અમેરિકન ચૂંટણીનું પરિણામ પાછું ઠેલાતા પુનઃ દુનિયામાં સતત વધતી જતી ઉત્તેજના

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પ વર્સીસ જો બાઈડનનો જંગ રિયલ થ્રિલર જેવો બની ગયો છે. આ જંગમાં કોણ જીતે છે તેની ખબર આ લેખ વાંચતા હશો ત્યાં લગીમાં પડી ગઈ હશે. એ ખબર ન પડી હોય ને પરિણામનો મામલો કોર્ટમાં પહોંચ્યો હોય એ પણ શક્ય છે. અમેરિકામાં મંગળવારે સાંજે ને ભારતમાં બુધવારે વહેલી સવારે મતદાન પત્યા પછી મતગણતરી શરૂ થઈ પછી અણધાર્યા ઘણા ટ્વિસ્ટ આવ્યા છે એ જોતાં મામલો કોર્ટમાં પહોંચે એવો ટ્વિસ્ટ આવ્યો હોય તો તેમાં આશ્ચર્ય નહીં થાય.

આપણે ધાર્યો ના હોય એવો કોઈ નવો ટ્વિસ્ટ આવી ગયો હોય એવું પણ બને. જે કંઈ બનશે તે વાગતું વાગતું સામે આવશે અથવા આવી ગયું હશે તેથી તેની વાત નથી કરતા પણ આ ચૂંટણીએ બે વાતો સાબિત કરી તેની વાત કરી લઈએ. પહેલી વાત એ કે, ભારત હોય કે અમેરિકા, મતદારોના મનને પારખવામાં બધા થાપ ખાય જ છે. બીજી વાત એ કે, કાગડા બધે કાળા છે ને રાજકારણી બધા સરખા જ છે. પોતાની જીત માટે સાવ છેલ્લા પાટલે બેસતાં તેમને જરાય શરમ નથી નડતી કે બેશરમીની હદ વટાવવામાં કોઈ છોછ નથી લાગતો.

અમેરિકાની આ ચૂંટણીમાં જો બાઈડન સરળતાથી જીતશે ને ટ્રમ્પનો વરઘોડો ઘરે આવશે એવી આગાહીઓ બધાં કરતાં હતાં પણ આ આગાહી સાચી નથી પડી. અમેરિકાના મોટા ભાગના સર્વે છાતી ઠોકીને કહેતા હતા કે, બાઈડન મતગણતરીના શરૂઆતના તબક્કામાં જ જીત મેળવીને ટ્રમ્પનું પડીકું કરી નાંખશે પણ બધા ખોટા પડ્યા છે. ટ્રમ્પ જીતે કે બાયડન, આ જંગ બે બળિયાનો રહ્યો છે ને જોરદાર ટક્કર થઈ છે એ દેખાય જ છે. આપણે ત્યાં ઓપિનિયન પોલ ને એક્ઝિટ પોલવાળા ઊંધા માથે પછડાય છે એવું અમેરિકામાં પણ થયું છે. અમેરિકામાં આપણી જેમ ઠોકાઠોક બધું ચાલતું નથી. લોકો ઈમાનદારીથી જવાબ આપે છે ને સાયન્ટિફિક રીતે પોલ થાય છે એવી બધી વાતોની હવા આ પરિણામોએ કાઢી નાખી છે. ગણતરીના લોકોને પૂછીને પ્રજામતના નામે તમે લોકોને ઊઠાં ન ભણાવી શકો એ આ ચૂંટણીનો બોધપાઠ છે.

અમેરિકા હોય કે બીજો કોઈ દેશ હોય, બધાં રાજ્યોમાં રાજકીય રીતે સ્થિતી સરખી હોય છે. કોઈ વિસ્તારમાં કોઈ રાજકીય પક્ષ કે નેતાનું વર્ચસ્વ હોય ને બીજે ઠેકાણે બીજા બીજાનું વર્ચસ્વ હોય. મોટા ભાગના પોલ ભલે લોકોને પૂછી પૂછીને કરાયા હોવાના દાવા કરતા હોય પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને જ તેનાં તારણો બહાર પડાતાં હોય છે. આ વખતના ઓપિનિયન પોલમાં એવી આગાહીઓ થતી હતી કે, ટ્રમ્પના વર્ચસ્વવાળા વિસ્તારોમાં પણ બાઈડન ગાબડાં પાડી દેશે પણ એ માન્યતા પણ ખોટી પડી છે. બંને પક્ષોનું જ્યાં પણ વર્ચસ્વ છે ત્યાં બંનેને જીત મળી છે.

