અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે જેનો સિતારો ચમક્યો એ બાઈડન શુકનવંતા છે

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના રોમાંચનો તો અંત આવી ગયો ને ડોનલ્ડ ટ્રમ્પ વર્સીસ જો બાઈડનના જંગમાં છેવટે બાઈડન જીતી ગયા. ટ્રમ્પે પોતાની હારને રોકવા માટે જાત જાતના ઉત્પાત કરી જોયા. કાનૂની લડાઈની ચેતવણીઓ આપી જોઈ, પ્રમુખ તરીકેની સત્તાનો દુરૂપયોગ કરીને મતગણતરી રોકવાના ધમપછાડા પણ કરી જોયા, પોતાના સમર્થકોને રસ્તા પર ઉતારીને તણાવ પેદા કરવાની મથામણ પણ કરી જોઈ. બાઈડને મતગણતરીમાં ગોટાળા કર્યા છે ને ખોટા મતો નખાવ્યા છે એવા આક્ષેપો પણ કર્યા. આ બધામાંથી કશું ન ચાલ્યું એટલે હતાશામાં બેફામ બકવાસ પણ કરી જોયા. અમેરિકામાં લોકશાહી ને તંત્ર બંને સાબૂત છે. ત્યાં વ્યક્તિપૂજા નથી તેથી તંત્ર, ન્યાયતંત્ર બધે બેઠેલા લોકોએ ટ્રમ્પની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખીને ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રાખી. આ પ્રક્રિયાના અંતે બાઈડનની જીત થઈ ને બાઈડન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના જંગના વિજેતા જાહેર થઈ ગયા.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે મીડિયાએ બાઈડનની જીતની આગાહી કરી નાખેલી. મતગણતરી શરૂ થઈ ત્યારે એવું લાગતું હતું કે, મીડિયાએ થાપ ખાધી છે ને ટ્રમ્પને ઓછા આંક્યા છે. એક તબક્કે તો એવું લાગતું હતું કે, બાઈડનને બહુ માથે ચડાવી દેવાયા છે ને ટ્રમ્પ સરળતાથી જીતીને બીજી ટર્મ માટે પ્રમુખ બનશે પણ મતગણતરીના અંતે અમેરિકાનું મીડિયા પણ સાચું પડ્યું છે. જે આગાહીઓ થતી હતી એવી જંગી બહુમતીથી જ બાઈડન જીત્યા છે ને ટ્રમ્પ મોંભેર પછડાયા છે. અમેરિકાના મતદારો પરિપક્વ છે, અમેરિકાનું મીડિયા પણ તટસ્થ છે તેનો અહેસાસ આ પરિણામો પછી થાય.
બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એ સાથે જ કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બની ગયાં છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણીની સાથે બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપપ્રમુખ એટલે કે વાઈસ પ્રેસિડેન્ડની ચૂંટણી થાય છે. અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટણી માટે અલગ મતદાન નથી થતું પણ પ્રમુખપદની ચૂંટણી લડનાર ઉમેદવાર રનિંગ મેટની પસંદગી કરીને પોતે પ્રેસિડેન્ટ હસે તો વાઈસ પ્રેસિડેન્ટ કોણ બનશે એ પહેલાંથી નક્કી કરી નાખે છે. પ્રમુખપદના ઉમેદવાર પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાય એટલે આપોઆપ તેમના રનિંગ મેટ પણ વાઈસ પ્રેસિડેન્ટ બની જાય છે. જો બાઈડન બરાક ઓબામાના રનિંગ મેટ હતા તેથી આ રીતે જ બે વાર અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ બનેલા. જોસેફ બાઈડને પોતાનાં રનિંગ મેટ તરીકે કમલા હેરિસને પસંદ કર્યાં હતાં તેથી બાઈડન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાતાં કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બની ગયાં છે. અમેરિકામાં મૂળ ભારતીયો મોટી સંખ્યામાં છે પણ આવા મોટા હોદ્દા પર કોઈ મૂળ ભારતીય પહોંચ્યા નથી, તેથી કમલા વાઈસ પ્રેસિડેન્ટ બને છે કે નહીં એ જાણવામાં સૌને રસ હતો. અમેરિકામાં હજુ સુધી પ્રેસિડેન્ટ કે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કોઈ મહિલા આવી નહોતી.
