અમરેલી શહેરનું પાણી વિતરણ અસ્તવ્યસ્ત

અમરેલી,અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા એવા મુખ્ય જળાશય ઠેબી ડેમ તેમજ મહીપરીયેજ યોજનામાંથી શહેરની પ્રજાને દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. જેમાં ગઇ કાલે અમરેલી શહેરમાં તેમજ આજ રોજ નાવડા ખાતે વિજ તંત્ર દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવાતા શહેરનું પાણી વિતરણ છેલ્લા બે દિવસથી અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ છે. નગરપાલીકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરીજનોને પાણી પુરૂ પાડવા માટે લોકલ સોર્સમાંથી પાણી ઉપાડી અને શહેરીજનોને નિયત સમય કરતા પણ પાણી વિતરણ કર્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતોે મુજબ ઠેબી ડેમમાં જ્યારે ઉનાળાના દિવસોમાં ડેમ સાવ તળીયાજાટક થઇ ગયો હોય અને શહેરની પ્રજા પીવાના પાણી માટે વલ્ખા ન મારવા પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજથી 5 વર્ષ પહેલા અમરેલી શહેરની જીવાદોરી સમાન ગણાતી એવી મહીપરીયેજ યોજના અમલી બનાવી હતી. જેમાંથી શહેરની જનતાને તેમજ જીલ્લાના અમુક ગામોને મહીપરીયેજનું પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયુ છે. અને જ્યારે મહીપરીયેજ યોજનામાં કોઇ ટેકનીકલ ક્ષતી સર્જાય તો શહેરની પ્રજાને પીવાનું પાણી મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. અમરેલી શહેરમાં ગઇ કાલે ગુરૂવારના રોજ વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા ઠેબી તેમજ મહીપરીયેજ યોજનાનું પુરતુ પાણી પપીંગ ન થઇ શકયુ સાથો સાથ આજરોજ સવારના 9 વાગ્યાથી નાવડા ખાતે વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા શહેરને મહીપરીયેજ યોજનાનું આજે સતત બીજા દિવસે પણ પાણી નહી મળવાના કારણે નગરપાલીકા દ્વારા લોકલ સોર્સમાંથી પાણીનું પપીંગ કરી અને શહેરીજનોને નિયત સમય કરતા એક કલાક મોડુ પાણી વિતરણ કરાયું હતુ. આમ સતત બે દિવસથી વિજ તંત્રના સંકલનના અભાવે અમરેલી શહેરની પ્રજાને છતે પાણીએ પાણી વગર ટળવળવુ પડયુ હતુ. આમ જો વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવુ હોય તો અગાઉથી નગરપાલીકાને આ બાબતની જાણ કરે તો અગાઉથી જ પાણીનો સ્ટોરેજ અને જરૂરી વ્યવસ્થા કરી શકાય. આજે વિજ પુરવઠો મહિ યોજનાનાં નાવડા મથકમાંથી શરૂ થાય તેવી શક્યતા.