અમેરિકાની ચૂંટણી એટલે મહત્ત્વની છે કે એનો રાષ્ટ્રપ્રમુખ વૈશ્વિક ભાગ્યવિધાતા છે

ભારતમાં હમણાં ચૂંટણીનો ધમધમાટ ચાલે છે ત્યારે અમેરિકામાં પણ ચૂંટણીમય માહોલ છે. આપણે ત્યાં દેશનાં ઢગલાબંધ રાજ્યો બધું ભૂલીને ચૂંટણીમય બની ગયાં છે. બિહારમાં તો વિધાનસભાની સામાન્ય ચૂંટણી છે કે જે હવે પછીનાં પાંચ વર્ષ કોનું રાજ રહેશે તેનો નિર્ણય કરશે. ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાનસભાની થોકબંધ બેઠકોની પેટાચૂંટણી છે તેથી આખા દેશની નજર તેના પર છે. બિહારમાં આજે એટલે કે મંગળવારે બીજા તબક્કાનું મતદાન થશે ને સાત નવેમ્બરે છેલ્લા તબક્કાનું મતદાન થશે. ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં પેટાચૂંટણી છે તેથી સાગમટે મંગળવારે જ મતદાન પતી જશે પણ બધાનું પરિણામ દસમી નવેમ્બરે એટલે કે આવતા મંગળવારે જાહેર થશે.

આપણે ત્યાં મોટા ભાગનું મતદાન મંગળવારે પતી જશે પણ બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન ને મતગણતરી બાકી હોવાથી ચૂંટણીનો ધમધમાટ હજુ આવતા મંગળવાર ને દસમી નવેમ્બર સુધી ચાલશે ત્યારે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનો ધમધમાટ આજે પતી જશે. અમેરિકામાં સિસ્ટમ અલગ છે તેથી ત્યાં લાંબા સમય પહેલાંથી મતદાન શરૂ થઈ જાય છે પણ આજે બુધવારે આ મંગળ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. અમેરિકામાં આ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વર્સીસ જો બાઈડનની ટક્કર છે. અમેરિકનો જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોના પર કળશ ઢોળશે તેનો ફેંસલો આજે થઈ જશે. અમેરિકામાં બાઈડન અને ટ્રમ્પની સાથે લિબર્ટેરિયન પાર્ટીનાં જો જોર્ગનસન, ગ્રીન પાર્ટીના હોવી કોહિન્સ ઉપરાંત રેપર કાયને વેસ્ટ સહિતના કેટલાક અપક્ષો પણ પ્રમુખપદની રેસમાં છે પણ એ જીતે તેમ જ નથી તેથી કોઈ તેમની વાત જ કરતું નથી.

અમેરિકાના મતદારોએ ગઈકાલ સાંજ સુધી મતદાન કરી શકશે ને પછી રાતથી મતગણતરી શરૂ થશે તેથી આખી દુનિયાની નજર હવે પછીનાં બે દિવસ સુધી અમેરિકા પર રહેશે. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. અમેરિકા દુનિયાનું ભાગ્ય નક્કી કરે છે ને અમેરિકાની ગાદી પર બેસનારો એક રીતે દુનિયાનો ભાગ્યવિધાતા હોય છે તેથી દુનિયાભરની નજર અમેરિકા પર હોય એ સ્વાભાવિક છે. અલબત્ત આ વખતે લોકોને આ ચૂંટણી અંગે વધારે ઉત્સુકતા છે કેમ કે આ વખતે ખરાખરીનો જંગ છે. ટ્રમ્પે 2016માં આશ્ચર્યજનક રીતે હિલેરી ક્લિન્ટનને સાવ આસાનીથી હરાવેલાં પણ તેમના પ્રમુખપદનાં ચાર વર્ષ બહુ વખાણવા જેવાં નથી. ટ્રમ્પે ચાર વરસમાં વહીવટ કરતાં વિવાદ પેદા કર્યા છે તેથી અમેરિકનો બહુ ખુશ નથી એવું કહેવાય છે. ટ્રમ્પની સામે ઊભા રહેલા બાઈડન ધુરંધર ખેલાડી છે. બાઈડન તેમને બરાબરની ટક્કર આપી રહ્યા છે તેના કારણે ટ્રમ્પનો વરઘોડો ઘરે પાછો આવશે એવી વાતો પણ થઈ રહી છે. દુનિયામાં મોટો વર્ગ એવો છે કે જે ટ્રમ્પને ઘરભેગા થતા જોવા ઈચ્છે છે તેના કારણે પણ અમેરિકાની ચૂંટણીમાં કોણ જીતે છે તેના પર સૌની નજર છે.