અમેરિકાની ગણના દુનિયાના સૌથી સુધરેલા દેશમાં થાય છે પણ જાણીને આઘાત લાગશે કે, હિલેરી ક્લિન્ટનને બાદ કરતાં હજુ સુધી બીજી કોઈ મહિલાને ડેમોક્રેટિક અને રીપબ્લિકન એ બે મુખ્ય પાર્ટીએ પ્રમુખપદ માટેની ઉમેદવાર બનાવી નથી. હિલેરી ક્લિન્ટન 2016માં ડોનલ્ટ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર હતાં પણ હારી ગયેલાં. આ બંને મુખ્ય પક્ષમાં પ્રમુખપદના ઉમેદવાર બનાનારા નેતાઓ પણ રનિંગ મેટ તરીકે મહિલાઓને પસંદ કરતા નથી. કમલા હેરિસ પહેલાં માત્ર બે વાર એવું બન્યું છે કે, બંને મુખ્ય પક્ષમાંથી કોઈ એક પક્ષના પ્રમુખપદના ઉમેદવારે રનિંગ મેટ તરીકે મહિલાને પસંદ કર્યાં હોય પણ બંને વાર ઉમેદવાર જ હારી ગયા તેમા મહિલા ઉમેદવારો પણ ઘરભેગા થઈ ગયા.
હોલીવૂડના સુપરસ્ટાર અને કાઉ બોય તરીકે વિખ્યાત રોનાલ્ડ રેગન 1984માં બીજી વાર પ્રમુખપદની ચૂંટણીમાં ઉતર્યા ત્યારે તેમની સામે ડેમોક્રેટિક પાર્ટીના વોલ્ટર મોન્ડેલ મેદાનમાં હતા. મોન્ડેલે ગેરલ્ડાઈન ફેરારોને રનિંગ મેટ બનાવેલાં. રેગનની લોકપ્રિયતા એવી જબરદસ્ત હતી કે, મોન્ડેલને એક માત્ર મીનેસોટા સ્ટેટમાં જીત મળેલી. રેગનને બાકીનાં રાજ્યોમાં જીત સાથે 125 ઈલેક્ટોરલ વોટ મળેલા. મોન્ડેલને માત્ર 13 મત મળેલા ને મોન્ડેલની સાથે સાથે ફેરારો પણ ઘરભેગાં થઈ ગયાં. સાથે 2008માં બરાક ઓબામા પહેલી વાર પ્રમુખપદની ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે રીપબ્લિકન પાર્ટીના જોહ્ન મેકકેઈન ઉમેદવાર હતા. મેકકેઈને રૂપકડાં સારાહ પાલિનને રનિંગ મેટ બનાવેલાં પણ મેકકેઈન હારી ગયાં તેમાં સારાહની કરીયર પણ પતી ગઈ.
આ રેકોર્ડ જોયા પછી બાઈડને કમલા હેરિસને રનિંગ મેટ બનાવવાની હિંમત કરી એ બદલ તેમને દાદ દેવી પડે. કમલાને રનિંગ મેટ બનાવ્યાં પછી એવી વાતો થતી જ હતી કે, બાઈડનના હાલ પણ મોન્ડેલ અને મેકકેઈન જેવા થશે પણ બાઈડનને પોતાની ગણતરીઓ પર ભરોસો હતો તેથી તેમણે આ વાતો પર ધ્યાન ના આપ્યું. તેનું પરિણામ આપણી સામે છે ને કમલા હેરિસ ઈતિહાસ રચી ગયાં છે. આપણે કમલાની જીતથી બહુ ગર્વ અનુભવીએ છીએ ને એક ભારતીયે મોટી સિદ્ધિ મેળવી હોય એમ ફુલાઈએ છીએ પણ તેમાં ગર્વ અનુભવવા જેવું કશું નથી. કમલાની સિદ્ધિ મોટી છે પણ તેને ભારતીય હોવા સાથે કંઈ લેવાદેવા નથી કેમ કે કમલા તો નખશિખ અમેરિકન છે. કમલાના નાના પી.વી. ગોપાલન ટોચના ભારતીય રાજદ્વારી હતા તેથી કમલા હેરીસનાં મૂળિયાં તમિલનાડુમાં છે. શ્યામલાએ પોતાનાં ભારતીય મૂળની યાદ જાળવવા પોતાની બંને દીકરીઓનાં નામ હિંદુ છોકરીઓ જેવાં રાખ્યાં છે તેથી કમલા ભારતીય લાગે પણ એ વાતને બાદ કરો તો ભારત સાથે તેમનું કોઈ કનેક્શન નથી.