બીજી વાત એ કે, આ જંગે રાજકારણીઓની અસલી જાતને પણ ઉઘાડી પાડી દીધી. ટ્રમ્પે મતદાન પછી જે ધમપછાડા કર્યા એ જોયા પછી ટ્રમ્પ આપણા ત્યાંના કોઈ રાજકારણી જેવો જ લાગે. હજુ મતગણતરી પૂરી નહોતી થઈ ત્યાં તો ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઊભા ઊભા જ પોતે જીતી ગયા છે એ જાહેર કરી દીધું. અમેરિકામાં તમામ સ્ટેટમાં ગવર્નર હોય છે કે જે સર્વેસર્વા ગમાય ને સાથે સાથે એસેમ્બલી હોય કે જેમાં પ્રજાના પ્રતિનિધી હોય. ગવર્નર અને એસેમ્બલી બંને જાહેર કરે એ જ પરિણામ માન્ય ગણાતું હોય છે. ટ્રમ્પે કોઈ જાહેરાત વિના જ પોતાની મેળે પોતાને વિજેતા જાહેર કરી દીધા. એ તો ઠીક પણ પછી બાઈડનની તરફેણમાં મત પડવા માંડ્યા એ જોયા પછી તો આપણા નેતાઓ જ યાદ આવી ગયા.

આપણે ત્યાં હારેલા નેતાઓ ચૂંટણીમા ગરબડ થઈ ને એવાં રોદણાં રડવા બેસી જતા હોય છે. કંઈ ના મળે તો છેવટે ઈવીએમમાં ગાલમેલ થયાનું બહાનું તો હાથવગું હોય જ છે. ટ્રમ્પે ટિપિકલ એ જ સ્ટાઈલમાં બાઈડનના માણસો ફ્રોડ કરી રહ્યા છે એવું એલાન કર્યું ને પછી તાત્કાલિક મતગણતરી બંધ કરાવવાનું એલાન કરી દીધું. અમેરિકામાં સ્ટેટ સ્વતંત્ર છે ને પ્રમુખ હોય કે બીજું કોઈ હોય, કોઈની સાડાબારી રાખતાં નથી તેથી ટ્રમ્પના ફતવાની અસર ના થઈ તેથી ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકી આપી. એ ધમકીની પણ અસર ના થઈ એ અલગ વાત છે, પણ ટ્રમ્પે જે ત્રાગાં કર્યાં એ અભૂતપૂર્વ છે.

ટ્રમ્પ ભારતના રાજકારણીઓ પાસેથી આ બધું શીખ્યા કે શું એવો સવાલ થાય એવું તેમનું વર્તન હતું. અલબત્ત અમેરિકાના મીડિયામાં ને આપણા મીડિયામાં શો ફરક છે એ પણ આ ટ્રમ્પના ધમપછાડા પછી જોવા મળ્યું. ટ્રમ્પે પોતાને વિજેતા જાહેર કર્યા તેની સામે મીડિયાએ જ મોરચો માંડ્યો ને ટ્રમ્પને મોં પર જૂઠા હોવાનું કહી દીધું. આપણે ત્યાં મીડિયા આવી હિંમત બતાવે એ દિવસ કદી આવશે કે નહીં એ ખબર નથી.

અમેરિકામાં ટ્રમ્પ વર્સીસ બાઈડનનો જંગ પોલિટિકલ થ્રિલર જેવો બની ગયો ને આ જંગે ૨૦૦૦માં જ્યોર્જ બુશ વર્સીસ અલ ગોરેના જંગની યાદ અપાવી દીધી. ઈલેક્ટોરલ સિસ્ટમના કારણે એક જ સ્ટેટ ક્યારેક આખું પરિણામ ફેરવી દેતું હોય છે ને ટ્રમ્પ વર્સીસ બાઈડનના જંગમાં એવું બનવાની પૂરી શક્યતા છે કેમ કે બધો આધાર ત્રણ મહત્ત્વનાં સ્ટેટ પર આવી ગયો. આ જંગમાં ખરેખર શું થાય છે તેની ખબર આ લેખ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ પડી ગઈ હશે પણ છેક છેલ્લી ઘડી સુધી બધાંના જીવ તાળવે રહે એવી સ્થિતિ તો થઈ જ ગઈ. ૨૦૦૦માં જ્યોર્જ બુશ પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે અત્યાર કરતાં પણ જોરદાર જંગ જામેલો ને છેવટે એક જ સ્ટેટના આધારે અમેરિકાના પ્રમુખપદે કોણ બેસશે એ નક્કી થાય એ સ્થિતિ આવી ગયેલી.