અમેરિકામાં પ્રમુખપદની સાથે સાથે ઉપપ્રમુખપદની પણ ચૂંટણી છે. જો કે અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ જેવા મહત્ત્વના હોદ્દા માટે મતદાન થતું નથી તેથી તેના વિશે કોઈ વાત કરતું નથી. પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો પોતાના રનિંગ મેટ એટલે કે વાઈસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નક્કી કરે છે. તેમનું ભાવિ ચમકશે કે નહીં તેનો બધો આધાર પ્રમુખપદના ઉમેદવાર પર હોય છે. બાઈડનના રનિંગ મેટ તરીકે મૂળ ભારતીય કમલા હેરિસ છે ને ડોનાલ્ડના રનિંગ મેટ માઈક પેન્સ છે. આ બંનેના ભાવિનો ફેંસલો પણ ટ્રમ્પ ને બાઈડનની સાથે જ થશે. મજાની વાત એ છે કે, અમેરિકામાં કોણ પ્રમુખ બને છે તેના પર સૌની નજર છે પણ દુનિયાનાં મોટા ભાગનાં લોકોને અમેરિકાના પ્રમુખ કઈ રીતે ચૂંટાય છે તેની ખબર જ નથી. સામાન્ય માન્યતા એવી છે કે અમેરિકામાં લોકો સીધા જ પ્રમુખને ચૂંટે છે. મતલબ કે, પ્રમુખપદની ચૂંટણીમાં લોકો મતદાન કરવા જાય ને જો બાઈડન તથા ડોનલ્ડ ટ્રમ્પમાંથી જેને ગમે તેને મત આપે.

મતગણતરી થાય ત્યારે જેને વધારે મત મળ્યા હોય એ પ્રમુખ બને એવું લોકો માને છે પણ આ માન્યતા સાવ ખોટી છે.અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે લોકો સીધું મતદાન કરે છે ખરા પણ પ્રમુખપદના વિજેતા એ સીધા મતોની ગણતરીના આધારે નક્કી થતા નથી પણ ઈલેક્ટોરલ કોલેજના મતોને આધારે નક્કી થાય છે. ઈલેક્ટોરલ કોલેજમાં જેને વધારે મત મળે એ અમેરિકાનો પ્રમુખ બને. આ પ્રક્રિયા ભલભલાનું માથું ચકરાઈ જાય એવી છે ને રસપ્રદ પણ છે તેથી અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ટાણે આ પ્રક્રિયાની વાત કરી લઈએ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેની ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 538 મત છે. આ પૈકી જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી એટલે કે 270 મત મળે તે પ્રમુખ તરીકે જીતે. આ વાત સરળ લાગે છે પણ અટપટી વાત આ ઈલેક્ટોરલ કોલેજ શું છે ને આ મત કોને મળ્યા એ કઈ રીતે નક્કી થાય એ છે.

અમેરિકામાં કુલ 50 સ્ટેટ છે જ્યારે રાજધાની વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં આવેલી છે. આ બધા મળીને 51 વિસ્તારોમાં આ 538 ઈલેક્ટોરલ મત વહેંચાયેલા છે. આપણે અમેરિકાની રાજધાનીને વોશિંગ્ટન ડી.સી. કહીએ છીએ પણ ડી.સી.નો અર્થ લોકોને ખબર નથી. ડી.સી. એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. વોશિંગ્ટન કોઈ સ્ટેટમાં નથી ગણાતું પણ અલગ જ વિસ્તાર છે. તેને એક સ્ટેટને સમકક્ષ ખાસ દરજ્જો અપાયેલો છે. દરેક સ્ટેટને 2010ની વસતી ગણતરીના આધારે વસતીના પ્રમાણમાં ઈલેક્ટોરલ મતો ફાળવાયા છે. દરેક દાયકાની શરૂઆતમાં અમેરિકામાં થતી વસતી ગણતરીના આધારે પ્રમુખપદની ચૂંટણી માટે દરેક સ્ટેટના ઈલેક્ટોરલ મત નક્કી થાય છે. 2016ની ચૂંટણીની જેમ આ વખતની ચૂંટણીમાં 2010ની વસતી ગણતરીના આધારે ઈલેક્ટોરલ મત નક્કી થયેલા છે.

