અમરેલી વિસ્તારમાં ખેડુતોને વળતર ચુકવવા પુન: માંગ કરતા શ્રી કાછડીયા

  • સતત પડી રહેલ વરસાદથી ખેતીપાકોને નુકશાન થતાં
  • એસબીઆરએફ યોજના અંતર્ગત સર્વે થઇ રહયો છે ત્યારે ફરીથી રજુઆત કરતા શ્રી નારણભાઇ કાછડીયા

અમરેલી,
અમરેલી સંસદીય વિસ્તારમાં સતત પડી રહેલ વરસાદ થી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવવા અને વળતર માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પુન: સરકારશ્રીમાં રજુઆત કરેલ છે. આગાઉ સાંસદશ્રીએ તા. 24 ઓગસ્ટ, 2020નાં રોજ સરકારશ્રીમાં રજૂઆત કરેલ અને હાલમાં જીઘઇખ યોજના અંતગર્ત સર્વે પણ ચાલુ છે. સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ ચોમાસાની સીઝનની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડેલ અને જેના લીધે ખેડૂતો તરફથી સમયસર વાવણી પણ થયેલ. પરંતુ છેલ્લા કેટલાક સમય થી પડી રહેલ અતિ વરસાદના લીધે તલ, કઠોળ અને બાજરી જેવા પાકોને 100 ટકા નુકશાન થયેલ છે એટલે કે, આ પાકો સદંતર નિષ્ફળ ગયેલ છે અને હવે કપાસ, મગફળી જેવા પાકોમાં પણ પુષ્કળ નુકશાન થઇ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર તરફથી ખેડૂત હિતલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને મરજિયાત પ્રીમિયમ વગેરે યોજનાઓ થકી ખેડૂતોને સહાય/રાહત મળી રહી છે. ઉપરાંત આગામી 21 ઓક્ટબર થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પણ પ્રક્રિયા શરુ થશે તે ખુબ જ આવકાર દાયક છે. પરતું સાથે સાથે ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે થવો અને વળતર મળવું પણ ખુબ જ જરૂરી છે.હાલમાં જીલ્લા તંત્ર તરફ થી જીઘઇખ યોજના અંતગર્ત સર્વે થઇ રહ્યો છે ત્યારે સાથે સાથે કપાસ અને મગફળી માટે પણ સર્વે થાય તે જરૂરી છે. કોરોનાની મહામારી વચ્ચે અતિ વરસાદને લીધે ખેડૂતોના પાકને ખૂબ જ નુકશાન થયેલ હોવાને લીધે હાલ ખેડૂતો ખૂબ જ મુશ્કેલી અને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે. જેથી અમરેલી સંસદીય વિસ્તારના તમામ ગામોમાં સર્વે કરાવવા અને ખેડૂતોને થયેલ નુક્શાનનું રાહત/વળતર મળી રહે તે માટે ઘટતું કરવા સાંસદશ્રીએ સરકારશ્રીમાં પુન: રજુઆત કરેલ છે.