અમેરિકા સાથે ટકરાવ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ચીન પ્રવાસે જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિનને હત્યારા ગણાવી આકરા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ખુલી ધમકી આપ્યા બાદ ફરી એકવાર શિતયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. અમેરિકા સાથે ફરી એકવાર વણસી રહેલા સંબંધો વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અચાનક જ ચીનના પ્રવાસે જશે. લાવરોવની આગામી સપ્તાહે થનારી આ ચીન યાત્રા પર અમેરિકાની સાથો સાથ ભારતની પણ નજર રહેશે.

શિનજિયાંગ, તિબ્બેટ, હોંગકોંગ અને તાઈવાનને લઈને ચીન અને અમેરિકા સામ સામે છે. તો રશિયા સાથે પણ અમેરિકાનો અનેક મુદ્દે વિવાદ ચાલી રહૃાો છે. આ સ્થિતિમાં રશિયાનું ચીનને લઈને ભરવામાં આવેલુ પગલુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાું છે.

રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાતમાં અમેરિકાનો સામનો કરવા માટેની રણનીતિ ઘડાઈ શકે છે તેમ માનવામાં આવી રહૃાું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાંગે જણાવ્યું હતું કે, સર્ગેઈ લાવરોવ ૨૨ મર્ચે ચીન પહોંચશે અને બે દિવસની યાત્રા દરમિયાન તે પોતાના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય સંબંધો અને સંયુક્ત હિતોના આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરશે. લાવરોવની આ યાત્રા અલાસ્કામાં અમરિકી વિદેશ મંત્રી એંટણી બ્લિંકેટ, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેલ સુલ્લિવાન અને ચીની રાજદ્વારી યાંગ જીચી તથા વાંગ વચ્ચે થઈ રહેલી બે દિવસીય ઉચ્ચ સ્તરની વાતચીતની પૃષ્ટભૂમિમાં થશે.