હવે મતદારો મતદાન કરે ત્યારે પ્રમુખપદના ઉમેદવારમાંથી કોઈ એક ઉમેદવારને મત આપે છે. આ મતોની ગણતરી થાય ને તેમાં જે ઉમેદવાર લોકોના મત વધારે મેળવીને જીતે તેના ખાતામાં સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત જાય છે. ઉદાહરણ તરીકે ઈલેક્ટોરલ કોલેજમાં કેલિફોર્નિયા સ્ટેટના ૫૫ મત છે. બાઈડન અને ટ્રમ્પમાંથી કેલિફોર્નિયામાં જે ઉમેદવારને વધારે મત મળશે તેને આ બધા ૫૫ મત મળશે. નેબ્રાસ્કા અને મરીન એ બે સ્ટેટને બાદ કરતાં બધા સ્ટેટમાં આ રીતે સ્ટેટના તમામ ઈલેક્ટોરલ મત સૌથી વધારે સીધા મત મેળવનારને મળે તેવી વ્યવસ્થા છે. આ રીતે દરેક ઉમેદવારને મળેલા વિજયના આધારે ઈલેક્ટોરલ મત કોના ખાતામાં ગયા એ નક્કી થતું જાય. તેનો સરવાળો થતો જાય ને જે ઉમેદવાર 270 ઈલેક્ટોરલ મત લઈ જાય એ જીતી જાય.

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી એ રીતે એકદમ ગૂંચવાડાભરી છે પણ એકંદરે સ્થિતિ ભારતની ચૂંટણી જેવી જ છે. આપણે ત્યાં અડધા દેશમાં પણ જેમનો પ્રભાવ ના હોય એવો પક્ષ લોકસભાની ચૂંટણી જીતીને પોતાની સરકાર રચી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર ને તામિલનાડુ જેવાં પાંચેક રાજ્યોમાં સપાટો બોલાવનારો પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવી શકે છે. કોંગ્રેસે વર્ષો સુધી એ રીતે સત્તા ભોગવી છે. ભાજપ તો તેના કરતાં પણ મર્યાદિત પ્રભાવ ધરાવતો પક્ષ હોવા છતાં સ્પષ્ટ બહુમતી મેળવીને કેન્દ્રમાં સરકાર રચી શક્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા, દિલ્હી એ દસેક રાજ્યોમાં સપાટો બોલાવીને ભાજપે સળંગ બે લોકસભા ચૂંટણીમાં સપાટો બોલાવ્યો છે અને સ્પષ્ટ બહુમતી મેળવીને પોતાની સરકાર બનાવી છે. અમેરિકામાં આપણા કરતાં ખરાબ હાલત છે. અમેરિકામાં પચાસ સ્ટેટ છે પણ પચાસમાંથી માંડ અગિયાર સ્ટેટમાં જેનો ડંકો વાગે એ પ્રમુખ બની જાય એવી હાલત છે.

કેલિફોર્નિયા (55 ઈલેક્ટોરલ મત), ટેક્સાસ (38), ફ્લોરિડા (29), ન્યૂ યોર્ક (29), ઈલિનોય(20), પેન્સિલ્વાનિયા (20), ઓહાયો (18), જ્યોર્જિયા (1), મિશિગન (16), નોર્થ કેરોલિના (25) અને ન્યૂ જર્સી (14 )એ 10 સ્ટેટના જ મળીને કુલ 270 ઈલેક્ટોરલ મત થઈ જાય છે. આ અગિયાર સ્ટેટના મતદારોને રીઝવીને આ સ્ટેટમાં બહુમતી મેળવે એ અમેરિકાનો પ્રમુખ બની શકે. આ અગિયાર સ્ટેટમાંથી પણ કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા અને ન્યૂ યોર્ક એ ચાર 4 સ્ટેટ સૌથી વધારે મહત્ત્વનાં છે.આ 4 સ્ટેટના જ કુલ 151 ઈલેક્ટોરલ મત છે તેથી આ ચાર રાજ્યો કબજે કરો પછી બાકીનાં 46 સ્ટેટમાંથી માત્ર 120 મત મેળવવાના રહે. બાઈડન અને ડોનલ્ડ ટ્રમ્પમાંથી જે આ ચાર રાજ્યોમાં વધારે જોર કરી જશે તેના જીતવાના ચાન્સ વધારે છે. અત્યારે જે વરતારા છે એ પ્રમાણે બાઈડન આ ચારેય રાજ્યોમાં ટ્રમ્પ કરતાં આગળ છે તેથી બાઈડનના જીતવાના ચાન્સ વધારે છે. અલબત્ત ભારત હોય કે અમેરિકા, ચૂંટણીમાં કશું નક્કી નહીં એ જોતાં ગમે ત્યારે પાસું પલટાઈ શકે એ જોતાં પરિણામ જાહેર ના થાય ત્યાં લગી કશું કહેવાય નહીં. ટ્રમ્પ ખેલાડી પણ છે ને ખેપાની પણ છે એ જોતાં એ છેલ્લે પાસું પલટી પણ શકે.