- અમરેલીની જિલ્લા જેલમાં શ્રી નિર્લિપ્ત રાયએ પકડેલા એસટીડી પીસીઓમાં વધુ એક ધડાકો
- જેલના સ્ટાફને પૈસા વસુલવા માટે જેલર જ આદેશ કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતા આરોપીના લીસ્ટમાં જેલર એચ એ બાબરીયાનું નામ ચડી ગયું
- જામનગર બદલી પામેલા જેલર એચ.એ. બાબરીયાએ અમરેલીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી : કોર્ટે જામીન અરજી રદ કરી
અમરેલી,
અમરેલીની જિલ્લા જેલમાં ઝડપાયેલા મોબાઇલ કાંડમાં તપાસનો રેલો જેલના જેલર સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે અને આરોપીઓના લીસ્ટમાં જેલરનું નામ પણ ખુલવા પામતા જેલરે આગોતરા જામીન અરજી કરતા કોર્ટે તે જામીન અરજી રદ કરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલીની જિલ્લા જેલમાંથી કેદીઓ પાસેથી પૈસા વસુલી મોબાઇલમાં વાત કરવાની સુવિધા કરવાનું કૌભાંડ એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમે પકડી પાડયુ હતુ અને જેલમાં રહેલા કેદીઓ ઉપરાંત રાજકોટના એક ડોકટર અને જેલના બે કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી.
એસપીશ્રી નિર્લિપ્ત રાયએ બનાવેલી ટીમના મુખ્ય અધિકારી શ્રી કરમટાની ટીમે આ બનાવ અંગેની જીણવટભરી તપાસ શરૂ કરી અને તેના મુળ સુધીના તમામ તાણાવાણા ઉકેલી નાખ્યા હતા આ બનાવમાં આરોપી તરીકે પકડાયેલા જેલના બે કર્મચારી ઉપરાંત હવે જામનગર ખાતે બદલી થયેલા તત્કાલીન જેલર એચ.એ. બાબરીયા પણ કેદીઓને ફોનમાં વાત કરવા દેવા માટે ના નાણા લેવામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ હતુ.
પોલીસની તપાસનો રેલો આવતા જેલર દ્વારા અમરેલીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને જિલ્લા સરકારી વકીલ શ્રી જયેન્દ્રભાઇ રાજ્યગુરૂની ધારદાર દલીલો બાદ કોર્ટે જેલરની આગોતરા જામીન અરજી રદ કરી હતી જેથી હવે તેમની ધરપકડ પણ નિશ્ર્ચિત મનાઇ રહી છે .