અમારે ગામડાઓમાં એસટી બસ સરપંચના મોઢા જોવા મોકલવાની છે ? : સાવરકુંડલા ડેપો મેનેજર

  • સરકારી નોકરના તુમાખીભર્યા જવાબથી ભભુકતો રોષ
  • સાવરકુંડલાના સૌથી લાંબા જેસર રોડ રૂટની એસટી બસો ટપોટપ બંધ કરાતા જિલ્લાના પીઢ આગેવાને કુંડલા ડેપો મેનેજરને રજુઆત કરતા મળેલા જવાબથી આગેવાન સ્તબ્ધ

અમરેલી,
સાવરકુંડલા તાલુકામાં સૌથી ગામડાઓ અને સૌથી લાંબો રૂટ ધરાવતા જેસર રોડની એસટી બસોનું ટપોટપ બંધ કરી દેવામાં આવતા અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રહી ચુકેલા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુકેલા ભાજપના પાયાના પીઢ આગેવાન શ્રી મનજીબાપા તળાવીયાએ સાવરકુંડલા એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરતા એસટી બસો શા માટે બંધ કરી દેવાઇ છે તેવો પ્રશ્ર્ન કરતા ડેપો મેનેજર તરફથી આશ્ર્ચર્યકારક જવાબ મળ્યો હતો કે અમારે ગામડાઓમાં એસટી બસ સરપંચના મોઢા જોવા મોકલવાની છે ? ભુતકાળના કોંગ્રેસના રાજમાં પણ કોઇને ન આપ્યો હોય તેવો તુમાખીભર્યો જવાબ સાંભળી પીઢ આગેવાન શ્રી તળાવીયા સ્તબ્ધ થઇ ગયા હતા પરંતુ તેમણે આ ગામોમાં પ્રાઇવેટ વાહનો ચાલતા હોવાનું જણાવતા ડેપો મેનેજરે તમે પોલીસને જાણ કરો તેવો જવાબ આપ્યો હતો.જેસર રોડના રૂટની પીપરડી, જેસર, બગદાણા સહિત જેસર રોડની તમામ બસો બંધ કરી દેતા આ રજુઆત કરાઇ હતી.
જેમાં ઉપર મુજબ અશોભનીય જવાબ અપાયો હતો એસટીની કમાણી છીનવતા પ્રાઇવેટ વાહનો સામે પગલા લેવાની જવાબદારી એસટી તંત્રની હોય છે અને તેના માટે તેના જવાબદાર અધિકારીઓને લોકોના પરસેવાના પૈસામાંથી પગાર આપવામાં આવે છે આ કામ જો જે તે વિસ્તારના આગેવાનોએ કરવાનું હોય તો આવા અધિકારીઓને ઘરભેગા કરી દેવા જોઇએ જેનાથી લોકોના પૈસાનો બગાડ અટકે.
આજની તારીખે પણ આ જેસર પટ્ટાના ચાર ગામડાઓ ફાચરીયા, આંકોલડા, ખાલપર, હઠીલાવાવમાં એક પણ બસ જતી નથી અને નાઇટહોલ્ટ કરતી બસોને પણ મનમાં આવે તેમ બંધ કરી દેવામાં આવે છે ધારી એસટી ડેપોનો વહીવટ સાવ રેઢીયાર રીતે ચાલી રહયો હોય તેવી છાપ ઉભી થવા પામી છે.
લોકડાઉનના સમયે સ્વભાવિક રીતે જ એસટી બંધ કરાતા અત્યારે ટ્રાફીક ઓછો છે અને તે ટ્રાફીક પુર્વવત થતા 6 મહિના થશે પરંતુ ત્યાં સુધી એસટી બંધ કરી દેવામાં આવે તો જે લોકો પુન: કામ ધંધા શરૂ કરવા માટે મહેનત કરી રહયા છે તેને શું સમજવાનું ? સરકાર ખોટા ધ્ાુમાડાઓ બંધ કરી આવી જગ્યાએ ધ્યાન આપે તે જરૂરી છે.