અમરેલી પાલિકાની 44 બેઠકો માટે 200 દાવેદારો ઉમટ્યાં

  • અમરેલી પાલિકા માટે પુર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભુવા, શ્રી યોગેશભાઇ બારૈયા, શ્રીમતી રંજનબેન ડાભી દ્વારા સેન્સની પ્રક્રિયા યોજવામાં આવી 
  • 2015માં ભાજપને ચુંટણી લડવા માટે સક્ષમ ઉમેદવારો મળતા ન હતા હવે ભાજપની ટીકીટ લઇ નગરસેવક બનવા પડાપડી : ટીકીટોનો નિર્ણય પ્રદેશ ભાજપ લેશે

અમરેલી
2015માં અમરેલી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળતા નહોતા ત્યારે હવે અમરેલી નગરપાલિકામાં ભાજપમાંથી નગરસેવક બનવા માટે દાવેદારોની કતાર લાગી છે.
અમરેલી નગરપાલિકામાં કુલ 11 વોર્ડમાં 44 નગરસેવકના ઉમેદવારોને ટિકિટની ફાળવણી માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં અમરેલી શહેરમાંથી ર00 જેટલા દાવેદારો ઉમટી પડ્યા હતા. નીરિક્ષક તરીકે મનસુખભાઈ ભુવા, યોગેશભાઈ બારૈયા અને રંજનબેન ડાભી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા યોજવામાં આવી હતી. તમામ દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા અને ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. આ અગાઉ ર01પમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપના વિરોધનો માહોલ હોવાથી ભાજપ માટે દાવેદારો શોધવા પડે તેવી સ્થિતિ હતી જ્યારે આ વખતે દાવેદારોનો રાફડો ફાટ્યો છે.
આ અંગેની વધુ વિગતો આપતા અમરેલી શહેર ભાજપના પ્રમુખ તુષારભાઈ જોષીએ જણાવ્યું કે, તમામ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને કોને ટિકિટ આપવી તેનો નિર્ણય પ્રદેશમાંથી લેવાશે. નગરપાલિકા બાદ તાલુકા તથા જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયા યોજાશે અને ત્યાર બાદ ટિકિટ ફાળવેલા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.