બુશ અને ગોરે વચ્ચે છેક સુધી કસોકસ સ્પર્ધા હતી. છેલ્લે ફ્લોરિડાના ઈલેક્ટોરલ મત કોને મળે તેના પર કોણ પ્રમુખ બનશે તેનો મદાર હતો. ફ્લોરિડામાં ૨૫ ઈલેક્ટોરલ વોટ હતા. ફ્લોરિડા સિવાયના સ્ટેટના મતોના આધારે અલ ગોરે બહુ આગળ નીકળી ગયેલા. ગોરેને ૨૬૬ મત મળેલા ને બુશને ૨૪૬ મત મળેલા. અલ ગોરેને જીતવા માટે ચાર મતની જરૂર હતી. ફ્લોરિડામાં ગોરેની સ્થિતિ મજબૂત હતી તેથી બધાંએ માની લીધેલું કે ગોરે જીતી જશે પણ પરિણામ કંઈક અલગ જ આવ્યું.

ફ્લોરિડામાં મતગણતરી શરૂ થઈ ને તેમાં જે ચડસાચડસી જોવા મળી એ કોઈ થ્રિલરને ટક્કર મારે એવી હતી. અમેરિકાની કોઈ ચૂંટણીમાં આવા ચડાવઉતાર જોવા નથી મળ્યા. બુશ એક તબક્કે ગોરે કરતાં ૧ લાખ મતથી આગળ નીકળી ગયેલા પણ પછી ગોરેનાં બૂથ ખોલવા માંડ્યાં એટલે બુશની લીડ ઘટવા માંડી. છેવટે બુશ માત્ર ૩૦૦ મતે આગળ રહેલા. ફ્લોરિડા સ્ટેટની બહાર રહેતા સૈનિકોના મતોની ગણતરી કરાઈ પછી બુશની લીડ વધીને ૫૩૯ મત થઈ. બુશ વધારે મત મેળવીને સીધી રીતે વિજેતા થયેલા પણ આ લીડ બહુ ઓછી હતી તેથી ગોરેએ રીકાઉન્ટ માગ્યું.

ગોરેએ આખા ફ્લોરિડાના મતોની ફરી ગણતરી કરવાની માગણી કરેલી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો ને છેવટે બુશની તરફેણમાં ચુકાદો આવ્યો. આખા ફ્લોરિડાની મતગણતરી કરાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો. મતગણતરી અટકાવી દેવાઈ ત્યારે બુશ ગોરે કરતાં આગળ હતા તેથી તેમને ફ્લોરિડાના ૨૫ ઈલેક્ટોરલ મત મળી ગયા ને તેમના મત ૨૭૧ થઈ ગયા. બહુમતી માટે જરૂરી ૨૭૦ મત કરતાં માત્ર એક મત વધારે મેળવીને બુશ પ્રમુખ બની ગયા હતા. જેને પોપ્યુલર મતો કહેવાય છે એ બંને ઉમેદવારને મળેલા વ્યક્તિગત રીતે કુલ મતોનો સરવાળો કરો તો અલ ગોરેને લગભગ સાડા પાંચ લાખ મત વધારે મત મળેલા પણ ઈલેક્ટોરલ કૉલેજની બલિહારી કે જ્યોર્જ બુશ વિજેતા જાહેર થયા હતા.

બુશે બાઈડન સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકી આપી છે તેના પરથી લાગે છે કે, આ વખતે પણ ૨૦૦૦ જેવી હાલત થઈ શકે ને છેવટે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે જ નિવેડો આવે પછી કોણ જીતશે એ નક્કી થાય. જે ત્રણ સ્ટેટ બાકી હતાં તેમાં ટ્રમ્પ આગળ હતા પણ તેમને મત કપાવાનો ડર લાગતો હશે તેથી તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકી આપવી પડે કે શું એ રામ જાણે, પણ ટ્રમ્પ ખરેખર સુપ્રીમ કોર્ટમાં જશે તો આ ચૂંટણીમાં વધુ એક ટ્વિસ્ટ આવશે. સુપ્રીમ કોર્ટમાં મામલો ના જાય તો પણ બંને વચ્ચે ગળાકાપ હરીફાઈ થઈ છે એ દેખાય છે. ૨૦૦૦માં માત્ર ૫૩૯ મત વધારે લઈ જનારા બુશ અમેરિકાના પ્રમુખ બની ગયા ને પછી બીજી ટર્મ પણ જીતીને સળંગ ૮ વર્ષ પ્રમુખપદે રહ્યા હતા. બીજી તરફ ૫૩૯ મત ઓછા મળ્યા તેમાં અલ ગોરેની કારકિર્દી પતી ગઈ હતી. આ વખતે શું થશે ?