અમરેલી શહેરમાં સિવીલ પાછળ વરસાદી નિકાલના પાણીના ત્રણ ભુંગળા જ ગાયબ

  • ધણી ધોરી વગરનાં અમરેલીમાં વધુ એક આશ્ર્ચર્યજનક કિસ્સો સામે આવ્યો
  • ઇન્ડિયન રેડક્રોસ પાસે પાણી ભરાતા કરાયેલી તપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે વચ્ચે ત્રણ પાઇપ જ ગાયબ હતા : બીલ કેવી રીતે પાસ થયાં?

અમરેલી,
અમરેલી શહેરમાં થનારા કામો આડેધડ થતા હોય ડો. ભરતભાઇ કાનાબારે ભુતકાળમાં આ માટે ઝુંબેશ ઉપાડી હતી અને અણઘડ વહીવટને વ્યવસ્થિત કરવા અનુરોધ કર્યો હતો તેમ છતા અણઘડ વહીવટનો એક આશ્ર્ચર્યજનક નમુનો સામે આવ્યો હતો સિવીલ હોસ્પિટલ પાછળના રેડક્રોસવાળો રોડ પીઆઇયુ હસ્તક છે અને તેનું અમરેલીમાં અસ્તિત્વ છે કે કેમ તેની કોઇને ખબર નથી છેલ્લા અઠવાડીયાથી આ રોડ પર ગોઠણ સમાણા પાણી ભરાયા હતા અને 12 કરોડ જેવી માતબર રકમના ખર્ચે અમરેલીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનો જમીનમાં નખાઇ છે તેમ છતા આ પાણી જમીનમાં કેમ નથી જતુ તેની તપાસ કરાતા ચોકાવનારી વિગતો સામે આવી હતી.આ રોડ ઉપર વેરહાઉસીંગ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના ત્રણ પાઇપ જ ગાયબ હતા જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે પાણી ઉભરાઇને બહાર આવતુ હતુ અને નવાઇની બાબત એ છે આ પાઇપલાઇન નખાઇ ગઇ તેના ટેસ્ટ વગર બીલ પણ પાસ થઇ ગયા હતા અને તેને સર્ટીફીકેટ પણ મળી ગયા હતા પાલીકા દ્વારા આ પાઇપલાઇનમાં ત્રણ ભુંગળા નાખવાના ભુલાઇ ગયા હતા કે કેમ તેવો સવાલ કરાતા પાલીકાના સુત્રોએ જણાવ્યુ હતુ કે અમારી ગટર તો સાજી સારી હતી પણ ભુર્ગભ ગટરવાળા અથવા બીજુ કોઇ કામ કરવા વાળા કે સિવીલવાળાથી કદાચ આ ભુંગળા નીકળી ગયા હોય.ભુલ કોની છે એ તપાસનો વિષય છે પણ આ ભુલને કારણે જો કોઇને રક્તની જરૂર પડે તે રેડક્રોસમાં જવા માટે ગોઠણસમાણા પાણીમાંથી જવુ પડે છે અકસ્માતનો ભોગ બને છે હોસ્પિટલે જતા દર્દીઓ હેરાન થાય છે અને આવી બાબતો ઉપર દેખરેખ રાખવાવાળુ કોઇ નથી અને અમરેલી સાવ ધણી ધોરી વગરનું છે તે સાબિત થાય છે.