અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં લાંબા મેઘ વિરામ બાદ હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી હવામાન માં પલ્ટો આવતા શહેર અને જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સહિત હળવા ભારે વરસાદ પડતા જગતના તાતમાં ખુશી વ્યાપી છે. અમરેલી જીલ્લામાં વરસાદ ખેચાતા ખેતી પાકો અને પાણીની જરૂરીયાત હોવાથી જગતનો તાત પાક બચાવવા માટે પાણી પાવવાની મહેનતમાં લાગી ગયા હતા. અને વરસાદની મોલાતને જરૂરીયાત હતી. તેવા સમયે જ કુદરતે રંગ રાખ્યો છે. અમરેલી શહેર અને જીલ્લામાં આજે સવારથી બપોર સુધીમાં હળવા ભાર ઝાપટાથી લઇને ચાર થી પાંચ ઇચ જેવો ધોધમાર વરસાદ પડી જતા નદી નહેરામાં પાણી વહેતા થયા હતા અને ખેતીપાકનું ચિત્ર બદલાયું હતું.
લાઠી તાલુકાનાં અકાળામાં આજે અડધો ઇંચ જેવો વરસાદ પડ્યાનું રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે. બાબરા શહેરમાં સવા ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો જ્ત્રારે બાબરા તાલુકાનાં કેટલાક ગામોમાં પણ વરસાદ પડ્યાનાં વાવડ મળી રહ્યાંનું દિપકભાઇ કનૈયાની યાદીમાં જણાવાયું છે. અમરેલી તાલુકાનાં બાબાપુર, મેડી, તરવડા, સરંભડા, નવા ખીજડીયા, ભંડારીયા, ગાવડકા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર ચારથી પાંચ જેવો વરસાદ પડ્યાની હસુભાઇ રાવળની યાદીમાં જણાવાયું છે દામનગરમાં આજે ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડ્યાનું વિનુભાઇ જયપાલની યાદીમાં જણાવાયું છે. જ્યારે ચલાલા શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવાયું છે. ધારી શહેરમાં પોણા બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં. ધારી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ હોવાનું ઉદયભાઇ ચોલેરાની યાદીમાં જણાવાયું છે. ધારી તાલુકાનાં દલખાણીયા તેમજ ગીર કાંઠાનાં સુખપુર, ક્રાંગસા, મીઠાપુર, કોટડા, પાણીયા, આંબાગાળા, સોઢાપરા, સમુહ ખેતી બોરડી, ગીગાસણ, તેમજ ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડવાથી નહેરાઓ વહેતા થયા પહતા અને શેત્રુ નદીમાં પુર આવ્યાં નું યોગેશ સોલંકીની યાદીમાં જણાવાયું છે. લીલીયા તાલુકાનાં હાથીગઢ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્ત્તારોમાં આજે બપોરનાં પોણો ઇંચ વરસાદ પડી જતા મૌલાતને ફાયદો થશે તેમ શ્રીકાંતદાદા દવેઅ જણાવાયું છે. ખાંભા તાલુકાનાં મોટા સમઢીયાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું ઘનશ્યામભાઇ વરડાંગરે જણાવેલ. કુંકાવાવ શહેરમાં ધીમીધારે બે ઇંચ જેવો વરસાદ પડી જતા પાણી વહેતા થયા હતાં. તેમ કીર્તીભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે. બગસરા શહેર તેમજ ગ્રામ વિસ્તારોમાં વહેલી સવારથી મેઘસવારીનું આગમણ થતા બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ થતા બગસરાની સાતલડી નદીમાં પુર આવતા બંને કાઠી વહેતી થઇ હતી. ભારે વરસાદનાં કારણે બગસરાનાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં.બગસરા તાલુકાનાં લુંઘીયા ગામમાં સવારનાં ત્રણ કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સારા વરસાદનાં કારણે મૌલાતને જીવતદાન મળતા જગતના તાતે હાસકારો અનુભવ્યો હતો તેમ લુંઘીયાનાં સરપંચ કીશોરભાઇ કાનપરીયાએ જણાવાયું છે. લીલીયા શહેર તથા તાલુકામાં બપોર બાદ અડધાથી પોણો ઇંચ વરસાદ પડી જતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને વરસાદ પડતા ખેડુતોમાં વધ્ાુ વરસાદ પડવાથી આશા જન્મી છે. તેમ મહેશ દવેની યાદીમાં જણાવાયું છે. અમરેલી શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવતા હળવા ભારે વરસાદ શરૂ થયો હતો અને દિવસ દરમિયાન ધીમીધારે દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા શહેરનાં માર્ગો ઉપર પાણી વહેતા થયા હતાં. ખાંભા શહેરમાં હળવા ભારે ઝાપટાઓ પડ્યા હતાં જ્યારે જાફરાબાદમાં પણ હળવા ભારે વરસાદનાં જાપટાઓ પડ્યા હતાં. રાજુલા અને લાઠીમાં અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે વડીયામાં દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.જાફરાબાદનાં ટીંબીમાં છેલ્લા ચાર દિવસથી બફારા બાદ આજે વરસાદ પડતા ખેડુતોનાં મોંઘા ભાવનાં બિયારણ, દવા. ખાતરનો બચાવ થયો છે અને ખેડુતોમાં ખુશી વ્યાપી ગઇ છે. હાલ કપાસમાં ફુલ ઝીંડવાનો ફાલ સારો હોય તે વરસાદ થતા ખરી પડશે. પણ વરસાદથી બીજા પાકને અને બીનકપાસને મોટો ફાયદો થશે. કાઠા વિસ્તારમાં મૌલાતને પાણીની ખુબ જ જરૂરિયાત રહે છે. તે પુરી થતા ખુશી વ્યાપી છે તેમ હિંમતદાદાએ જણાવ્યું છે. વડીયામાં અને ઢુંઢીયાપીપળીયા ગામે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ હેત વર્ષાવ્યું હતું. સાંજનાં 5:30 વાગ્યા સુધીમાં 41 મીમી એટલે કે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો અને ખેડુતોમાં ખુશી વ્યાપી ગઇ હતી. બગસરામાં છેલ્લા દોઢ માસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ ફરી આજે વહેલી સવારે રાત સુધીનો વરસાદ વરસતા ખેડૂતોના ખુશી નો માહોલ છવાયો છે બગસરા ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તેમજ મુંજિયા સર ડેમ ઓવરફ્લો થયો હતો સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી તેમજ સાતલડી નદી બે કાંઠે વહી હતી તેમ સમીર વિરાણીએ જણાવ્યું હતું.અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદનાં આંકડાઓમાં અમરેલી 36 મીમી, ખાંભા 9 મીમી, જાફરાબાદ 8 મીમી, ધારી 40 મીમી, બગસરા 101 મીમી, બાબરા 32 મીમી, રાજુલા 17 મીમી, લાઠી 14 મીમી, લીલીયા 5 મીમી, વડીયા 33 મીમી, જ્યારે સાવરકુંડલા 5 મીમી વરસાદ નોંધાયો .