અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરમાં પીજીવીસીએલની સાત ટીમો ત્રાટકી : 12 સ્થળોએ વિજચોરી પકડી

  • અચાનક આવેલા ચેકીંગના તેડાથી વિજ તંત્ર પણ સમી સાંજે દોડયું
  • વિજ ચોરી કરનાર કર્મચારીઓને નોટીસો ફટકારતા અમરેલીનાં એસપી : હવે ક્યાંય પોલીસ કર્મચારી વિજચોરી કરતા પકડાશે તો સસ્પેન્ડ કરાશે : જિલ્લાભરમાં તાકિદ કરી દેવામાં આવી

અમરેલી,
ગઇ કાલે સાંજના અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરમાં પીજીવીસીએલની સાત ટીમો ત્રાટકી હતી અને 12 જગ્યાએથી વિજચોરી પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે અને સૌથી વધ્ાુ ખળભળાટ એ વાતે મચાવ્યો છે કે પીજીવીસીએલને ચેકીંગ કરવા માટે ખુદ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ બોલાવેલ.અમરેલી પોલીસ હેડ ક્વાર્ટમાં વિજ ચોરી કરનાર કર્મચારીઓને એસપીશ્રી દ્વારા નોટીસો ફટકારાઇ છે અને જિલ્લામાં બીજી પોલીસ લાઇનોમાં પણ હવે ક્યાંય પોલીસ કર્મચારી વિજચોરી કરતા પકડાશે તો સસ્પેન્ડ કરાશે તેવી જિલ્લાભરમાં તાકિદ કરી દેવાઇ હોવાનું જાણવા મળેલ છે.

ચોરને પકડતા શ્રી નિર્લિપ્ત રાયએ પાવર ચોરી કેવી રીતે પકડી ?

ખુંખાર અપરાધીઓને ગમે તેમ કરી શોધી કાઢતા શ્રી નિર્લિપ્ત રાયએ તેમના જ પોલીસ હેડ ક્વાર્ટરમાં થતી પાવર ચોરી કેવી રીતે પકડી તેનું પણ એક કારણ બહાર આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર પોલીસ હેડ ક્વાર્ટરમાં એક જગ્યાના શોર્ટ સર્કીટને કારણે મોટાભાગના બલ્બ બળી ગયા હતા અને તે બલ્બના બીલ શ્રી નિર્લિપ્ત રાય સમક્ષ આવતા આટલી મોટી સંખ્યામાં એક સાથે બલ્બ કેવી રીતે બળી જાય તેની તપાસ કરતા તેમને જાણવા મળ્યુ હતુ કે શોર્ટ સર્કીટ થવાના કારણે આ નુકશાની થઇ છે અને શોર્ટ સર્કીટ કોઇ ગેરરીતી હોય તો જ થાય આથી તેમણે એ બીલ રદ કરી અને તપાસ કરી હતી જેમાં ખબર પડી હતી કે ઘણા ઠેકાણે કોઇને કોઇ રીતે પાવર ચોરી થઇ રહી હતી આથી તેમણે સમી સાંજે પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી અને હેડ ક્વાર્ટરમાં ચેકીંગ કરવા જણાવતા અચાનક ત્રાટકેલી ટીમોથી ફફડાટ ફેલાયો હતો અને ઘણી જગ્યાએ વાયરો છુટા મળી આવ્યા હતા જેમાંથી 12 જગ્યાએ સ્પષ્ટ ગેરરીતી મળી આવેલ આમ સામાન્ય એવા શોર્ટ સર્કીટથી રાજ્યભરમાં પડઘા પાડતુ ચેકીંગ અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરમાં થયુ હતુ.