અમેરિકનો બૌદ્ધિક રીતે ચૂંટણી લડે ને આપણે તો બકવાસનો તોપમારો

ભારતમાં હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે ને સાથે સાથે કેટલાંક રાજ્યોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી છે. અમેરિકામાં પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે ને પ્રમુખપદની ચૂંટણીનો જંગ જામ્યો છે. હવે પછીનાં ચાર વર્ષ માટે અમેરિકાના ભાગ્યવિધાતા બનવા માટે ડોનલ્ડ ટ્રમ્પ ને જો બાઈડન વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. આ બંને ચૂંટણી જંગની સરખામણી કરો તો ભારત અને અમેરિકા વચ્ચે શું ફરક છે એ ખબર પડે. બલ્કે અમેરિકા કેમ દુનિયાનો દાદો દેશ છે ને આપણે કેમ પછાત રહી ગયા છીએ તેની ખબર પડે.

આપણે ત્યાં ચૂંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચલાવે છે ને જાહેરમાં બકવાસ ઠાલવે છે ત્યારે અમેરિકામાં અમેરિકાના હિતના મુદ્દા વિશે વાતો થાય છે. બહુ મોટો ફરક એ છે કે, આપણા નેતાઓ પૈસા ને સત્તાના જોરે ભેગાં કરેલાં ઘેટાનાં ટોળાં જેવા લોકોની ભીડ એકઠી કરીને ભરાતી સભાઓમાં પોતાનું જ્ઞાન ઠાલવે છે જ્યારે અમેરિકામાં પ્રમુખ બનવા માગતા બંને દાવેદારો લોકો સામે ઊભા રહીને ચર્ચા કરે છે. અમેરિકા માટે પોતે શું કરશે તેની વાત કરે છે ને વિરોધીઓની દલીલનો જવાબ પણ આપે છે. આ સરખામણી લાંબી ચાલ્યા જ કરશે તેથી તેની વાત નથી કરતા પણ ટ્રમ્પ અને બાઈડનની ચર્ચામાં ઊઠેલા ગ્લોબલ વોર્મિંગના મુદ્દાની વાત કરી લઈએ.

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સદાબહાર વિષય છે ને તેના પર લાંબા સમયથી ચર્ચા ચાલ્યા કરે છે. આપણે ત્યાં સ્વ. જિતેન્દ્ર તળાવિયાએ આખી જિંદગી આ ગ્લોબલ વોર્મિંગ વિશે હજારો લોકોને લોકશિક્ષણ આપ્યા કર્યું. એને કારણે લાખો ઝાડવા વવાયા ને ઉછર્યા પણ ખરા. વૈશ્વિક સ્તરે આવી ચર્ચાનું કોઈ નક્કર પરિણામ નથી આવતું કેમ કે દુનિયાના મોટા કહેવાતા દેશો જ ગ્લોબલ વોર્મિગ માટે સૌથી વધારે જવાબદાર છે અને તેમને નાથવાની કોઈની તાકાત નથી. એકાદ દાયકા પહેલાં ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો બહુ ચગ્યો પછી યુવાઈટેડ નેશન્સે શરમમાં ને શરમમાં તેના ઉકેલ માટે પહેલ કરીને દુનિયાભારના દેશોને ભેગા કરીને કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન ઘટે એ માટે પેરિસ કરાર કરાવડાવેલો. દુનિયાના 196 દેશો આ કરારમાં જોડાયેલા ને અમેરિકા પણ કમને જોડાયેલું. ગ્લોબલ વોર્મિંગ મુદ્દે અમેરિકાના માથે પણ સતત માછલાં ધોવાય છે તેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલ માટેની સંધિમાં અમેરિકાએ જોડાવું પડેલું, બરાક ઓબામા પણ તેને માટે જવાબદાર હતા કેમ કે ઓબામા પ્રમાણમાં ખુલ્લા મનના માણસ હતા.

ઓબામા ગયા ને ટ્રમ્પ આવ્યા પછી અમેરિકામાં આખું ચિત્ર બદલાઈ ગયું. ટ્રમ્પ બિઝનેસમેન છે તેથી બધું નફા-નુકસાનની રીતે જ જુએ છે. અમેરિકા પેરિસ સંધિની શરતો પાળવા જાય તો તેના ધંધા ઠપ્પ થઈ જાય એટલે ટ્રમ્પે ઘૂરકિયાં કર્યા ને પછી આ સંધિમાંથી બહાર નિકળી ગયું. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા પર ખતરનાક અસરો થશે તેવી ચેતવણીઓ વરસોથી અપાય છે. અમેરિકા દુનિયાનો અગ્રણી દેશ છે ત્યારે તેણે આ ચિંતા દૂર કરવાની આગેવાની લેવાની હોય તેના બદલે ટ્રમ્પે સાવ વારતાઓ જ કરી ને ઓબામાના શાસનકાળ દરમિયાન થયેલી પર્યાવરણના સંરક્ષણ માટેની પેરિસ સંધિમાંથી બહાર નીકળીને સમગ્ર વિશ્વને આંચકો આપી દીધેલો.

