી જેવી સ્થિતી છે. પાક સડી ચુક્યો છે. ભાવ પણ સારા આવે તેવી સ્થિતી નથી. ત્યારે ખેડૂતોની હાલત દયનિય બની છે ત્યારે ખાતર, બિયારણના ભાવ પણ આસમાને છે જેથી આગામી સિઝન કઈ રીતે લેવી તેને લઈને પણ ખેડૂતો ચિંતિત છે. જેથી સરકાર ખેડૂતોને તાત્કાલીક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહૃાા છે. ત્યારે ખેડૂતોને કેટલી ઝડપથી અને કેટલા પ્રમાણમાં સહાય ચૂકવાશે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે.