અમરેલી સહિત દેશભરમાં કોરોના મહામારીની આજે વર્ષ ગાંઠ

  • કયાં આપણું અમરેલી અને કયાં ચીનનું વુહાન ? : મહામારી તીડ કરતાય વધારે ઝડપે આવી હતી

અમરેલી,
2 માર્ચ 2020ના રોજ આપણે ત્યાં પણ કેરળમાં એ વિષઅણુના વાહકો સૌપ્રથમવાર મળી આવ્યાની આધિકારિક રીતે પુષ્ટી થઈ. (પ્રથમ શંકાસ્પદ યુવતિ 30-1-2020ના રોજ સામે આવેલી) સંક્રમિતોની સંખ્યા હતી ફકત ત્રણ. અને બીજે દિ’ દેશભરના મીડિયા જગતમાં દેકારો બોલી ગયો. એ પછી ’હાહાકાર’, ’ફફડાટ’, ’ભયાનક’, ’સનસનાટી’, ’અફડા તફડી’, ’મોતનો પંજો’, ’કાળનો ભરડો’ જેવા તમામ ભયસૂચક – જેટલા પણ શબ્દો ભાષા ભંડારોમાં હતા એ બધા આ નવા રોગના પર્યાય બની ગયા અને એ બધાના બેફામ ઉપયોગ બાદ એની કમી સર્જાવાની હતી.
સોશિયલ મીડિયામાં ચીનની હોસ્પીટલુ, સ્વર્ગ/નર્કની કન્ફર્મ ટીકીટુ કપાવીને સુતેલા દર્દીઓ, એસ્ટ્રોનોટ (અવકાશયાત્રી) જેવો પોષાક પહેરીને એ બધાની સારવાર કરતો મેડીકલ સ્ટાફ, શંકાસ્પદ દર્દીઓને વનખાતુ દિપડો પકડે એમ પકડીને લઈ જતું તંત્ર, ઘરમાં પુરાયેલા ચિબલાવ અને સુનકાર સડકો…. આપણે બધેબધુ જ જોયુ’તુ. જ્યાં જુઓ ત્યાં આ નવા રોગની જ ચર્ચાઓ થતી’તી. અને આપણા જેટલા જ ચિંતિત અન્યદેશોના વડાઓ પણ હતા. બધાને એમ લાગતુ’તુ કે ભારત જેવા ભીડભાડવાળા દેશમાં આ સંક્રમણ ફેલાય તો કરોડો લોકો કાળના ખપ્પરમાં હોમાઈ જશે. 17 નવેમ્બર 2019ના રોજ વુહાનમાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો અને એની છઠ્ઠીનો દિવસ નક્કી થયો 8 ડીસેમ્બર 2019. જે દુનિયા પર કાળ બનીને ત્રાટકવાનો હતો એવા આ વાયરસનું “કોવીડ-19” (કોરોના વાયરસ ડીસીઝ 2019) નામકરણ થયું. બંડલ સાબિત થવામાં જે બધા મેડલ જીતી જવાની હતી એવી “ડબલ્યુએચઓ”એ ઘોષિત કર્યુ કે કોવીડ-19ને કોઈ નાથમોરો નથી. કોઈ દવા નથી, કોઈ રસી નથી. થૈ ર્યુ! હવે તો બચવું એ જ ઉપાય હતો. અને બચવા માટે શું કરવાનું હતુ ? તો કે ’ઘરમાં પુરાઈ રહો, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે માગ રાખો, હાથ જંતુમુક્ત કરતા રહો ને મોઢે મહોરિયુ બાંધો’.
તા.19 માર્ચ 2020, આફતનો એ દાડો પણ આવી પહોંચ્યો. રાતે આઠ વાગે મોદીજીએ પ્રજાજોગ પ્રવચન આપ્યુ. ભુતકાળમાં રામાયણ ને મહાભારત પ્રસ્તુત થતી વખતે મહત્તમ લોકો ટીવી સામે આતુરતાથી બેસી જતા, શેરીઓ રસ્તાઓ પર અવરજવર થંભી જતી, એમ તે દિવસે પણ મુસીબતના એંધાણ સમો બુંગિયો સાદ સાંભળવા જનજીવન થંભી ગયુ.
“દુનિયામાં વિશ્વયુદ્ધથી પણ વરવી વેળા આવી પડી છે, જેનાથી આપણે બચી જઈશુ એવો ખોટો ખ્યાલ પાળવો નહી, સતર્ક અને સજગ રહેવુ જરૂરી બન્યુ છે, મે આજ સુધી આપની પાસે જે માગ્યુ એ તમે મને આશિર્વાદરૂપે આપ્યુ છે, મારે તમારો આવનારો સમય જોઈએ છે, કેટલાક સપ્તાહ જોઈએ છે, અમે નાના હતા ત્યારે યુદ્ધની સ્થિતિમાં થતા બ્લેકઆઉટની ડ્રીલ થતી, એ મુજબ આવતો રવિવાર – સવારે સાતથી રાતના નવ સુધી સૌને જનતા કર્ફ્યુનું પાલન કરવાનો અનુરોધ છે, જેમા આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો સિવાય કોઈએ પોતાના ઘરથી બહાર નિકળવાનું નથી, સાંજે બરાબર પાંચ વાગે રાષ્ટ્રરક્ષકો માટે તાળી – થાળી – ઘંટડી વગાડીને એમનો આભાર વ્યક્ત કરીશુ…” “મેરે પ્યારે દેશવાસીઓ…”થી શરૂ થયેલા એ 29 મીનીટના સંદેશાને જેણે દુરંદેશીથી સાંભળ્યુ એના હાજા ગગડી ગ્યા’તા. વિરોધીઓએ વાત હસી કાઢી’તી અને કમઅક્કલોને તો કોઈ વાત પલ્લે જ નહોતી પડી. સમજદારોએ તાળો મેળવી લીધો કે હવે દેશ આખાને તાળુ લાગવાનું છે. એ લોકો દોડ્યા, મહીના – બેમહીના સુધી ચાલે તેટલો ઘરનો જીવનજરૂરી સામાન ભરી લીધો, દવાઓનો સ્ટોક કરી લીધો અને દૂધના પાઉડર સુદ્ધા વસાવી લીધા. તારીખ 20 માર્ચ 2020, શુક્રવાર, કરિયાણાવાળાને ત્યાં મેળો ભરાયેલો રહ્યો. બહારગામ હતા એવા લોકોએ ઘરની વાટ પકડી, બેન્કમાંથી જરૂરી રકમ હાથ પર લીધી, વાહનોમાં ઈંધણ ફુલ કર્યુ, અને મોબાઈલના રીચાર્જ કરાવ્યા. શુક્રવાર આખ્ખો ઉચાટ, ઉધામા ને ઉત્પાતમાં વીત્યો. દિવસ આથમ્યો, રાત પડી, હલાહલી ને ઘમાઘમી સિવાય ખાસ નવુ કશુ બન્યુ નહી. એટલે જરાક હઉનો હાહ હેઠો બેઠો’તો, હાશકારો થ્યો’તો. પણ, કર્ફ્યુની કઠણાઈ એક દિ વહેલી શરૂ થવાની હતી એનો કોઈને અંદાજ નહોતો. 21 માર્ચ 2020, રાબેતા મુજબ સહુ કોઈ કામે લાગ્યા, નોકરીએ ગયા અને ધંધા રોજગાર શરૂ કર્યા. અમરેલીમાં આજથી જ કર્ફ્યુ શરૂ થઈ જશે એવું કોઈને ઓહાણ ન્હોતું. પણ,કેલેન્ડરના પાનામાં નજરકેદ જેવી સજા તે દાડેથી જ નિર્ધારી’તી. લગભગ અગિયારેક વાગ્યાથી એસટી ડેપો પાસેથી શરૂ કરીને ગામ બંધ કરાવવાના પગલા પોલીસે લીધા, તે એક વાગતા સુધીમાં તો હંધુય હજ્જડબમ્બ! જનતા કર્ફ્યુ તો હજુ આવતીકાલે હતો ને આજથી જ કેમ બંધ !? વિચારો, વાતુ ને એના વમળ, લોકો ગંભીરતા પુર્વક ટોળે વળ્યા ને પછી ગોટે ચડ્યા. તારીખ 22 માર્ચ 2020, અમથોય આજ દિતવાર હતો, રજા હતી, એટલે ઘરે જ રહેવાનું હોય. પણ રજાની મજા જેવું બહુ કાંઈ રહ્યુ નહોતુ. માણસજાત આમ પણ અવળચંડી છે. ચાલુ દિવસમાં રજા માગે, ઘરે રહેવુ – પરિવાર સાથે સમય વ્યતિત કરવો વગેરે એને ગમે. પણ, આ હોલી ડે તો પરાણે આવેલો ને આપેલો હતો. જાતે કોઈ જગ્યાએ પુરાવુ અને કોઈ પરાણે પુરે એમા ફેર. તે જનતા કર્ફ્યુમાં બહુ જામ્યુ નહી. ઉપરથી, નકરા વહમા વાવડ વાવલતી ટીવીયુ, તકરારૂ કરતી બીવીયુ ને કવરાવતી કજીયાળી પરજા. માંડ હાંજ પાડી. પાંચ વાગ્યે પાછી કળ વળી. ઓલા રાષ્ટ્રવીરોને ધન્યવાદ કરવાના હતા તે એની તૈયારી કરી. આમ તો આ તાળી – થાળી – ઘંટડીનો પ્રોગ્રામ ઘરમેળે પતાવવાનો હતો. તો ય અમુક હરખપદૂડા શેરીયુમાં ટોળે વળ્યા. કોરોનાનું ફુલેકુ કાઢ્યુ હોય એમ રસ્તા પર સરઘસ કાઢ્યુ ને અક્કલનું દેવાળુ ફુક્યુ. આમ જનતા તો સમજ્યા, શાસકપક્ષના કેટલાક ઘોઘા નેતાઓએ પણ પોતાની ઓફીસે કાર્યકરોને ભેગા કરી ઢોલ પીટ્યા (વાસ્તવમાં કોઈએ રાતના નવ પહેલા ઘર બહાર નિકળવાનું જ નહોતુ) અને પોતાની બુદ્ધિનો ઢંઢેરો પીટ્યો. વળી, એના ફોટા છાપામાંય છપાવ્યા! તો બીજી તરફ રાષ્ટ્રવાદ – માનવતાવાદ અને એકાત્મવાદના એવાય હિમાયતીઓ હતા જેણે ચુસ્તપણે મોદીજીના આહ્વાન સમા કર્ફ્યુનું પાલન કર્યુ અને માત્ર પરિવાર સાથે ઘરના ફળિયામાં, અગાસીમાં કે બાલ્કનીમાં ઉભા રહી પાંચ મીનીટ ટંકારવ/ઘંટારવ કર્યો. માત્ર આપણા દેશ ઉપર જ નહી, આખી માનવજાત ઉપર આવેલા આ કોરોનારૂપી કાળમુખા સંકટ સામે જનતાનો જુસ્સો ટકી રહે, સહુ સાથે છીએ એવો સલામતિનો ભાવ ઉપજે, હકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય અને આશંકાઓના ભય તળે આવતી હતાશા દૂર થાય એટલા માટે પણ રમુજી ટુચકા લાગે એવા સામુહિક – સહિયારા નુસખા એકલઠ્ઠા અજમાવાતા હોય છે. અને એ બહુ કારગર સાબિત થતા હોય છે. પણ, વિરોધીઓએ ઘણુ વાણીવમન કર્યુ. સંસદમાં સુંધાષુ ત્રિવેદીજીએ એનો સરસ જવાબ પણ આપ્યો; “તાળી થાળી વગાડવાથી કોરોના નથી જતો એ વાત બરાબર, પણ તો પછી શું ચરખો ચલાવવાથી દેશને આઝાદી મળી ગઈ’તી?”
(ક્રમશ:)