અમરેલી પાલિકાનું 68.98 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજુર

  • નગરપાલીકાના પ્રમુખ શ્રી મનીષાબેન રામાણીના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભામાં

અમરેલી,
અમરેલી નગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સામાન્યસભા મળી હતી જેમાં 68.98 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરાતા મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત અ વર્ગની પાલિકા મુજબ નવું મહેકમ, ઓજી વિસ્તારમાં નળથી પાણી, વેરામાં ઘટાડો કરવો સહિતના મહત્વના નિર્ણયો લેવાયા છે.
અમરેલી પાલિકાના નવા વરાયેલા પ્રમુખ મનીષાબેન રામાણીના અધ્યક્ષ પદે બેઠક યોજાઈ હતી જેમાં 68 કરોડ 98 લાખ 57000નું બજેટ મંજૂર કરાયું છે. આ બજેટમાં આવક સામે 68 કરોડ 93 લાખ પ હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. પાલિકાની બંધ સિલક 15.75 કરોડ રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત કારોબારી સમિતિની રચના કરાઈ છે જેના ચરેમને તરીકે સુરેશભાઈ શેખવા અને ટાઉન પ્લાિંગ સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશભાઈ કુરુંદલેની વરણી કરાઈ છે. શિક્ષણ સમિતિ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.
પ્રથમ સભામાં જ કુલ બાવન એજન્ડાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને નિર્ણયો લેવાયા હતા જેમાં અમરેલી અ વર્ગની પાલિકા છે અને હાલનું મહેકમ બ વર્ગ મુજબનું છે જેથી અ વર્ગ મુજબનું મહેકમ મંજૂર કરવું અને ખાલી જગ્યાઓ પર ભરતી કરવી તથા ભરતીના નિર્ણયોની પણ ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે આવશ્યક તમામ કાર્યવાહી કરવા અને ઓજી વિસ્તારમાં હજુ પણ લોકોને પીવાનું પાણી મળતું ન હોવાથી ત્યાં પાણી પહોચાડવા જરુરી તમામ ખર્ચને મંજૂરી આપીને ઘર ઘર સુધી નળથી પાણી પહોચાડવાનો નિર્ણય કરાયો છે. સ્ટ્રીટલાઈટ સહિતના કામોને પણ મંજૂરી અપાઈ હતી.
ખાસ તો અમરેલી પાલિકામાં અગાઉના શાસકો દ્વારા વેરામાં કરવામાં આવેલા બેફામ વધારામાં ઘટાડો કરવામાં આવે તે માટે રિવાઈડ્ઝ દરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. અમરેલીમાં જુદી જુદી જગ્યાઓએ પંડિત દિનદયાળ ક્લીનીક શરુ કરાશે. શહેરના જાહેર પ્લોટનો વિકાસ કરવા અને મનોરંજનના સાધનો વિકસાવવા સહિતના નિર્ણયો લેવાયા હતા.

બજેટમાં ક્યા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ?
ક્ષેત્ર રકમ
સામાન્ય વહીવટ 4.54 કરોડ
જાહેર સલામતી 93.50 લાખ
સ્ટ્રીટલાઈટ 1.53 કરોડ
પાણી પૂરવઠા 10.90 કરોડ
ગટર ડ્રેનેજ 1.13 કરોડ
જાહેર આરોગ્ય 5.69 કરોડ
કમ્પોસ્ટ ડેવલપમેન્ટ 1.50 રોડ
જાહેર બગીચા 55.25 લાખ
જાહેર બાંધકામ 21.34 કરોડ
જાહેર શિક્ષણ 53.90 લાખ