અમરેલી શહેર અંશત: બંધ : જિલ્લામાં કોઇ અસર નહીં

  • કૃષિ કાનુન સામે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે અપાયેલા ભારત બંધનાં એલાનમાં
  • શ્રી પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે રકઝક અને દોડાદોડીનો વિડીયો વાયરલ શ્રી દિલીપ સંઘાણી સાયકલ ઉપર વેપાર બંધ ન કરવાની અપીલ સાથે નિકળ્યાં
  • અમરેલી શહેરમાં બંધની અંશત: અસર : કુંડલા, બગસરામાં અટકાયત

અમરેલી,
કૃષિ કાનુનના વિરોધમાં કોંગ્રેસ સહિતના 11 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયનોએ આંદોલનને ટેકો આપી ભારત બંધના અપાયેલા એલાનને અમરેલી શહેરમાં બંધને મીશ્ર પ્રતિસાદ સાંપડયો છે. અમરેલી શહેરમાં બંધ રાખવા માટે વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરતાઓ બજારમાં નીકળતા અમરેલીના રાજકમલ ચોકમાંથી પરેશભાઇ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શ્રી ધાનાણીએજણાવેલ કે, સરકાર અંધ છે એટલે ભારત બંધ છે. ખેડૂતોને મોંઘા બીયારણ, ખાતર, વિજળીના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ત્યારે ભાજપની સરકારે ખેડૂતો વિરૂધ્ધ કાળો કાયદો પસાર કરી મુઠી ભર ઉધોગપતિઓના હવાલે જગતાતને મુકેલ છે. સરકારે ખેડૂતોના સામે ત્રણ બીલો પસાર કરેલ તે પરત ખેચવાની માંગ સાથે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. સરકારના કાળા કાયદાના કારણે એ.પી.એમ.સી. ઓની અર્થવ્યવસ્થા પડી ભાંગવાના કારણે એ.પી.એમ.સી.ઓમાં સિમેન્ટના જંગલ ખડકાય જશે. મલ્ટીનેશનલ કંપનીઓ ખેડૂતોએ પકવેલી જણસો પાણીના ભાવે ખરીદશે જેથી ખેડૂતો પાઇમાલ થઇ જશે. જયારે સરકાર દ્વારા લોકશાહીને ગળેટુંપો આપી અવાજ ઉઠાવવાનો પ્રયાસ થઇ રહયો છે. જેને તંત્ર દ્વારા કચડી નાખવા પ્રયાસ કરવામાં આવી રહયો છે.
અમરેલીનાં રાજકમલ ચોકમાં શ્રી પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે રકઝક અને શ્રી પરેશ ધાનાણીની વચ્ચે રાજમાર્ગો ઉપર દોડાદોડી જેવા દ્રશ્યો સર્જાયા હતાં.
બીજી તરફ એન.સી.યુ. આઇ. ના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી બજારો ખુલ્લી રાખવા માટે અને બંધને સમર્થન નહીં આપવા સાયકલ લઇને અમરેલી શહેરની બજારોમાં નીકળ્યા હતા. અમરેલીના રાજકમલ ચોકમાં શ્રી સંઘાણીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા ખેડૂતોના હામી હોવાનું જણાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી આંદોલન ચલાવી સરકારે ખેડૂતોના હિત માટે પસાર કરેલ કાયદાનો વિરોધ કરીને રાજકીય ખીચડી પકવવા નીકળી પડયા છે. જેને અમરેલી શહેરના પ્રબુધ્ધ વેપારીઓએ જાકારો આપીને બજારો ખુલ્લી રાખી છે.
સાવરકુંડલામાં બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસનાં કિરીટભાઇ મધુકાંત દવે, વિપુલભાઇ નારણભાઇ ઉનાવા સાવરકુંડલા, મનુભાઇ નાનજીભાઇ ડાવરા જુનાસાવર, દિપકભાઇ મેઘજીભાઇ સભાયા આંબરડી, શીવરાજભાઇ હનુભાઇ ખુમાણ, બાવચંદભાઇ રામજીભાઇ વેકરીયા મોલડી, બકુલભાઇ બાબુભાઇ કાનાણી જુના સાવર, અશ્ર્વિનભાઇ રવજીભાઇ ધામેેલીયા નેસડી, જયંતીભાઇ બચુભાઇ દેશાઇ મોલડી, હસુભાઇ ભીખાભાઇ બગડા સાવરકુંડલા વાળાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યાં હતાં.