કમલાનાં માતા શ્યામલા ગોપાલન હેરિસ બ્રેસ્ટ કેન્સર સાયન્ટિસ્ટ હતાં ને 1960માં મદ્રાસથી અમેરિકા ગયાં હતાં. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે ને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે. ડોનાલ્ડ હેરિસ 1961માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા અમેરિકા આવેલા ને પછી અમેરિકા જ રહી ગયા. બંને કોલેજ કાળમાં નાગરિક અધિકારો માટે લડતાં હતાં ત્યારે પરિચયમાં આવેલાં ને પ્રેમમાં પડીને પરણી ગયાં. કમલાનાં માતા-પિતા, કમલા પોતે ને તેમની બહેન માયા એ બધાં અમેરિકાને સમર્પિત છે. તેમની કર્મભૂમિ અમેરિકા છે ને કમલા-માયાની તો જન્મભૂમિ પણ અમેરિકા છે એ જોતાં આપણા માટે કમલા બીજા કરોડો અમેરિકન જેવાં જ છે. આપણી માનસિકતા ઉછીની સિદ્ધિઓ પર ફૂલણજી બનીને ફરવાની છે તેથી કલમાની સિદ્ધિને આપણે ભારતની સિદ્ધિમાં ખપાવીને રાજી થઈએ છીએ. કમલા હેરિસની સિધ્ધી તેમની પોતાની છે, વરસોના સંઘર્ષ પછી તેમણે પોતાની તાકાત પર મેળવી છે તેથી તેના માટે ગર્વ અનુભવવામાં કશું ખોટું નથી પણ તેમના પર ભારતીયનું લેબલ ચિપકાવવાની જરૂર નથી.
આપણે ત્યાં બીજી એક ચોવટ બાઈડન હવે પ્રેસિડેન્ટ બનતાં ભારત સાથે કેવો વ્યવહાર કરશે તેની ચાલી રહી છે. નરેન્દ્ર મોદીને ડોનલ્ડ ટ્રમ્પ સાથે બહુ સારાસારી હતી એવું ચિત્ર ઊભું કરાયેલું. બંને એકબીજાના લંગોટિયા યાર હોય એ રીતની વાતો કરતા તેના કારણે આ ચિત્ર ઊભું થયેલું. તેના કારણે બાઈડન ભારત તરફ ને મોદી તરફ ખાર રાખશે એવી વાતો પણ ચાલી રહી છે. બાઈડનના પ્રમુખ બનવાથી ભારતને નુકસાન થશે એવા ગપગોળા પણ ચાલી રહ્યા છે.
આ બધી વાતો ને ગપગોળા સંકુચિત માનસિકતા ધરાવતાં લોકોની ભેજાની પેદાશ છે ને તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. આપણને ખરેખર તો ટ્રમ્પ હોય કે બાઈડન કોઈ ફરક પડતો નથી. ભારતે વ્યક્તિગત રીતે બાઈડન કે તેમની ડેમોક્રેટિક પાર્ટી વિરૂદ્ધ પણ કદી વલણ લીધું નથી. મોદી ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા હતા તેમાં કશું ખોટું નહોતું કેમ કે એ બધી વાતો દેશના હિતમાં હતી. ટ્રમ્પને સારું લગાડવા તેમની સાથે નિકટતા દર્શાવવાથી કે ગાઢ મિત્રો હોય એવો દેખાવ કરવાથી ભારતનો લાભ થતો હોય તો એવું કરવું જ જોઈએ. આ મુત્સદ્દીગીરી છે ને મોદીએ મુત્સદ્દીગીરી બતાવીને સારું જ કર્યું. તેનો અર્થ મોદી બાઈડન વિરોધી થઈ ગયા એવો થતો નથી. અમેરિકા માટે પોતાનાં હિતો મહત્ત્વનાં છે એ રીતે ભારત માટે પણ પોતાનાં હિતો મહત્ત્વનાં છે જ એ જોતાં બાઈડન માટે ખાર રાખવાને કોઈ કારણ જ નથી.
બાઈડન પરિપક્વ રાજકારણી છે તેથી તેમને આવી વાત સમજાવાની ના હોય. ને માનો કે, બાઈડન એ વાતનો ખાર રાખશે તો તેની કિંમત બાઈડન ચૂકવશે ને અમેરિકા ચૂકવશે. ભારત દુનિયામાં સૌથી મોટું બજાર છે ને દુનિયાનો કોઈ દેશ તેને અવગણી શકે તેમ નથી. બાઈડન પણ આ વાસ્તવિકતાને નકારી શકે તેમ નથી એ જોતાં ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બલ્કે ભૂતકાળમાં બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા જેવા ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ્સ ભારત પર મન મૂકીને વરસ્યા છે એ જોતાં ભારત માટે બાઈડનનું આગમન સારું સાબિત થઈ શકે તેમ છે. ભારત માટે બાઈડેનને શુકનવંતા માનવામાં આવે છે.