અમેરિકામાં આ પ્રકારના મુદ્દા વિશે લોકો સભાન છે તેથી લાંબા સમયથી ત્યાં ટ્રમ્પે સારું કર્યું કે ખોટું કર્યું તેની ચોવટ ચાલ્યા જ કરે છે. પ્રમુખપદની ચૂંટણીમાં બાઈડને તેને મુદ્દો બનાવ્યો છે. પોતાની સરકાર આવશે તો ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે શું કરશે તેનો આખો પ્લાન અમેરિકનો સામે મૂક્યો છે. ટ્રમ્પે પેરિસ સંધિમાંથી બહાર નિકળીને ભૂલ કરી છે એવો મુદ્દો બાઈડને ઉઠાવ્યો છે. ગુરૂવારની બંનેની ચર્ચામાં પણ એ મુદ્દો ચર્ચાયો. ટ્રમ્પે પોતાના પગલાંનો એમ કહીને બચાવ કર્યો કે, પેરિસ સંધિના કારણે હું લાખો નોકરીઓ કે હજારો કંપનીઓનું બલિદાન ના આપી શકું. પેરિસ સંધિને માનીએ તો આપણે કરેલું અબજો ડોલરનું રોકાણ માથે પડે ને એ આપણને ન પરવડે.

ટ્રમ્પે પેરિસ સંધિને અમેરિકા માટે અન્યાયી પણ ગણાવી અને દાવો કર્યો કે, અમેરિકાનાં હિતો માટે પોતે સંધિમાંથી ખસી ગયા. આ બધી વાતો આપણા માટે એટલી મહત્ત્વની નથી કેમ કે ટ્રમ્પને પોતાના દેશનાં હિતો સાચવવાનો અધિકાર છે પણ પોતાના બચાવ માટે તેમણે ભારતનો ઉલ્લેખ કર્યો તેની વાત કરવી જરૂરી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, વિશ્વમાં સૌથી શુદ્ધ હવા, પાણી અમેરિકામાં છે ને સૌથી ઓછું નુકસાનકારક કાર્બન ઉત્સર્જન અમેરિકામાં થાય છે. બાકી ચીન, રશિયા ને ભારત તરફ જુઓ. આ દેશોમાં હવા એકદમ ગંદી છે.

ભારતમાં હવા અશુદ્ધ છે એ વાત સાચી છે. અમેરિકા સાથેની સરખામણીમાં શું સ્થિતિ છે એ ખબર નથી પણ આપણા દેશની હવાની શુદ્ધતા બહુ વખાણવા જેવી નથી જ. આ સ્થિતિમાં હકીકતની રીતે ટ્રમ્પે સાચું જ કહ્યું છે, પણ ટ્રમ્પને એ બધી પંચાત કરવાનો અધિકાર નથી. ટ્રમ્પ પેરિસ સંધિને વળગી રહ્યા હોત ને દુનિયામાં પર્યાવરણના રક્ષણ માટેની લડતમાં સહકાર આપતા હોત તો તેમની વાત બરાબર હતી. એ સંજોગોમાં તેમની વાત સાંભળવી પડે પણ એ પોતે તો હાથ ખંખેરીને ઊભા થઈ ગયા છે ને બીજાંના દોષ ગણાવવા હાલી નિકળ્યા છે. ટ્રમ્પે પર્યાવરણના રક્ષણ માટે પોતે કશું કરવું નથી. અમેરિકાનાં હિતો સાચવવા માટે કશું છોડવું નથી ને દુનિયાના બીજા દેશો સામે આંગળી ચીંધવા નિકળ્યા છે એ કમાલ ને બેવકૂફી કહેવાય. પોતાની લીટી મોટી બતાવવા ટ્રમ્પ ભારતની કે ચીનની હવા વિશે કોમેન્ટ કરે એ ડાહી સાસરે જાય નહીં ને પાગલને શીખામણ આપે એવી વાત છે.

