અમરેલી શહેરમાં કોરોનાનું તાંડવ : કુલ 407 કેસ, 10 મોત

  • 111 દિવસનો એક્સ-રે : એક કેસ દીઠ રૂપીયા મળે છે તેવી ખોટી અફવાઓને હટાવવા અને અમરેલી શહેરને બચાવવા માટે ફરી શ્રી નિર્લિપ્ત રાયની જરૂર
  • જિલ્લામાં કોરોનાનાં કુલ 1350 કેસમાંથી 407 કેસ અમરેલી શહેરનાં છે : શિક્ષિત અમરેલી કોરોના સામેની લડતમાં સાવ પછાત : લોકોનો ખોટો ડર કોરોનાને વકરાવે છે
  • સારવારમાં મોડા આવવાને કારણે ટપોટપ મૃત્યું : હવે લેબોરેટરી કાર્યરત થતાં તાત્કાલીક રીઝલ્ટ : લોકો જો એક સાથે ટેસ્ટ કરાવે તો કોરોના અમદાવાદની જેમ કાબુમાં આવી શકે
  • શહેરની હાલત ખતરનાક થવાના એંધાણ : વિનામુલ્યે થતો કોરોના ટેસ્ટ કરાવવાથી લોકો ડરી રહયા છે : ભાજપ-કોંગ્રેસને માત્ર મતદાન માટે લોકોના ઘરે જવુ ગમે છે કે શું ? રાજકીય પક્ષો શા માટે આગળ નથી આવતા ? : શહેરની ઢગલાબંધ સામાજિક સંસ્થાઓ પણ ગોદડા ઓઢી સુઇ ગઇ છે કે શું ? : અમરેલીને બચાવવા કોણ આગળ આવશે ?

અમરેલી,
અમરેલી જિલ્લામાં 12મી મે થી કાળમુખા કોરોનાનાં પગલા પડયા ત્યારથી આજ સુધીના 111 દિવસના અંતે અમરેલી શહેરની હાલત ખતરનાક તબક્કે પહોંચી છે અને કોરોનાનાં એક કેસ દીઠ રૂપીયા મળે છે તેવી ખોટી અફવાઓ ગમે તે કારણે ફેલાઇ છે અને આવી અફવાઓને હટાવવા અને અમરેલી શહેરને બચાવવા માટે ફરી શ્રી નિર્લિપ્ત રાયની જરૂર હોય તેમ લાગી રહયુ છે કારણકે આ 111 દિવસમાં અમરેલી શહેરમાં કોરોનાએ તાંડવ મચાવ્યુ હોય તેમ કુલ 407 કેસ નોંધાયા છે અને અંદાજિત ઓછામાં ઓછા 10 જેટલા મોત થઇ ચુક્યા છે આમ છતા હજુ પણ કુલ કોરોનાનાં દૈનિક કેસમાં 40 ટકા કેસો અમરેલી શહેરના આવી રહયા છે અમરેલીની હાલત અમદાવાદ જેવી થવા જઇ રહી છે ત્યારે કલેકટરશ્રીએ અમરેલીને ઉગારવા માટે સરકારમાં અમરેલી વતી અભુતપુર્વ રીતે સુવિધાઓ મંજુર કરાવી છે અને કમનસીબે અમરેલીના લોકો અમરેલીના રીયલ હીરો એવા કલેકટરશ્રી આયુષ ઓકના અભિયાનને મદદ ન કરી અમરેલીને ખતરનાક હાલતમાં મુકવાના ભાગીદાર બની રહયા છે જો કલેકટરશ્રીની વ્યુહરચના મુજબ અમરેલી શહેર ચાલે તો કોરોનાનાં કેસ ગણતરીના દિવસોમાં કાબુમાં આવી શકે છે.તા. 3 ના અમરેલી જિલ્લામાં કોરોનાનાં 29 કેસ આવ્યા છે જેમાં 8 કેસ અમરેલી શહેરનાં દ્વારકેશનગર, કન્યાશાળા પાસે, સુખનિવાસ કોલોની, ભોજલરામ રેસીડેન્સી, વિદ્યાનગર, મણીનગર, એન્જલ રેસીડેન્સી, શિવનગર સોસાયટીમાં આવ્યા છે અને કુંડલાના આઝાદ ચોક, જુના બસ સ્ટેન્ડ પાસે મળી 3 ઘોબા, ચિતલ, પીપાવાવ પોર્ટના 4 કસ્ટમ કર્મચારીઓ, રાજુલા, દહીડા, દેવરાજીયામાં 2, મોટી કુંકાવાવ, મોટા ઉજળા, સાપર, બગસરામાં 2, લુણકી, ઇશ્ર્વરીયામાં કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કુલ કેસ1350 નોંધાયા છે આ 1350 કેસમાંથી 407 કેસ તો માત્ર અમરેલી શહેરનાં જ છે શિક્ષિત નગરી અમરેલી કોરોના સામેની લડતમાં સાવ પછાત સાબિત થઇ રહી છે જે શરમજનક છે લોકો કોરોનાથી ડરી પોતાને અને પરિવારને મુશ્કેલીમાં મુકી રહયા છે અમરેલી શહેરમાં લોકોનો ખોટો ડર કોરોનાને વકરાવે છે.કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યુ હતુ કે કોરોનાને વધતો અટકાવવા માટે આજે 2000 જેટલા ટેસ્ટ કરાયા છે એકલા અમરેલી શહેરમાં જ અમે રોજના 300 ટેસ્ટ માટેની કીટ સરકારમાંથી મંગાવી છે પણ દુર્ભાગ્યે અમરેલીના લોકો જાગૃત નથી અને તંત્રને સહકાર આપતા નથી 300 ની સામે માત્ર 200 ટેસ્ટ ખુબ મહેનત પછી થાય છે બ્રાહ્મણ સોસાયટી અને સંધી સોસાયટી વિસ્તારમાં અમારે ખુબ મહેનત કરવા છતા લોકો ટેસ્ટ માટે સાવ ઓછા આવ્યા હતા હકીકતમાં લાઠી રોડે સૌથી વધ્ાુ કેસ આવી રહયા છે લોકોની આ ઉદાસીનતા કોરોનાને વધારવામાં કારણભુત સાબિત થશે સરકાર દ્વારા કોરોનાનાં સામેથી તેમના વિસ્તારમાં જઇને મફતમાં ટેસ્ટ કરવામાં આવી રહયા છે બાકી જો કોઇ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જાય તો તેણે મોટી રકમ અને રીઝલ્ટ માટે રાહ પણ જોવી પડે છે લોકોને અમારો અનુરોધ છે કે અમે જે વિસ્તારમાં કેમ્પ કરીએ ત્યાં ગંભીર બિમારીવાળા તથા સામાન્ય શરદી, ઉધરસ કે તાવ હોય તેવા લોકો અને જે સૌથી વધ્ાુ લોકોના સંપર્કમાં આવતા હોય તેવા લોકો સામેથી ટેસ્ટ કરાવવા માટે આવે અને શહેરની સંસ્થાઓ પણ આમા જોડાઇને યોગદાન આપે અને સૌ સાથે મળીને અમરેલીમાંથી કોરોનાને હરાવીએ.
અમરેલી માટે કોરોના સામે લડી રહેલા અનુભવી એવા આરોગ્ય વિભાગના ડો. અરૂણ સીંઘે જણાવ્યુ હતુ કે કોરોનાનાં દર્દીના મૃત્યુંંનું પ્રમાણ અમને જોવા મળ્યુ છે તેનું કારણ તેનું નિદાન મોડુ થાય છે અને સારવારમાં મોડા આવે છે અને મોડા આવવાને કારણે ટપોટપ મૃત્યું થાય છે જો પ્રાથમિક તબક્કે દવા લેવાય જાય તો કોઇ વધ્ાુ તકલીફ વગર કોરોના મટી પણ જાય છે જેટલા લોકો વહેલા આવી ગયા છે તે તરત જ સ્વસ્થ થઇ ગયા છે અને હવે તો અમરેલીમાં લેબોરેટરી કાર્યરત થતાં તાત્કાલીક રીઝલ્ટ મળે તેમ છે જો લોકો તંત્ર દ્વારા યોજવામાં આવી રહેલા કેમ્પમાં એક સાથે ટેસ્ટ કરાવે તો કોરોના અમદાવાદની જેમ કાબુમાં આવી શકે છે.
સરકારી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસથી માથા પછાડવામાં આવી રહયા છે છતા લોકો બેદરકારી દાખવી રહયા છે જેના કારણે અમરેલી શહેરની હાલત ખતરનાક થવાના એંધાણ દેખાઇ રહયા છે અને સાવ વિનામુલ્યે થતો કોરોના ટેસ્ટ કરાવવાથી લોકો કોઇ અકળ કારણોસર ડરી રહયા છે ત્યારે એવો સવાલ પણ થઇ રહયો છે કે ભાજપ-કોંગ્રેસને માત્ર મતદાન કરાવવા માટે લોકોના ઘરે જવુ ગમે છે કે શું ? અને સરકારની આ ઝુંબેશમાં રાજકીય પક્ષો શા માટે આગળ નથી આવતા ? સાથે સાથે પાંચ પાંચ રૂપીયાના સેવ મમરાના પડીકા લઇને દોડી જતી અને પ્રસિધ્ધી મેળવતી શહેરની ઢગલાબંધ સામાજિક સંસ્થાઓ પણ ગોદડા ઓઢી સુઇ ગઇ છે કે શું ? તેવો સવાલ થાય છે અને એક એવો અંતિમ સવાલ પણ થાય છે કે આપણી અમરેલીને બચાવવા માટે કોણ આગળ આવશે ?