અમિત મિશ્રા-ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર

દિલ્હી કેપિટલ્સના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રા અને સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાંથી બહાર થઈ ચૂક્યા છે. ભુવનેશ્વર આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર થઈ શકે છે. અમિત મિશ્રાની જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર છે. શારજાહામાં કેકેઆર સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તો ભુવનેશ્વર કુમારની પગની માંસપેશીઓમાં ખેંચને કારણે ઈજાગ્રસ્ત થયો હતો.
૩ ઓક્ટોબરે રમાયેલ કેકેઆરની મેચમાં ૩૭ વર્ષીય અમિત મિશ્રા નીતિશ રાણાનો કેચ પકડવાની કોશિશમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજા થઈ હોવા છતાં પણ તેણે પોતાની બોલિંગ પૂરી કરી હતી. એટલું જ નહીં, તેણે શુભમન ગિલની વિકેટ પણ લીધી હતી. તો ૨ ઓક્ટોબરના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સની સામે ઇનિંગની ૧૯મી ઓવર દરમિયાન ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થયો હતો અને ફક્ત એક બોલ ફેંક્યા બાદ મેદાનની બહાર જતો રહૃાો હતો.
અમિત મિશ્રાની દિલ્હી કેપિટલ્સની ટીમ મેનેજમેન્ટે જણાવ્યું કે, મિશ્રાની રિંગ ફિંગરમાં ફ્રેક્ચરને કારણે તે આઈપીએલ ટુર્નામેન્ટમાંથી બગાર થઈ ગયો છે. જ્યારે ભુવનેશ્વર કુમારની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. પણ આ ૩૦ વર્ષીય બોલર્સને ફીટ થતાં છથી આઠ અઠવાડિયાનો સમય લાગી શકે છે. અને આ કારણે તે વર્ષના અંતમાં યોજાનાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ ખેડી શકશે નહીં.