ટ્રમ્પને બીજા કારણસર પણ આ વાત કરવાનો હક નથી. દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના વધારા માટે કાર્બન ડાયોક્સાઈડનું થોકબંધ ઉત્પાદન જવાબદાર ગણાય છે. કાર્બન ડાયોક્સાઈડના ઉત્પાદનમાં ચીન દુનિયામાં સૌથી મોખરે છે. વિશ્વના કાર્બન ડાયોક્સાઈડના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 22 ટકા છે ને અમેરિકા એ પછી બીજા નંબરે છે. અમેરિકાનું યોગદાન 27 ટકા છે. ત્રીજા નંબરે 10 ટકા સાથે યુરોપીયન યુનિયન છે ને આપણે તો 7 ટકા સાથે ચોથા સ્થાને છીએ. યુરોપીયન યુનિયન તો 27 દેશોનો સમૂહ છે તેથી તેને તો ગણતરીમાં લેવાય પણ નહીં પણ આપણા કરતાં અમેરિકા બમણો કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે ને પછી આપણી હવા ગંદી છે એવી વાત કરે છે. આ ગંદી હવા માટે અમેરિકા પણ જવાબદાર છે પણ પોતાનાં અપલખ્ખણ તેને દેખાતાં નથી ને બીજાંની પંચાત કરે છે.

ચીન અને અમેરિકાએ આખી દુનિયાના પર્યાવરણની પત્તર ખાંડી નાખી છે એ જગજાહેર છે ને પર્યાવરણ માટે લડતી 16 વર્ષની ગ્રેટા થનબર્ગે તો આ માટે ટ્રમ્પને જાહેરમાં લઈ પાડેલા. ન્યૂયોર્ક ખાતે યુ.એન.ની ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં માત્ર 16 વર્ષની ગ્રેટાએ જે સવાલો ઉઠાવ્યા તેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પથી માંડીને યુ.એન.ના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટારેસ સુધીના દુનિયાભરના તમામ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી. ગ્રેટાએ દુનિયાના કહેવાતા મોટા દેશો પર સીધું જ પર્યાવરણનું સત્યાનાશ વાળવાનું આળ મૂકીને કહેલું કે, આ મહાપાપ કરીને આ મોટા કહેવાતા દેશો ભાવિ પેઢીનું બાળપણ અને સપનાંને છીનવી રહ્યાં છે. પર્યાવરણનું નિકંદન કહેવાતા વિકસિત દેશોના કારણે નિકળી રહ્યું છે એ આખી દુનિયા જાણે છે પણ તેમના મોં પર આ વાત કહેવાની કોઈની હિંમત નથી ચાલતી. ગ્રેટાએ આ હિંમત બતાવીને અમેરિકા સહિતના દેશોને તેમની અસલિયત બતાવી દીધી હતી આ હિંમતના કારણે ગ્રેટા રાતોરાત વિશ્વભરમાં મર્દાની તરીકે સ્થાપિત થઈ ગઈ હતી.

કમનસીબે દુનિયામાં સત્તા પર બેઠેલા લોકોમાં ગ્રેટા જેવી હિંમત નથી. અમેરિકા દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ છે ને દુનિયાના પચાસ ટકા દેશો તેની મહેરબાની પર ટકેલા છે તેથી તેની સામે બોલતાં બધાંની ફાટે છે. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે? આ બધામાં આપણે પણ આવી ગયા કેમ કે ટ્રમ્પે આપણા પર કોમેન્ટ કરી પછી આપણી સરકાર તો ચૂપ જ છે. મોદી સરકારે ટ્રમ્પની વાત સામે પ્રતિક્રિયા પણ નથી આપી કેમ કે ટ્રમ્પ સામે બોલવાની હિંમત જ નથી. આ સ્થિતિ બધા દેશોમાં છે તેમાં ટ્રમ્પ એમ માની બેઠા છે કે, આપણને લોકોને ફાવે એમ બોલવાનો હક છે, જેને જે કહેવું હોય એ કહેવાની છૂટ છે ને ગમે તેનો ન્યાય કરવાનો અધિકાર છે. ટ્રમ્પનો આ ભ્રમ ભાંગવાની જરૂર છે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ગંભીર છે ને તેનો ઉકેલ લાવવામાં ભારતે પણ યોગદાન આપવું જોઈએ તેમાં શંકા નથી. એક જવાબદાર રાષ્ટ્ર તરીકે ભારતે એ ભૂમિકા ભજવવી જ જોઈએ પણ આ સમસ્યા માત્ર ભારતના કારણે નથી ત્યારે ભારતે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવો જોઈએ. ભારતની ગંદી હવા એ ભારતનો પ્રશ્ર્ન છે ને તેનો ઉકેલ અમે લાવીશું, તેની તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી એવું સ્પષ્ટ શબ્દોમાં ભારતે ટ્રમ્પને કહેવું જોઈએ.