અમરેલી, સાવરકુંડલામાં ભાજપની સભા ગજવતા શ્રી સ્મૃતિ ઇરાની

  • ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલી કામગીરીઓની સિધ્ધીઓ સભામાં વર્ણવી
  • સાવરકુંડલા વ્યાયામ મંદીર ખાતે સભામાં કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કરાયાં 

અમરેલી,અમરેલી જેશીંગપરા શિવાજી ચોકમાં અમરેલી ભાજપના નગરપાલિકાના ઉમેદવારોના સમર્થનમાં આજે સવારે 10:30 કલાકે કેન્દ્રીય કેબીનટ મંત્રી સ્મૃૃતિબેન ઇરાની દ્વારા સભા યોજાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વ.વિનુભાઇ ધાનાણી(ખાન) નું અવસાન થતા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃૃતિબેન ઇરાનીએ જણાવેલ કે, કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી ગુજરાતનું અપમાન કરાતુ હોવાનું જોઉ છું. દિલ્હીમાં ગાંધી પરિવાર દ્વારા રાજકીય પરિવાર વાદ ચલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં વિકાસ રુંધાયો હતો. પ્રજાજનોના ટેક્સના પૈસા પ્રજાના વિકાસ માટે ભાજપ સરકારે વાપર્યા છે. ભારત સરકાર માંથી ગુજરાત માટે રૂા.90 હજાર કરોડ વિકાસ માટે અપાયા છે. કોંગ્રેસે સને2009 થી 14 સુધી 26હજાર કરોડ મોકલ્યા હતા. કપાસ માટે કોંગ્રેસે એક રૂા. એમ.એસ.પી. માટે મોકલેલ નથી. જ્યારે કેન્દ્રની ભાજપ સરકારે ગુજરાતમાં એમ.એસ.પી.ના 6 હજાર કરોડ રૂપીયા નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતો માટે મોકલ્યા છે. નરેન્દ્રભાઇ મોદીએ મત્સ્ય પાલન મંત્રાલય બનાવ્યુ જ્યારે રાહુલ ગાંધી જુઠાણા ફેલાવી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ચુંટણી લડી જીતી બતાવે તેમ સ્મૃૃતિબેન ઇરાની એ જણાવ્યું હતું. ભાજપની સરકાર દ્વારા 10 કરોડ શોૈચાલય બનાવેલ છે. જ્યાારે કોંગ્રેસે શું કર્યુ? નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓ માટે જનધન યોજના શરૂ કરી જેમાં ગુજરાતમાં 10 કરોડ 60 લાખ ખાતા ખોલાવેલ છે. કોરોના મહાામારીમાં જનધન યોજનામાં નરેન્દ્રભાઇ મોદીએ 30 કરોડ રૂપીયા જમા કરાવેલ અને મફતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજ આપ્યું હતું. અમરેલી શહેરમાં વિકાસ માટે નગરપાલીકામાં ઉભેલા ભાજપના ઉમેદવારોને કમળનું બટન દબાવી મત આપી વિજેતા બનાવીયે. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી મહેશભાઇ કસવાલાએ કોંગ્રેસને આડે હાથ લઇ જણાવેલ કે અમરેલી જીલ્લામાં કોંગ્રેસના શાસનમાં ગાડા કેડા જેવા રસ્તાઓ હતા. જેના કારણે સગર્ભા બહેન દિકરીઓને ગામડામાંથી દવાખાને પહોચાડવા ચાર જણા જોળીમાં નાખીને લઇ જતા હતા. ભાજપની સરકાર આવ્યા બાદ બહેન દિકરીઓને પ્રસુતાની પીડામાંથી મુકિત આપવા 108 અને કિલકિલાટ જેવી એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવી છે. લેન્ડ ગ્રેબીંગનો કાયદો નરેન્દ્ર મોદીની સરકાર લાવી છે, આ પ્રસંગે અમરેલી જીલ્લા સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણીએ જણાવેલ કે કાશ્મીરમાં 370ની કલમ હટાવી દેશના એક જ સંવિધાન સાથે જોડેલ છે. ખેડુતોના ખાતામાં ભાજપ સરકાર દ્વારા દર માસે રૂા.2 હજાર જમા થાય છે. તે ભાજપ સરકારને આભારી છે. દેશમાં નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ પામશે. સાંસદ નારણભાઇ કાછડિયાએ જણાવેલ કે કેન્દ્રની ભાજપ સરકારે વિકાસના કામો કર્યા છે. સરદાર પટેલનું સપનું 370ની કલમ હટાવી પુરૂ કર્યુ છે. તેમજ રામ મંદિર દુનિયાની એક અજાયબી સમાન હશે. કાર્યક્રમના અંતે આભાર વિધી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જોષી દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું પાઘડી, શાલ, મોમેન્ટો અને ફુલહાર કરી સ્વાગત સન્માન જીલ્લા અને શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અમરેલી નગર પાલીકાના ભાજપના 44 ઉમેદવારો, પુર્વ ધારાસભ્ય બાલુભાઇ તંતી, દિનેશભાઇ પોપટ, મુકેશભાઇ સંઘાણી, ભુપન્દ્રભાઇ બસીયા, ભીખાભાઇ નકુમ, જીલ્લા ભાજપ પ્રમુખ કોૈશીકભાઇ વેકરીયા તેમજ શહેર ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને નગરજનો બહોળી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. એજ રીતે સાવરકુંડલા વ્યાયામ મંદીરે પણ જાહેર સભાને શ્રી સ્મૃતિ ઇરાનીએ સંબોધન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ભાજપના ઉમેદવારોને જીતવા આહવાન કરેલ કેન્દ્ર સરકાર ભાજપની સાથે હોય વ્યવસ્થિત ગ્રાન્ટ વપરાય તે માટે સીધી ખાતેદારો ના ખાતામાં રકમ જમા થાય છે કોંગ્રેસમાં અમેઠી એક જ કુટુંબની જાગીર હતી ગુજરાતને અપમાન કરી ક્યાંય વિકાસ દેખાતો ન હતો ત્યાં આજે ગ્રાન્ટનો વિકાસ નજરે ચડે છે 370 કલમ હટાવી રામ મંદિર જેવા પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ હતા તે ઉકેલી શકનાર મોદી સરકારને મત આપવા આહવાન કર્યુ હતું.