અમરેલી સહિત રાજ્યમાં સોમવારથી કોલેજોમાં વર્ગખંડો શરૂ થશે

  • કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન થતા લાંબો સમય સુધી કોલેજો બંધ રહ્યાં બાદ
  • રાજ્ય સરકાર દ્વારા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય : હોસ્ટેલમાં એક રૂમમાં બે વિદ્યાર્થીઓ સાથે રહી શકશે નહીં

અમરેલી,
કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન બાદ લાંબો સમય સુધી કોલેજો બંધ રહ્યાં બાદ રાજ્ય સરકાર દ્વારા 8મી ફેબ્રુઆરી સોમવારથી રાજ્યભરમાં કોલેજોમાં પ્રથમ વર્ષનાં શૈક્ષણિક કાર્ય માટે વર્ગ ખંડો શરૂ થનાર છે. સોશ્યલ ડીસ્ટન્સ સહિત એસઓપીનાં પાલન સાથે વર્ગ ખંડો પુન: શરૂ થશે. હોસ્ટેલ રીઓપન કરવા અંગે પણ એસઓપી જાહેર કરવામાં આવી છે. હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ સહિત કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની એસઓપીનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે તે મુજબ પ્રથમ વર્ષનાં શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ ડીસ્ટન્સ પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગઝેગ સ્ટેગર્ડ મેનરમાં ગોઠવવાની રહેશે.
શિક્ષણનાં અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ નિર્ણયની વિગતો આપી હતી. અને જણાવ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓનાં હિતમા અગાઉ 11 જાન્યુઆરી 2021થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી, એમફીલ, અભ્યાસક્રમો તેમજ મેડિકલ, પેરામેડિકલ અને અન્ય સ્નાતક અભ્યાસ ક્રમોનાં ફાઇનલ ઇયર અંતિમ વર્ષનાં તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીની સંયુક્ત બેઠકમાં ચર્ચા વિચારણાનાં અંતે આ નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે.