અમરેલી શહેર ખરેખર પાણી માટે શ્રાપીત છે ? : પાણીની પીડા કાયમી

  • અમરેલીમાં ચર્ચાનો વિષય : ભુતકાળમાં અનેક સંતોની પરીક્ષા લેનાર

અમરેલી,
અમરેલીમાં નગરપાલીકામાં વિજેતા બની અને શહેરનાં 40 વર્ષ જુના પાણીનાં પ્રશ્ર્નને હલ કરવા માટે નગરપાલીકાનાં નવ નિયુક્ત પદાધિકારીઓએ સનિષ્ઠ પ્રયાસો શરૂ કર્યા છે. પણ તેમ છતાં અમરેલીમાં કાયમી ચર્ચાનો વિષયએ રહે છે કે, ભુતકાળમાં અનેક સંતોની પરીક્ષા લેનાર અમરેલી શહેર ખરેખર પાણી માટે શ્રાપીત છે ? કારણ કે અમરેલીને પાણીની પીડા કાયમી ધોરણે રહે છે. તેના દાખલા એક નહીં પણ અનેક છે. અમરેલીનાં ભુગર્ભ જળ માટે આશિર્વાદ રૂપ એવા કામનાથ ડેમને ડો.દિલીપભાઇ ઉનડકટ, રોટરી ક્લબનાં પ્રમુખ હતા તેના કાર્યકાળ દરમિયાન ઉંડો ઉતારાયો અને ત્યાર પછી થોડા વર્ષમાં ત્યાં ગાંડીવેલ છવાઇ ગઇ. અમરેલી નજીકનાં માંગવાપાળ ગામે ઠેબી ડેમ જેવો જ વિશાળકાય વડી ડેમ બન્યો. વડી ડેમ સિંચાઇ માટે છે અને તેના સીપેઝનું પાણી વરૂડી વોટર વર્કસ દ્વારા અમરેલીને મળતુ હતું તે વોટર વર્કસ કોઇના કોઇ કારણે બંધ થઇ જાય છે. છેક સુપ્રિમ કોર્ટ સુધી ગયેલ અમરેલીનાં ઠેબી ડેમમાં પહેલી વખત જ છલોછલ પાણી ભરાયું ન હતું ત્યારે તે ડેમ તુટ્યો અને અને ફરી વખત બનાવવામાં આવ્યો ત્યાર પછી આ વર્ષે આ ડેમ છલોછલ ભરાયો અને તેમાંથી અમરેલી માટે પાણી લેવાનું શરૂ થયું પણ અમરેલીની કઠણાઇ હોય તેમ બે વર્ષે પણ ન ખુટે તેવા વિશાળ ઠેબી ડેમનું પાણી બગડી ગયું અને અમરેલી શહેર માટેનો ઉપયોગ બંધ કરાયો.
પાલીકાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, પહેલી વખત જ ડેમ છલોછલ ભરાયો છે. જેના કારણે દવાઓ, કેમીકલ્સ, કચરો તમામ વસ્તુઓ ડેમમાં આવી છે. તેના કારણે ડેમનું પાણી ફીલ્ટર થવામાં મુશ્કેલી વાળુ છે અને પાલીકામાં એક ફીલ્ટર પ્લાન્ટ પણ બંધ છે. તેના કારણે આ પાણી ઉપાડવાનું બંધ કર્યુ છે.
હકીકત એ છે કે, છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ડેમમાં પાણી તો ભરાતુ જ હતું પણ છલોછલ નહોતુ ભરાયું જેથી ડેમમાં કચરો કે કેમીકલ્સ આવ્યાની વાત ગળે ઉતરે તેવી નથી. પાણી તો દર વર્ષે ડેમમાં આવતુ જ હતું અને વપરાતુ પણ હતું. ઠેબી ડેમનું પાણી અચાનક શા માટે બગડી ગયું છે તે તપાસનો વિષય છે. હવે આ પાણી શા ઉપયોગમાં આવશે તે પણ વિચાર માંગતી બાબત છે. અમરેલીની વિતરણ વ્યવસ્થા સુધારવા માટે 2012 પહેલા મંત્રી પદે રહેલ શ્રી દિલીપ સંઘાણી પાણી માટે રૂા.40 કરોડ લાવ્યા હતાં. પણ ત્યાર પછી શહેરની વસ્તીઓ વધતા આ ચારેય પાણીનાં પમ્પીંગ સ્ટેશનો રોજે રોજ પાણી આપવામાં પહોંચી શકે કે કેમ તે અભ્યાસનો વિષય છે. એ પણ હકીકત છે કે આજ સુધી અમરેલી નગરપાલીકામાં પાણીની વ્યવસ્થા સુધારવા અને પાણી વિતરણ વ્યવસ્થિત કરવા તમામ શાસકોની અથાક મહેનત છતાં રોજ પાણીનું વિતરણ સ્વપ્ન સમાન છે. અને તેના માટે જ કદાચ શહેરમાં ઓટલા પરિષદોમાં એ ચર્ચા ચાલતી હોય છે કે અમરેલી એ મહાત્મા મુળદાસજીને ટાવરની વચ્ચે, નાગનાથ પાસે સ્થાપિત કરી પ્રાયશ્ર્ચિત કર્યુ છે. પણ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે ગાયકવાડ કાળમાં સંત ભોજા ભગતની પણ અમરેલીમાં પરીક્ષા ગાયકવાડી સરકારે લીધી હતી અને સત્તાધારનાં સંત પુજ્ય આપાગીગાને પણ શાષકોએ દુભવ્યાં હતાં.